સુરત (Surat) : સુરતમાં મેટ્રોનું (Metro) કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ એજન્સીની લાપરવાહીના લીધે અવારનવાર અકસ્માત અને મૃત્યુના કિસ્સા બની રહ્યાં છે. થોડા દિવસ પહેલાં પાલનપુર જકાતનાકા ખાતે મેટ્રો માટે ખોદવામાં આવેલા ખાડામાં ભરાયેલા પાણીમાં પડીને ડૂબી જતા એક યુવકનું મોત થયું હતું. હવે આવી બીજી ઘટના બની છે. શહેરના અલથાણ સોહમ સર્કલ નજીક મેટ્રોના ખાડામાં પડીને વધુ એક યુવકનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અલથાણ સોહમ સર્કલ નજીક ચાલી રહેલા મેટ્રો ટ્રેનના કામકાજ દરમિયાન ખોદવામાં આવેલા ખાડામાંથી વધુ એક શ્રમજીવી પટકાયા બાદ મૃત હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં સરી ગયું હતું. પરિવારે કહ્યું હતું કે, સુરેશ પાલેરકર મજૂરી કામ કરી એક પુત્ર અને 3 દીકરીઓ સહિત પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રે નોકરી પરથી પરત નહી આવતા પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. શોધખોળ દરમિયાન સવારે ખાડામાં પડેલી હાલતમાં મળી આવતા ફાયર અને 108ને જાણ કરાઈ હતી. ફાયરે 8-10 ફૂટ ઊંડા ખાડામાંથી સુરેશને બહાર કાઢી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયા હતા. હાલ પોલીસ તપાસ ચાલે છે.
પરિવારે જણાવ્યું હતું કે મૃતકનું આખું નામ સુરેશ કરણ પાલેરકર (ઉં.વ.45) છે. સુરેશભાઈ આંબેડકર નગર ભટારના રહેવાસી હતા. રોજિંદા ક્રમ અનુસાર રવિવારે મજૂરી કામે ગયા હતા. રાત્રે પરત નહિ ફરતા પરિવાર શોધવા નીકળ્યું હતું. જોકે કયાંય પત્તો નહીં લાગતા પોલીસ જાણ કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે ફરી એક નો એક પુત્ર અને ત્રણ પુત્રીઓ ગુમ પિતાને શોધવા નીકળતા અલથાણ સોહમ સર્કલ નજીક ચાલી રહેલા મેટ્રો ટ્રેનના ખાડામાંથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર અને 108ને કરાતા બંન્ને તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયરે સુરેશભાઈ ને બહાર કાઢી 108ની મદદથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયા હતા. સુરેશભાઈ દારૂ પીવાના આડી હોવાનું જાણવા મળ્યું છે. જોકે ખાડામાં કેવી રીતે પડ્યા એ એક તપાસમાં વિષય છે.