SURAT

ઓનલાઈન ફ્રેન્ડશીપ કર્યા બાદ ATM કાર્ડ માંગ્યો ને કર્યો કાંડ, હવે લોકો યુવતી પાસે કરે છે આવી માંગણી

સુરત: (Surat) મૂળ માંગરોળની વતની અને અડાજણમાં રહેતી કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતી યુવતીને (Girl) ફેસબુક (Facebook) ફ્રેન્ડે (Friend) માસીની દિકરી હોસ્પિટલમાં દાખલ હોવાનું કહી તેનું એટીએમ (ATM) કાર્ડ મેળવી લીધું હતું. બાદમાં યુવતીના ખાતામાં ટુકડે ટુકડે બીજી યુવતીના ખાતામાંથી તથા અલગ અલગ 2.06 લાખ જમા કઢાવડાવી આ રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી (Cheating) કરી હતી. અડાજણ પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • ફેસબુક ફ્રેન્ડે જુઠુ બોલી યુવતીનું એટીએમ કાર્ડ મેળવી બારોબાર 2.06 લાખનો વ્યવહાર કર્યો
  • ‘મારા માસીની છોકરી દાખલ છે અને મારૂ એટીએમ બ્લોક છે, મારે નાણાની જરૂર હોવાથી તારુ એટીએમ કાર્ડ આપ’ કહી ખેલ કર્યો
  • યુવતીએ તપાસ કરતાં ઠગ યુવકે અનેક લોકોને છેતરી તેના ખાતામાં રૂપિયા જમા કરાવી ઉપાડી વાપરી નાખ્યાનું સામે આવ્યું

આનંદમહલ રોડ પર રહેતી 25 વર્ષીય પિનલબેન (નામ બદલ્યું છે) મુળ માંગરોળના ઝંખવાવની રહેવાસી છે અને સુરતમાં તેના બહેન-બનેવી સાથે રહીને કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરે છે. વર્ષ 2020માં તેની ફેસબુક આઈડી પર પાર્થ ચૌધરી નામના યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. આ રિકવેસ્ટ સ્વીકારતા યુવકે મેસેજ કરતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બાદમાં પાર્થ ચૌધરીએ મોબાઈલ નંબર આપતાં બંને વોટ્સએપમાં (Whatsapp) વાત કરતા હતા.

વર્ષ 2021 માર્ચના માસમાં પાર્થે મારા માસીની છોકરી હોસ્પિટલમાં દાખલ છે અને મારૂ એટીએમ કાર્ડ બ્લોક છે અને મારે નાણાની જરૂરિયાત છે અને મારા મિત્ર પાસે તારા ખાતામાં નાણા નંખાવવા છે. જેથી તારૂ એટીએમ કાર્ડ મને બે-ત્રણ દિવસ પુરતું આપ તેમ કહ્યું હતું. જેથી વિશ્વાસમાં આવીને પિનલે એટીએમ કાર્ડ અને પાસવર્ડ આપ્યો હતો. બાદમાં પિનલના ખાતામાંથી ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા હતા. પિનલે થોડા દિવસ પછી તેનું કાર્ડ પરત માંગ્યું હતું. જેથી પાર્થે હું હાલમાં બહારગામ આવેલો છું પરત આવું એટલે તારૂ એટીએમ કાર્ડ પરત આપી દઈશ તેમ કહ્યું હતું.

દરમિયાન માર્ચ 2022 માં પિનલના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને હું અલ્કેશભાઈ બોલુ છું તમે પાર્થ ચૌધરીને ઓળખો છો તેમ પુછ્યું હતું. પિનલે હા પાડતા તેમને પાર્થે મારી દિકરી પાસે અલગ અલગ રૂપિયા તમારા બેંક ખાતામાં નખાવેલા છે જે નાણા તું મને પરત આપી દેજે તેમ કહ્યું હતું. પિનલે આ અંગે પાર્થને ફોન કરીને પુછતા તેને ફોન કટ કરી નાખ્યો હતો. અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. પિનલે બેંકમાં જઈને તપાસ કરતા પાર્થે અલગ અલગ વ્યક્તિઓ પાસે માર્ચ 2021થી આજદિન સુધીમાં ટુકડે ટુકડે 2.06 લાખ જમા કરાવડાવી જાણ બહાર ઉપાડી લીધા હતા. અડાજણ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top