સુરત: માતા પિતાની આંખ ઉઘાડનારો કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. અહીં ઘરમાં રમતા રમતા પાણીના ટબમાં પડી ડૂબી જતા એક વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.
- સુરતના લિંબાયત વિસ્તારની ઘટના: માતા ઘરની બહાર કચરો ફેંકવા ગઈ અને બાળકી પાણીના ટબમાં પડી ડૂબી ગઈ
- બેભાન બાળકીને 108માં નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચાડાય તે પહેલાં તેનું મોત નિપજ્યું
- લિંબાયત પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં એક વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે. લિંબાયતમાં આવેલા હનુમાન મંદિર નજીક રહેતા સિરાજ શેખ ટેક્સટાઈલ માર્કેટમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે. પત્ની ઘરકામ કરે છે. દરમિયાન ગઈ તા. 15 જાન્યુઆરીને રવિવારે વાસી ઉત્તરાયણના દિવસે સિરાજ શેખની 1 વર્ષની પુત્રી ફાતિમા ઘરમાં રમી રહી હતી, ત્યારે બાળકીની માતા ઘરની સાફ સફાઈ કરી રહી હતી. ઘરની સફાઈ કરી માતા કચરો ફેંકવા ઘરની બહાર ગઈ હતી તે જ સમયગાળામાં રમતા રમતા ફાતિમા પાણીના ટબમાં પડી ગઈ હતી. માતા બહાર ગઈ હતી તેથી તેને ખબર પડી નહીં.
દરમિયાન માતા ઘરમાં પરત ફરે તે પહેલાં બાળકીનું પાણીના ટબમાં પડ્યાને ઘણો સમય વીતી ગયો હતો. થોડા સમય બાદ માતા ઘરે પરત આવી ત્યારે તેણીએ દીકરીને પાણીના ટબમાં ઊંધા માથે પડેલી જોતા તેણીએ બૂમાબૂમ મચાવી દીધી હતી. જેથી પાડોશી અને સબંધીઓ ત્યાં આવી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાનામાં લઈ ગયા હતા. ત્યાંથી ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનું કહેતા 108ને બોલાવી બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. લિંબાયત પોલીસે બાળકીનું પીએમ કરાવ્યું હતું. બાળકીના મોતને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એકાએક રમતી બાળકીનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યાં છે. માતા સતત રડી રહી છે. પાડોશી અને સંબંધીઓ પણ સમજી શકતા નથી કે એકાએક બાળકીનું મોત કઈ રીતે થઈ ગયું. સતત કામકાજમાં વ્યસ્ત રહેતાં આજના યુગના માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.