નવી દિલ્હી: એવું લાગે છે કે, માતા-પિતા હજી પણ પાઠ શીખ્યાં નથી. કારણ કે, બાળકો તેમના બેંક (Bank) ખાતામાંથી મોટી રકમનો ઑનલાઇન ખર્ચ (Online Expence) કરે છે તેવા અહેવાલો ફરીથી સામે આવી રહ્યાં છે. ચીનમાં (China) એક 13 વર્ષની છોકરીએ મોબાઇલ ગેમ (Mobile Game) પર 52 લાખ રૂપિયા ખર્ચીને તેની માતાનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું હતું. હવે, ભારતના અન્ય એક સગીરે માત્ર ઓનલાઇન ગેમ રમવા માટે આવું જ કંઈક કર્યું છે.
હૈદરાબાદના અંબરપેટ વિસ્તારના રહેવાસી 16 વર્ષના છોકરાએ તેની માતાનું બેંક એકાઉન્ટ પણ એક ગેમ માટે ખાલી કરી નાખ્યું હતું. મહિલાને લગભગ 36 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. કારણ કે, તેનો પુત્રએ મોબાઇલ ફોન પર ઑનલાઇન ગેમ રમવાનું ચાલુ રાખ્યું હતું. હૈદરાબાદ પોલીસની સાયબર ક્રાઇમ વિંગ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, છોકરાએ સૌથી પહેલા તેના દાદાના મોબાઇલ ફોન પર લોકપ્રિય ફ્રી ફાયર ગેમિંગ એપ ડાઉનલોડ કરી હતી. આ એક મફત રમત છે, પરંતુ છોકરાએ રમતમાં આગળ વધતાં તેના પર થોડી રકમ ખર્ચવાનું શરૂ કર્યું. તેણે પહેલા તેની માતાના ખાતામાંથી 1,500 રૂપિયા અને બાદમાં 10,000 રૂપિયા ગેમ રમવા માટે ખર્ચ્યા.
સમયની સાથે, તે રમતનો વ્યસની બની ગયો. કારણ કે, પૈસા આપવાથી કૌશલ્ય અને શસ્ત્રોમાં સુધાર સાથે ગેમપ્લે વધુ સારું બન્યું. એક ન્યૂઝ અહેવાલ મુજબ, આ વ્યસનના કારણે તેને પરિવારના સભ્યોની જાણ વગર મોટી રકમ ઉપાડવી પડી હતી. તે ફ્રી ફાયર ગેમમાં રૂ. 1.45 લાખથી રૂ. 2 લાખની ચૂકવણી કરતો રહ્યો. પાછળથી, જ્યારે છોકરાની માતા પૈસા ઉપાડવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)માં ગઈ ત્યારે તેણી એ હકીકતથી આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેના બેંક ખાતામાં કોઈ પૈસા બાકી નથી. બેંક અધિકારીઓએ તેને કહ્યું કે તેના ખાતામાંથી 27 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને આ એકમાત્ર બેંક ખાતું નથી. તેણીએ જાણ્યું કે તેના પુત્રએ તેની એચડીએફસી બેંકનો ઉપયોગ કરીને પણ પૈસા ખર્ચ્યા છે. છોકરાએ આ બેંક ખાતામાંથી 9 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. તેથી, તેણીએ ગુમાવેલા કુલ નાણાં 36 લાખ રૂપિયા છે.
ત્યાર બાદ મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. છોકરો 11મા ધોરણનો વિદ્યાર્થી હતો અને સ્વર્ગસ્થ પોલીસ અધિકારીનો પુત્ર છે. તેણીએ એક પોલીસ અધિકારીને કહ્યું કે, તે તેના સ્વર્ગસ્થ પતિની મહેનતથી કમાયેલા પૈસા હતા, જે તેણીએ માત્ર એક રમતને કારણે ગુમાવી હતી અને તે નાણાં પણ અધિકારીના મૃત્યુ પછી મળેલા નાણાકીય લાભનો એક ભાગ હતો.