Columns

ઑનેસ્ટી

નેસ્ટી એટલે પ્રામાણિકપણું, સદાચાર, નિષ્કપટપણું, સચ્ચાઈ, ન્યાયીપણું વગેરે. ઑનેસ્ટી એક કિંમતી હીરો છે. જેની પાસે આ હીરો હોય તેનો ચહેરો ચમકી ઊઠે છે, તે લોકોના આદરને પાત્ર બને છે. થોડા દિવસ પહેલાં થોડી ખરીદી માટે હું એક દુકાનમાં ગયો. રૂપિયા 30ની જરૂરી વસ્તુઓ ખરીદી. એક 20 રૂપિયાની અને બીજી 10 રૂપિયાની એમ બે નોટો યુવાન દુકાનદારના હાથમાં પકડાવી, મેં ચાલતી પકડી. દુકાનદાર કોઈની સાથે વાત કરતો હતો એટલે એણે પણ તત્કાલ પૈસા ગણ્યા નહિ. હું મારુ મોપેડ સ્ટાર્ટ કરવા જતો હતો ત્યાં આ યુવાન દુકાનદારે, અંકલ, અંકલ કરીને બૂમ પાડી. મારું મોપેડ બંધ કરી હું તેની પાસે ગયો. એણે મને કહ્યું તમે મને કેટલા પૈસા આપ્યા ? મેં કહ્યું એક 20ની નોટ અને એક 10ની નોટ એમ 30 રૂપિયા. એણે રૂપિયા 200ની નોટ મને પરત આપતાં કહ્યું.

આ તમારા વધારાના છે. મેં આ નોટ પરત લેતાં તેનો આભાર માન્યો. આ યુવાન દુકાનદાર માટે મારા માનસપટ પર એક ઑનેસ્ટ વ્યક્તિ તરીકેની કાયમી છબી અંકાઈ ગઈ. આ ઘટના પછી મને ઑનેસ્ટીના કેટલાંક દ્રષ્ટાંતો યાદ આવ્યાં જે પૈકીનાં બે અત્રે પ્રસ્તુત છે. વિદેશની વાત છે. એક કોન્સ્ટેબલ ચર્ચમાં પ્રાર્થના કરવા ગયો. આ કોન્સ્ટેબલ આંખો બંધ કરી પ્રાર્થનામાં મગ્ન હતો ત્યાં એક ભિખારી તેની પાસે આવ્યો અને ભિક્ષા માટે યાચના કરી. કોન્સ્ટેબલે તેના ખિસ્સામાં હાથ નાખી હાથમાં આવ્યા એટલા સોનાના સિક્કા તેને આપી દીધા.

તેના આશ્ચર્ય વચ્ચે તેણે જોયું કે, કોન્સ્ટેબલે આપેલ સોનાના સિક્કામાં એક ખૂબ ઊંચી કિંમતનો સિક્કો હતો. આવડી મોટી રકમ જોઈ તેને લાગ્યું કે, ક્યાંક મિસ્ટેક થઈ છે એટલે એ ચર્ચના એક કોર્નરમાં ઊભો રહ્યો. પ્રાર્થના પૂરી કરીને કોન્સ્ટેબલ બહાર આવ્યો એટલે ભિક્ષુક તેની પાસે દોડી ગયો અને કહ્યું, ‘’સર આપની ભૂલ થતી હોય એવું મને લાગે છે.’’ કોન્સ્ટેબલે ખાતરી કરી અને કહ્યું, હા ભૂલ તો થઈ છે પણ તારી આ ઑનેસ્ટી જોઈને મને ખૂબ આનંદ થયો છે એટલે એ બધા સિક્કા તું તારી પાસે રાખી લે. ભિક્ષુકના આનંદનો પાર ન રહ્યો.

