Columns

જેનામાં સર્જનાત્મકતા હોય તે કોઇની કઢી ચાટે નહીં

2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી આજ સુધીમાં ઓછામાં ઓછી ત્રીસેક ફિલ્મ
અને ટીવી સિરિયલ કે વેબ સીરીઝ આવી હશે જેમાં ગાંધીજીને, જવાહરલાલ નેહરુને, ઇન્દિરા ગાંધીને, ડૉ. મનમોહન સિંહને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મુસલમાનોને, ખ્રિસ્તીઓને, ડાબેરીઓને, સેકયુલરિસ્ટોને અને એકંદરે માનવતાવાદીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવેક અગ્નિહોત્રી, અક્ષય કુમાર, અનુપમ ખેર વગેરે અઢળક કમાયા છે. ગોદી સર્જકોને પૈસા આપવામાં આવતા હતા અને તેમણે માલિકોને ઉઝળા દેખાડવાના હતા અને માલિકોના દુશ્મનની બદનામી કરવાની હતી. ગોદમાં બેસાડનારાઓ એમ
માનતા હશે કે ભારતની સમગ્ર પ્રજા બેવકૂફ છે અને આખી જિંદગી તેમ જ પેઢીદરપેઢી બેવકૂફ રહેવા સર્જાયેલી છે. પણ એમાં બે સમસ્યા છે. પ્રજા એકના એક ગાયનવાદનથી કંટાળી જાય. બેવકૂફમાં બેવકૂફ માણસ પણ એક દિવસ તો વિચારે કે આ લોકો પોતાને મહાન દેખાડવા માટે બીજાને શું કામ નાના ચીતરે છે? દરેક પ્રસંગે અને દરેક સ્થળે બીજાઓને નીચા દેખાડવાની પ્રવૃત્તિ આ લોકો શું કામ કરે છે? શું પોતાનાં કોડિયામાં ઓછું તેલ છે કે બીજાનાં કોડિયાનું તેલ ઢોળી નાખવું પડે? કોડિયુ બુઝાઈ જવાનો ડર છે? આવો સવાલ તો બેવકૂફમાં બેવકૂફ હોય તેને પણ એક દિવસ થાય. બીજી સમસ્યા એ છે કે જે લોકો પૈસા લઈને પ્રચારક બને તેનામાં સર્જનાત્મકતા ઓછી હોવાની. અમર કૃતિ રચવાની આવડત તેનામાં ન હોય અને એવી આવડત જેનામાં હોય એ કોઈની કઢી ચાટે નહીં. કોઈ ભાટની કવિતા કાલીદાસની કવિતા સામે ટકે? એટલે તેણે કરેલું સર્જન આંખ સહન ન કરી શકે એવું જાડું હોય અને કાન સહન ન કરી શકે એટલું ઘોંઘાટિયું હોય. ઘણીવાર સવાલ થાય કે આ માલિકની પ્રસંશા કરે છે કે ઠેકડી ઊડાડે છે? વધારે વહાલા થવા વધારે અતિશયોક્તિ કરે. વિવેક અગ્નિહોત્રીની ‘કાશ્મીર ફાઈલ્સ’ આનું ઉદાહરણ છે. એ ફિલ્મને ઓસ્કરમાં મોકલવામાં આવી હતી અને ઓસ્કરની જ્યુરીએ જ્યારે એ ફિલ્મ જોઈ ત્યારે દરેકે દરેક સભ્યએ ગુસ્સે થઈને કહ્યું હતું કે આવી ફૂહડ ફિલ્મ અહીં સુધી પહોંચી જ કેવી રીતે? આ કોઈ ફિલ્મ છે? પ્રોપેગેન્ડા ફિલ્મ અમારે જોવાની? જ્યુરીનો અભિપ્રાય જોઇને અગ્નિહોત્રી અને ખેરને મરચાં લાગ્યાં હતાં.
ટૂંકમાં બીજાની બદનામી કરતો એક સરખો પ્રચાર જોઇને એક દિવસ લોકો કંટાળી જાય અને શંકા કરતા થઈ જાય. જેણે જિંદગીમાં હાથમાં દાંડી પકડી ન હોય એ ઢોલ વગાડે તો અવ્વલ દરજ્જાનો ભક્ત પણ કાને હાથ મૂકી દે. અત્યારે આવું બનવા લાગ્યું છે. પ્રોપેગેન્ડા કરનારી ફિલ્મો નિષ્ફળ નીવડી રહી છે.
