અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટના બની છે. એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે વિમાનો અથડાતા એક વ્યક્તિનું મોત થયું છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ અહેવાલ આપ્યો છે કે એક ખાનગી જેટ રનવે પરથી લપસી ગયું હતું. તે બીજા ખાનગી જેટ સાથે અથડાયું હતું.
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ મામલે તપાસ શરૂ કરી છે. છેલ્લાં 10 દિવસમાં અમેરિકામાં આ ચોથો વિમાન અકસ્માત છે. માહિતી અનુસાર, આ ઘટના બપોરે 2:45 વાગ્યે બની હતી.

એક લિયરજેટ 35A વિમાન લેન્ડિંગ પછી રનવે પરથી લપસી ગયું. ત્યારબાદ તે રેમ્પ પર ગલ્ફસ્ટ્રીમ 200 બિઝનેસ જેટ સાથે અથડાયું હતું. એરપોર્ટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી.
સ્કોટ્સડેલ ફાયર વિભાગના પ્રવક્તા ડેવ ફોલિયોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે એક વ્યક્તિ હજુ પણ વિમાનમાં ફસાયેલો છે. બચાવ ટીમ તેને બચાવવાના પ્રયાસ કરી રહી છે. ત્રણ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકામાં તાજેતરમાં થયેલા ત્રણ વિમાન અકસ્માતોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ત્રણેય અકસ્માતોની તપાસ કરી રહ્યું છે.
