ગાંધીનગર: (Gandhinagar) વૈશ્વિક મહામારી કોરોનાના (Corona) કારણે રાજ્યમાં જે નાગરિકોના મૃત્યુ (Death) થયા છે, તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજ્ય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ (Online Portal) તૈયાર કર્યુ છે. ગાધીનગર ખાતેથી આ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ iora.gujarat.gov.in નું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લોન્ચ કર્યું હતું. જેથી હવે લોકો સીધા ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કર્યા બાદ એક મહિનામાં બેંક ખાતામાં સહાય રાશિ જમા થઈ જશે.
રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં કહ્યું હતું કે આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમાં જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા થશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર કોવિડ-19થી મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાનું નક્કી કરાયું છે. અરજી કઈ રીતે કરવી તે અંગેની વિગત અહીં જણાવવામાં આવી છે.
આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૨૮/૧૧/૨૦૨૧ના ઠરાવ પ્રમાણે કોવિડ -19 ના કારણે મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે RTPCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર, ફોર્મ 4 અથવા 4-A અપલોડ કરવાના રહેશે.
આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે અને કરેલી અરજી અન્વયે દિન-૩૦માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે અરજીઓ સ્વીકારવામાં આવે છે, તે પ્રક્રિયા ચાલુ રહેશે. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ કરેલ મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશનમાં અરજી કરવાની લિંક https://iora.gujarat.gov.in/Cov19_Login.aspx છે.