આણંદ : ખંભાતની ધી કેમ્બે એજયુકેશન સોસાયટી સંચાલિત માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને એક મતની કિમંત અને તેની ઉપયોગીતા અંગે જાણકારી આપવામાં આવી હતી. ખંભાતના માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર મનુભાઈ હિહોરે જણાવ્યું હતું કે ચૂંટણીમાં પ્રત્યેક મતની કિંમત છે. મતાધિકારનો ઉપયોગ કરી સાચી સરકાર ચૂંટવા આપણે પ્રયત્નશીલ બનવું જોઈએ. મતદાતા તરીકે 18 વર્ષ પૂર્ણ થયા બાદ ચૂંટણી કાર્ડ,મતદારયાદીમાં નોંધણી સહિતની જવાબદારી યાદ રાખી પૂર્ણ કરવી જરૂરી છે અને પ્રત્યેક ચૂંટણી સમયે પોતાના હક્કોથી જાગૃત બની મતદાન કરવું જોઈએ.
આ પ્રસંગે શૈલેષભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ,એક મત સરકાર બનાવી શકે અને ઉથલાવી પણ શકે. 2011થી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.25 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણના અમલના આગલા દિવસે ચૂંટણી પંચની રચના કરવામાં આવી હતી.જે દિવસને યાદ કરી મતદાતા દિનની ઉજવણી કરવામાં આવે છે.આપણા દેશમાં ૬૫ ટકા વસ્તી યુવાનોની છે. તેઓ મતાધિકારનો ઉપયોગ કરી નિષ્પક્ષ અને પ્રગતિશીલ સરકારની પસંદગી કરી શકે છે. પરિવારજનો અડોશ-પડોશમાંના લોકોને પણ યુવાનોએ મતદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. આ પ્રસંગે મામલતદાર મનુભાઈ હિહોર, ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ પરમાર,શૈલેષ રાઠોડ અનિલભાઈ પરમાર, જીગ્નેશભાઈ પંડ્યા, હેમલભાઈ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ પરમારે મતદારોની ફરજો અંગે માહિતી આપી હતી અને પવિત્ર ફરજનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન હેમલભાઈ શાહે કર્યું હતું.