કાલોલ: પંચમહાલ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ આઠેક દિવસ પહેલા વેજલપુરના મહાદેવ ફળિયામાં થયેલી ચોરીમાં સામેલ બે ઈસમો પૈકીનો એક ઈસમ ગોધરાના ગોંદરા સર્કલ વિસ્તારમાં મુદ્દામાલ વેચવા માટે ફરે છે. તેવી બાતમીને આધારે એલસીબી પોલીસે ગોંદરા સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી બાતમી મુજબનો શખ્સ ઝડપી પાડ્યો હતો. જે ઝડપાયેલ શખ્સ નામે જુનેદ સુલેમાન સુખી (રહે. ભુખરી પ્લોટ, અશરફી મસ્જિદ સામે-ગોધરા)ની અંગજડતી લેતા તેની પાસેથી સોનાની કાનની વાળીની એક જોડ, ચાંદીના પગના છડાની એક જોડ, ચાંદીની દીવી, ચાંદીના કેડ જુડા ત્રણ નંગ અને ચાંદીનું એક મંગળસૂત્ર સહિત રૂ. ૧૦,૪૩૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અંગજડતીમાં ઝડપાયેલ આ મુદ્દામાલ માલ અંગે ઘનિષ્ઠ પુછપરછ કરતા તેણે આઠેક દિવસ પહેલા તેના મિત્ર ઈરફાન અબ્દુલ મજીદ પાડવા ઉર્ફે વેજલીયા (રહે. હારુન મસ્જિદની સામે, સાતપુલ-ગોધરા) એમ બંન્નેએ ભેગા મળીને રાત્રે વેજલીયાની પલ્સર મોટરસાયકલ પર ગોધરાથી વેજલપુર પહોંચી રાત્રીના ત્રણ વાગ્યા સુમારે મહાદેવ ફળિયાના એક બંધ મકાનમાં લોખંડની કોશથી તાળું તોડીને અંદર ઘુસીને એક બંધ પેટીનો નકુચો તોડી અંદર રાખેલા સોનાચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે ચોરીમાં મળેલી રોકડ રકમ વેજલીયાએ તેની પાસે રાખી હતી.
સોના ચાંદીના દાગીના વેચ્યા પછી શાંતિથી પૈસાનો ભાગ પાડવાનું નક્કી કર્યું હોવાની કબૂલાત કરી હતી. આમ પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડની ચોરીના ગુનાનો ભેદ આઠ દિવસમાં જ ઉકેલી નાંખી જુનેદ સુલેમાન સુખીની અટકાયત કરી તેના મિત્ર ઈરફાન અબ્દુલ મજીદ પાડવા ઉર્ફે વેજલીયો (રહે. હારુન મસ્જિદની સામે, સાતપુલ-ગોધરા)ને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.