Charchapatra

એક રાષ્ટ્ર – એક ચૂંટણી સમયની માંગ

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમાંથી એક છે વારંવાર યોજાતી ચૂંટણીઓ. આ ચૂંટણીઓ દેશની આર્થિક વ્યવસ્થા, સામાજિક ગતિવિધિઓ અને શાસન પર નોંધપાત્ર અસર કરે છે. આ સંદર્ભમાં, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો વિચાર દેશના ભવિષ્ય માટે અત્યંત મહત્વનો બની રહે છે. સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક જ સમયે યોજવી. હાલમાં, દર વર્ષે દેશના કોઈને કોઈ રાજ્યમાં ચૂંટણીઓના કારણે સરકારોને વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે.

વારંવાર યોજાતી ચૂંટણીઓથી દેશના અર્થતંત્ર પર મોટો બોજ પડે છે. ચૂંટણીપંચના આંકડાઓ મુજબ, દરેક ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચ સરકારી તિજોરી પર સીધો બોજ છે. ચૂંટણી દરમિયાન આચારસંહિતા લાગુ પડતી હોવાથી અનેક સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ અટકી જાય છે, આનાથી વહીવટી કાર્યક્ષમતા વધશે અને વિકાસ કાર્યોને વેગ મળશે. આ વિચારના અમલમાં કેટલાક પડકારો પણ છે.

બંધારણીય સુધારાઓ, રાજકીય પક્ષો વચ્ચે સહમતિનો અભાવ અને કેટલીક પ્રાદેશિક જરૂરિયાતોને ધ્યાનમાં લેવાની જરૂરિયાત મુખ્ય પડકારો છે. એક કાયમી ચૂંટણી પંચની રચના કરવી, ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને જનજાગૃતિ ફેલાવવી જેવા ઉપાયો આ પડકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે.’એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માત્ર એક રાજકીય વિચાર નથી, પરંતુ તે દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે એક શક્તિશાળી સાધન બની શકે છે. આજના ઝડપી યુગમાં, ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સ્થિર અને સતત શાસનની જરૂર છે.
ઉમરગામ, વલસાડ      – નિખિલકુમાર દરજી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top