આની સામે કોઈ અવ્વલ દરજ્જાનો સર્જક શાસકોને માફક ન આવે એવા કોઈ વિષય પર કૃતિ રચે તો? માત્ર એક ઉદાહરણ બસ રહેશે. પશ્ચિમ બંગાળમાં જ્યારે નક્સલવાદી આંદોલન જોરમાં હતું ત્યારે એ સમયના પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રેએ સરકારી હિંસાનો સપાટો બોલાવ્યો હતો. જે અવાજ કરે એ દરેક નક્સલી અને નક્સલી જીવતો ન બચવો જોઈએ. કોલકાતામાં અને સમગ્ર રાજ્યમાં હજારો યુવકોની લાશો બિછાવી દેવામાં આવી હતી. નકલી એન્કાઉન્ટરનો અને બુલડોઝરનો ન્યાય પહેલેથી જ અપનાવામાં આવી રહ્યો છે. ફરક એ છે કે આગળના યુગના બાહોશ શાસકો સરકારી હિંસાનો મહિમા કરતા નહોતા. વાંકી આંગળીએ ઘી એ લોકો પણ કાઢતા હતા, પણ કહેતા નહોતા. હાથ હંમેશા જોડેલા જ હોય.
ખેર, પશ્ચિમ બંગાળની સરકાર એ સમયે જે રીતે યુવકોને મારતી હતી, જે રીતે અવાજોને રૂંધતી હતી, જે રીતે તેણે માનવીય જીવનને સસ્તું કરી મૂક્યું હતું એ જોઇને લબ્ધપ્રતિષ્ઠ બંગાળી સાહિત્યકાર મહાશ્વેતા દેવીએ એક કૃતિ રચી હતી જેનું નામ હતું; ‘હજાર ચુરાશીરમા’ (1084). કોલકાતાના મુર્દાઘરમાં એક યુવકની લાશ પડી છે જેની ઓળખ છે, ‘હજાર ચુરાશીરમાં.’ લાશ ક્રમાંક 1084. આ શીર્ષક જ હચમચાવી મૂકે એવું છે. માં બાપ માટે જે લાડકવાયો છે એ બંદૂકના નાળચામાં સમાયેલા શાસન માટે એક નંબર માત્ર છે. એ કૃતિ માંડ 100 પાનાંની હશે, પણ અમર કૃતિ છે.
એનો અનેક ભાષામાં અનુવાદ થયો છે, ગુજરાતીમાં પણ થયો છે. એ જ નામની ફિલ્મ પણ બની છે. એ કૃતિ રચાઈ ત્યારથી લઈને આજ સુધી અને હવે પછી પણ, જ્યારે એ કૃતિની વાત થશે ત્યારે સિદ્ધાર્થ શંકર રાય અને તેની પુલીસ માનવીય સભ્યતાના દુશ્મન તરીકે હાજર થશે. તેમનું સ્વતંત્ર અસ્તિત્વ તો સત્તા છોડ્યા પછી ક્યારનુંય મટી ગયું છે, તેઓ એક નાનકડી કૃતિ દ્વારા એ કૃતિએ આપેલા ચહેરા સાથે જીવે છે. આ ફરક છે, બળુકા સર્જકોમાં અને ખુશામતખોરોમાં. એક 100 પાનાંની કૃતિએ કાયમ માટે શાસકોના અસલી ચહેરાને કાળની ભીંતમાં કોતરી દીધો. કોઈની તાકાત નથી એ ભૂંસવાની, પછી ભલે હજાર વિવેક અગ્નિહોત્રીઓને કામે લગાડવામાં આવે! આવાં અમર સર્જનોનાં તો બીજાં અનેક દાખલા આપી શકાય. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘ગ્રેટ ડીક્ટેટર’ જોઈ લો. હિટલર અને હિટલરની વિચારધારા પર લખાયેલાં હજારો પુસ્તકો એક તરફ અને ‘ગ્રેટ ડીક્ટેટર’ એક તરફ. એ ફિલ્મ મૂંગી છે, પણ સતાવે છે. ભેગભેગા પાયલ કાપડિયાને યાદ કરી લઈએ. પાયલ કાપડિયાને તેની ફિલ્મ ‘ઑલ વી ઈમેજીન એઝ લાઈટ’ માટે કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં ગ્રેંડ પ્રિક્સ એવોર્ડ મળ્યો. આ પાયલ કાપડિયા પુણેની ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં ભણતી હતી ત્યારે મોદી સરકારે ‘મહાભારત’ ટીવી સિરિયલમાં યુધિષ્ઠિર બનેલા ગજેન્દ્ર સિંહ ચોહાણને તેનાં અધ્યક્ષ બનાવ્યા હતા. તેમની જમા બાજુ એટલી જ હતી કે તેઓ BJPના સભ્ય છે. વિદ્યાર્થીઓએ ગજેન્દ્રસિંહની નિમણૂકનો વિરોધ કર્યો, આંદોલન કર્યું, પાયલે તેનું નેતૃત્વ કર્યું હતું અને સરકારે તેને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. આજે ગજેન્દ્રસિંહ ચોહાણને દેશમાં પણ કોઈ ઓળખતું નથી અને પાયલે વિદેશમાં નામ રોશન કર્યું. કાળ નીરવતાને સાંભળતો હોય છે અને ઘોંઘાટને ચાળી નાખતો હોય છે.

Most Popular

To Top