Columns

પોતાનું સપનાનું ઘર

એક ભાઈ નવું ઘર લેવાનો વિચાર કરી રહ્યા હતા. એક દિવસ છાપામાં તેમણે ઘર વેચવું છે હેઠળ એક જાહેરાત વાંચી—‘એક સુંદર ત્રણ બેડરૂમ હોલ કિચન વિથ ટેરેસ…મહાનગરની વચ્ચે હિલ્સનો રમણીય નજારો પોતાની અગાસીમાં ટેરેસ ગાર્ડનમાં રોજ પંખીઓના કલરવ વચ્ચે નાસ્તો કરવાનો આનંદ વગેરે વગેરે….’જોવા ખરીદવા કોન્ટેક્ટ કરો — ખૂબ જ સુંદર વર્ણન સાથે આ જાહેરાત લખવામાં આવી હતી. ભાઈ એકદમ પ્રભાવિત થઈ ગયા.

વિચાર્યું બસ આવા જ ઘરની કલ્પના મેં કરી છે, આજે જ આ ઘર જોવા જવું છે. તેમણે પોતાના એજન્ટને ફોન કરી છાપાની જાહેરાતની વાત કરી અને કહ્યું, ‘ભાઈ મને આવું જ ઘર જોઈએ છે તમે જલ્દીથી જાહેરાતમાં આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર તપાસ કરીને જણાવો અને મીટીંગ ફિક્સ કરો દલાલે કહ્યું હા સર મને બે કલાકનો સમય આપો કોની જાહેરાત છે ઘર ક્યાં છે? કોણ એજન્ટ છે કોણ માલિક છે બધી તપાસ કરી તમને જણાવું છું અને બને તો આજે જ અથવા કાલે મીટીંગ ફિક્સ કરું છું.’  દલાલે પોતાના આસિસ્ટન્ટને છાપાની જાહેરાત વિષે તપાસ કરવાના ચક્રો ગતિમાન કરવા જણાવ્યું.

લગભગ કલાક બાદ આસિસ્ટન્ટ દોડતો એજન્ટ પાસે આવ્યો અને બોલ્યો, ‘સર, આ જાહેરાત તો મેં જ લખી છે અને આપણે જ આપી છે.’એજન્ટે કહ્યું, ‘તો તો બહુ સારી વાત છે વેચનાર અને ખરીદનાર બંને તરફથી આપણને જ દલાલી મળશે જલદી મીટીંગ ગોઠવ.’ આસિસ્ટન્ટએ કહ્યું, ‘પણ સર જેમને ખરીદવું છે ને તેમનું જ આ ઘર છે !!!’આ સાંભળી એજન્ટ બે ઘડી સ્તબ્ધ થઈ ગયો પછી તે પેલા ભાઈના ઘરે ગયો અને પછી વાત સમજાવતા કહ્યું, ‘ભાઈ આ તો તમારે ઘર વેચવું હતું એટલે અમે જ તમારા ઘર માટે જાહેરાત આપી હતી.

આ સાંભળી પેલા ભાઈ વિચારમાં પડી ગયા કે—‘મારા ઘરનું કેટલું સુંદર વર્ણન કર્યું, કેટલી સરસ કિંમત કરી. હું વર્ષોથી અહીં જ રહું છું તો મને તો તે સપનાનું ઘર નથી લાગતું અને જાહેરાત વાંચીને એ જ ઘર મને સપનાના ઘરની બધી જ ખૂબી ધરાવતું હોય તેવું લાગે છે.’  આજ છે માનવ મનની સ્થિતિ… આપણને બધાને બહારનું, દૂરનું, બીજાનું ઘણું બધું સારું લાગે છે અને પોતાનું આસપાસનું, અંદરનું, ગમે તેટલું સુંદર હોય તેની તરફ જોવાની ફુરસદ જ નથી… કદર અને કિંમત જ નથી… એટલે જ આપણું મન બધું હોવા છતાં દુઃખી રહે છે. ઈશ્વરે જે આપ્યું છે તેને માણો અને ખુશ રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top