સમ્રાટ નેપોલિયન એક ખૂબ વિચક્ષણ મહાન સમ્રાટ હતો. તેણે એક ખૂબ જ નામાંકિત અને કૌશલ્યવાન માણસને તેના માટે બુલેટપ્રુફ બખ્તર બનાવવાનો ઓર્ડર આપ્યો. બખ્તર તૈયાર થતાં તે રાજાના મહેલમાં આપવા ગયો પણ આ કંઈ કાચોપોચો માણસ થોડો હતો? બખ્તર બરાબર બન્યું છે કે નહીં અને તે સંપૂર્ણ સલામત છે કે કેમ? તેનું પરીક્ષણ કરવા તેણે કહ્યું, ‘‘પહેલાં તું પોતે આ બખ્તર ધારણ કર. પછી મારા સિપાઈઓની ટુકડીઓ તારા પર બંદૂકની ગોળીઓ ચલાવશે અને ખાતરી કરશે કે આ બખ્તર સંપૂર્ણપણે સુરક્ષિત છે કે કેમ? જો સંપૂર્ણ સુરક્ષિત જણાશે તો જ તને એની કિંમત ચૂકવવામાં આવશે.’’ આ સાંભળી કારીગરને પસીનો છૂટી ગયો.

સિપાઈઓને બંદૂકમાં કાટ્રીઝ ભરતા જોઈને તેના છક્કા છૂટી જતા હતા પરંતુ છટકવા માટેનો કોઈ માર્ગ પણ ન હતો એટલે મજબૂરન તેણે સ્વીકારી લીધું. ફટાફટ ફટાકડા ફૂટે તેમ ગોળીઓ છૂટવા લાગી.બધી બાજુએ ગોળીઓ મારી બખ્તરની ઝીણવટભરી ચકાસણી થઈ. બખ્તર સર્વ રીતે સુરક્ષિત જણાયું. રાજા ખુશ થયો અને કારીગરને પ્રામાણિકપણે બખ્તર બનાવવા બદલ શાબાશી આપતાં નક્કી કરી હતી તે કરતાં ડબલ રકમ મહેનતાણા પેટે ચૂકવી આપી.
દુશ્મનના સૈન્યના અજેય ગણાતા રાક્ષસીકદના ગોલ્યાથ નામના મહા બળવાન સૈનિકને મારી નાખી રાજા શાઉલને ચિંતામુક્ત કરનાર ડેવિડને જ નજીવી બાબતે અહમ્ ઘવાતાં રાજા શાઉલે મારી નાખવા નિશ્ચય કર્યો. ડેવિડને તેની ખબર પડી જતાં તે નાસી ગયો અને પહાડો અને ગુફાઓમા સંતાતો ફરતો હતો.

દરમિયાન કેટલાક માણસોએ શાઉલને જઈને કહ્યું કે ડેવિડ યહૂદાના વગડામાં સગીરાના ડુંગર ઉપર સંતાયેલો છે; એટલે શાઉલ તેણે પસંદ કરેલ 3000 ચપળ માણસો સાથે ડેવિડની શોધમાં નીકળી પડ્યો પણ ડેવિડને ખબર પડી ગઈ હોવાથી તેણે જગ્યા બદલી નાખી હતી હવે થયું એવું કે, જે ગુફામાં ડેવિડ અને તેના માણસો ઠેઠ અંદરના ભાગે સંતાઈ રહ્યા હતા તે જ ગુફામાં શાઉલ કુદરતી હાજતે ગયો. ડેવિડના માણસોએ ડેવિડને ક્હ્યું કે, દુશ્મનને પૂરો કરવાની તક ઈશ્વરે આપણને આપી છે.‌ પણ ડેવિડે તેના માણસોને રોક્યા અને શાઉલને મારવા દીધો નહિ.

ગુફામાંથી બહાર નીકળીને ડેવિડે, નામદાર હજૂર કહીને શાઉલને પોકાર્યા. શાઉલે તેનું મોં ફેરવતા ડેવિડે કહ્યું, ‘’નામદાર, હું તમને મારી શકતો હતો. મારા માણસો પણ તમને મારી નાખવા ઉત્સુક હતા પણ મેં તેમને કહ્યું, કે, હું મારા માલિક સામે હાથ નહીં ઉગામું કારણ, એ પ્રભુએ અભિષેક કરેલા રાજા છે. હું આપને મારીશ નહીં. મેં આગાઉ પણ આપને જવા દીધા હતા.’’ ડેવિડના આ શબ્દો સાંભળીને રાજા શાઉલને ખૂબ પસ્તાવો થયો.

Most Popular

To Top