Charchapatra

વન નેશન – વન એજ્યુકેશન

વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ અને શિક્ષણની ગુણવતા સુધારવા આજે સરકાર અવનવી નીતિઓ ઘડી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ મુજબ ગુણવત્તાસભર શિક્ષણની સાથે સાથે બાળકમાં કલા – કૌશલ્ય વિકસે એવાં વિષયો અને પ્રવૃત્તિઓ શામેલ કરવા જેવાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલની પરીક્ષા પદ્ધતિઓમાં ફેરફાર માટેનાં અડધી રાતે પૂર્વઆયોજન વિનાનાં અદભૂત સૂચનો પણ જોઈ શકાય છે. પણ આ બધું સાચે માત્ર શિક્ષણને ધ્યાનમાં રાખી લેવાય રહ્યું છે? કે પછી શિક્ષણના આડે રાજકીય પક્ષો પોતાનો સ્વાર્થ સાધવા માટે મનઘડત નિર્ણયો લઈ રહ્યા છે?

વન નેશન – વન ઇલેક્શન માટે સરકાર વિચારી શકતી હોય ત્યારે ભારતની પેઢીઓ ઘડતી શાળાઓની શિક્ષણપ્રણાલીઓ, વિષયો, મૂલ્યાંકન પદ્ધતિઓ, અને શિક્ષણના અન્ય માપદંડો બાબત વિચાર ન કરી શકાય? આજે ગુજરાત રાજ્યની જ જિલ્લા અને તાલુકા તાબા હેઠળની શાળાઓમાં પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષાઓનાં પ્રશ્નપત્રો બાબતે જે-તે સંસ્થાઓ અને કચેરીની સ્વતંત્રતા આધારે મૂલ્યાંકનને બદલે શિક્ષણની દિશામાં બધું જ એક સમાન બને તો કેવું રહેશે?  વન નેશન – વન એજ્યુકેશન વિદ્યાર્થીઓને એક ગુણવત્તા, શિક્ષણ પ્રત્યેનો અભિગમ, માનસિક મનોબળ, સભ્યતા, સંસ્કાર અને શિક્ષણની સાચી પરિભાષા આપી શકે છે.
વેસ્મા    – શાહીદ જી. કુરેશી –  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઘરેડથી કંઈ રીતે છૂટવું
ઘરેડ એટલે એક ધોરણ, નિયમ. રાહ, ધારી કે ચાલુ રૂઢિ કે પ્રણાલી. દરેક વ્યક્તિની પોતાની કામ કરવાની એક રીત, ઢબ હોય તે મુજબ તે કાર્ય કરે છે. એ કામ કરવાની જે ટેવ હોય તે સ્વભાવ સાથે સંકળાયેલ હોવાથી સરળતાથી છૂટી શકતી નથી. ઘરેડનું એક ઉદાહરણ આપી શકાય કે કૂવા પરના પથ્થર ઉપર દોરડાના ઘસારાથી એક ખાડો કે દોરડાનો એક કાપો પડે એ ઘરેડમાં હોવાથી આમ થાય છે. એક જ ઘરેડમાં કાર્ય કરવાની ટેવથી ક્યારેક કાર્યમાં આળસ, કંટાળો આવવાનું ચાલુ થઈ જાય અને ધાર્યાં પરિણામ મેળવી શકતાં નથી. દિવસની ઘરેડમાંથી છૂટ મેળવવા વાતચીતની રીત અપનાવી શકાય.

પુસ્તકોનો સહારો પણ આનંદ આપી શકે તેમ છે. મનગમતી વાતચીત કે મનગમતું વાચન જે તે સમયમાં અનોખો આનંદ આપે જેથી માનસિક વલણમાં આપોઆપ બદલાવ આવે છે. ક્યારેક એમ થાય કે હાશ છૂટ્યા! જીવનમાં કડક બંધનો કામ લાગતાં નથી. સરળતાથી કોઈ પણ બદલાવ સ્વીકારીને આગળ વધી શકાય છે. સંસાર છે તો સાંસરની સમસ્યાઓનું ચક્ર ચાલતું રહેવાનું. સરળતાથી જીવીએ તો મને લાગે છે કે જીવતરનો ભાર લાગતો નથી. ચાલો, એકની એક ઘરેડમાંથી બહાર આવીએ, વાચન કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top