Charchapatra

એક વૃક્ષ-એક જીવન

ભારત દેશનાં શહેરોમાં અસહ્ય ગરમી, લૂ લાગવી, બફારોનાં મૂળભૂત કારણો, આપણે કુદરતની કાળજી લેવામાં ઊણાં પડયા છીએ. વૃક્ષો તથા જંગલોનું નિકંદન શહેરી કરતાં વિકાસનાં નામો અતિ ઊંચાં – રહેણાંક, ફલેટસ, સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ, આ બધું જ ‘હીટવેવ’ વધવાનાં કારણો છે અને આ આપણે રોકી શકવા સમર્થ નથી, તો પછી એક જાગૃત નાગરિક તરીકે આપણે આટલું જ જરૂર કરી શકીએ જેથી શહેરી વિસ્તારો ગ્રીન બેલ્ટ બની રહે અને આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ.

1) એક વૃક્ષ – છોડનું વાવેતર ઘર દીઠ કરીએ. શુભ પ્રસંગોએ એક નાના છોડને ભેટ તરીકે આપીએ. 2) પ્લાસ્ટીક વસ્તુઓનો ઉપયોગ ઓછામાં ઓછો કરીએ. 3) પાણીના વેસ્ટેજ રોકીએ અને આ બધા જ માટે જનજાગૃતિ કેળવીએ. 4) હાલમાં બાળકો વેકેશન એન્જોય કરી રહ્યાં છે ત્યારે તમારા કોમ્પ્લેક્ષ, વિસ્તારમાં બાળકોને હવા,પાણી તથા વૃક્ષોની મહત્તા અંગે સમજાવો, કારણ ભવિષ્યની પેઢી – તંદુરસ્ત જીવન જીવી શકે જે અત્યંત મહત્ત્વનું છે. 5) ઘરની બાલ્કનીમાં સુશોભિત છોડ ઉગાડીએ. ઓક્સિજનની માત્રા વધારીએ.
સુરત     – દીપક બંકુલાલ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઉત્ક્રાંતિવાદ બાદ ઉન્નતિવાદ જરૂરી
વાદમાંથી જયારે વિવાદ થાય ત્યારે અનેક પ્રશ્ર્નોનો નિકાલ કરવાનું મુશ્કેલ થઈ પડે છે. રાજકીય, ધાર્મિક, સામાજિક, આર્થિક સાહિત્યિક અને ઇતિહાસની બાબતોમાં  કોઈ પણ ધર્મ, સંપ્રદાય, કોમ, જ્ઞાતિ વિશે ભૂતકાળમાં જે બન્યું હોય તે સારી બાબતોનું પુનરાવર્તન થવું જોઈએ. રોજબરોજના વ્યવહારમાં કેટલીક કહેવતો અમુક જ્ઞાતિ વિશે ઉચ્ચારવામાં આવે ત્યારે રમખાણો થયાંના દાખલા અને જે તે કાયદા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે, જે દેશની પ્રગતિમાં બાધક બને છે.

દેશના છેવાડાના માનવીની પણ ઉન્નતિ થાય તેવા જ પ્રયાસો હાથ ધરવા જોઈએ.માટે જ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દરેક માનવીનું મગજ એક જ દિશામાં વિચારતું નથી. ક્યારેય શું ઉચ્ચારે તેની કોઈ ગેરંટી હોતી નથી. દરેક માનવીને શિક્ષા, રોજગાર, રહેઠાણ, આરોગ્યની સેવા તો કોઈ પણ પ્રકારના વિવાદ વિના ઉપલબ્ધ થવી જોઈએ. દેશમાંથી દરેક વાદને તિલાંજલિ આપવાનો સમય આવી ગયો છે. અને છેલ્લે “we are proud to be a country. એ સૂત્રને સાકાર કરવા તમામ પ્રયત્નો આદરવા જોઈએ.
સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અનંત-રાધિકાની પ્રિ-વેડીંગ સેરીમની
ખોટી પ્રણાલી ઊભી કરશે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પુત્ર અને ભાવિ પુત્રવધુ અનંત-રાધિકાની બીજી વેડિંગ સેરીમની ઈટલીમાં શરૂ થઈ છે. અને ત્યાં દેશની અનેક ક્ષેત્રની સેલિબ્રિટી પહોંચી છે. લગ્ન પહેલા આ રીતે પ્રિ-વેડિંગ સેરીમની આપણે ત્યાં પ્રચલિત નથી પણ હવે તેનું પ્રચલન શરૂ થશે. મુકેશ અંબાણીએ પ્રિ-વેડિંગ સેરીમની યોજી હોય તો અખબારો-ટી.વી.માં, માસ મિડીયામાં તેનો ખૂબ પ્રચાર થાય તે સ્વભાવિક છે અને જેનો ખૂબ પ્રચાર થાય તેને લોકો અપનાવવા પણ માંડે છે.

અગાઉ ડેસ્ટિનેશન વેડિંગ પણ ફિલ્મવાળાઓએ શરૂ કર્યા તો ઘણાં લોકોએ તે અપનાવ્યા એવું જ આ પ્રિ-વેડીંગ સેરીમનીનું થશે. ‘હમ આપકે હૈ કૌન’ પછી આપણા લગ્નોમાં ભવ્યતા છવાઈ ગઈ અને હવે આ બધું થતા લગ્નનો ઉદ્યોગ મોટો થઈ રહ્યો છે. સામાન્ય લોકો આ બધું કઈ રીતે અપનાવે ? મુકેશ અંબાણીએ પ્રિ-વેડીંગ યોજવું હોય તો બહુ પ્રચાર  ન થવા દેવો જોઈએ. ખોટી જાહેર પ્રણાલી ઊભી ન કરો
સુરત     – નીલુ ત્રિવેદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top