Business

એક UPI એકાઉન્ટને એકથી વધુ લોકો યુઝ કરી શકશે, જાણો કેવી રીતે શક્ય બનશે

નવી દિલ્હીઃ હાલમાં એક બેન્ક એકાઉન્ટ પર એક જ UPI આઈડી એક્ટિવ કરી શકાય છે, તેના લીધે પરિવારના એકથી વધુ સભ્યોએને સમસ્યા નડે છે. જોકે, હવે એક થી વધુ લોકો એક UPI આઈડીનો યુઝ કરી શકે તેવી સિસ્ટમ લોન્ચ થવા જઈ રહી છે. એટલે કે તમારું UPI એકાઉન્ટ તમારા પરિવારના સભ્યો તમારી સંમતિથી વાપરી શકશે. UPI સંબંધિત રિઝર્વ બેન્કની આ નવી નીતિ ખાસ કરીને પતિ-પત્ની, બાળકો અથવા વૃદ્ધ માતા-પિતા જેવા પરિવારના સભ્યો માટે ઉપયોગી સાબિત થશે.

આ સુવિધા ડેલિગેટ્સ પેમેન્ટ્સ તરીકે ઓળખાય છે. ગુરુવારે મોનેટરી પોલિસીની બેઠક પછી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ નવી સુવિધા વિશે માહિતી આપી હતી. આ નવી સુવિધા દ્વારા પ્રાથમિક ગ્રાહક (એટલે ​​કે જેના નામે એકાઉન્ટ છે) અન્ય કોઈને તેના UPI એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે અધિકૃત કરી શકે છે. જેમાં બેંક ખાતું ફક્ત સિંગલ હશે પરંતુ ઘણા લોકો તેનાથી UPI ટ્રાન્ઝેક્શન કરી શકશે. બીજું યુઝરને યુપીઆઈ સાથે જોડાયેલા બેંક ખાતાની જરૂર રહેશે નહીં, જેનાથી વ્યવહારો વધુ સરળ બનશે.

આરબીઆઈનું કહેવું છે કે આનાથી ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયા સરળ બનશે. આ ફેરફાર ખાસ કરીને પરિવારના અન્ય સભ્યો વતી ટ્રાન્ઝેક્શન કરવા માંગતા લોકો માટે ફાયદાકારક રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડેલિગેટેડ પેમેન્ટ્સ અંગે સૂચન કર્યું છે, જેના પછી કોઈપણ અન્ય વ્યક્તિ પૈસા ખર્ચી શકશે અને તમારા UPI એકાઉન્ટમાંથી ચુકવણી કરી શકશે. જો કે હજુ સુધી તેનો અમલ થયો નથી. પરંતુ આરબીઆઈએ કહ્યું કે આના પર કામ ચાલી રહ્યું છે.

હાલમાં લોકો ખાનગી રીતે UPI પેમેન્ટ કરે છે. એક બેંક એકાઉન્ટ સાથે માત્ર એક UPI ID બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ફક્ત એક જ યુઝર કરી શકે છે. પરંતુ હવે એક બેંક ખાતામાંથી એકસાથે બહુવિધ UPI પેમેન્ટ સિસ્ટમ ચલાવવાની ચર્ચા છે. જો આપણે એક ઉદાહરણથી સમજીએ તો ઘણા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે UPI પેમેન્ટ સિસ્ટમ બનાવવાની તૈયારી ચાલી રહી છે.

UPI ડેલિગેટ્સ પેમેન્ટ્સ શું છે?
સરળ શબ્દોમાં સમજીએ તો તમારી પાસે તમારા UPI એકાઉન્ટની માસ્ટર એક્સેસ હશે અને તમે ચુકવણી માટે અન્ય કોઈને પણ એકાઉન્ટની ઍક્સેસ આપી શકશો. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) માં આ ફેરફાર તેને વધુ લોકપ્રિય બનાવશે તેવું કહેવાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અથવા UPI ની આ નવી સુવિધાની જાહેરાત કરી છે.

Most Popular

To Top