વડોદરા : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કોન્ટ્રાકટર અને પાલિકાના અધિકારીઓની મિલીભગતના કારણે રોડ રસ્તા પર વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. શહેરના આજવા રોડ પર આવેલા વેક્સિન ગ્રાઉન્ડ પાસે આઈસર ટેમ્પો ફસાતા તંત્રની પોલ ઉઘાડી પડી હતી. વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર જ્યાં છાશવારે કોઈને કોઈ સમસ્યાઓ ઘેરાતી જ રહે છે.
આ વિસ્તારમાં પાણીની લાઈનો તૂટવાની સમસ્યા કે પછી ભુવા પડવાની સમસ્યા હોય તે યથાવત જોવા મળી છે.સાથે સાથે છેલ્લા 1 મહિનામાં રોડ રસ્તા પર મોટા વાહનો ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે.બુધવારે રાત્રે શહેરના આજવા રોડ વેક્સિન ગ્રાઉન્ડ પાસેના માર્ગ ઉપરથી પસાર થઈ રહેલો આઈસર ટેમ્પો રોડ ઉપર ફસાઈ ગયો હતો.રોડ રસ્તાની કામગીરી દરમિયાન યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા અને કોન્ટ્રાક્ટરો દ્વારા બેદરકારી દાખવતા આજે વધુ એક વાહન રોડ પર ફસાઈ ગયું હતું.
આ મામલે શિવસેનાના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે તંત્ર સામે આકરા શબ્દોના પ્રહારો કરતા જણાવ્યું હતું કે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટસીટી વડોદરા શહેરના આજવા રોડ ઉપર વધુ એક વખત કોર્પોરેશનની બેદરકારી અને લાલ્યાવાડીનો એક જીવતો જાગતો નમૂનો જોવા મળ્યો છે. છેલ્લા 1 મહિનાની અંદર આશરે 8 મુ વાહન આજવા રોડ પર ફસાયું છે.
કોર્પોરેશનના અધિકારીઓને કોઈપણ પ્રકારની કામગીરી કે કોઈપણ પ્રકારની કામગીરી થઈ રહી છે.તેની ઉપર દેખરેખ રાખવાનો કે અંકુશ રાખવાનો કોઈ જ રસ લાગતો નથી.જેના કારણે છાશવારે વિસ્તારમાં આ પ્રકારે સમસ્યાઓ થઈ રહી છે.સ્પષ્ટ લાગી રહ્યું છે કે કોર્પોરેશનના ચૂંટાયેલા પાંખના પ્રતિનિધિઓનો અધિકારીઓ પર અને કોન્ટ્રાક્ટરો ઉપર કોઈજ પ્રકારે અંકુશ નથી.જેના કારણે આ અધિકારીઓ હવે ફાટીને ધુમાડે ગયા છે.
જેના કારણે પૂર્વ વિસ્તારમાં અનેકવાર આવી સમસ્યાઓ ઉભી થાય છે.જેનું કાયમી ધોરણે નિરાકરણ લવાતું નથી.પૂર્વ વિસ્તારના લોકોના ટેક્સના પૈસા પાણી કરવામાં જ માહિર આ અધિકારીઓની ઉપર હવે નવનિયુક્ત મેયર ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરે ખરેખર કાયદાકીય પગલાં ભરવાની જરૂર છે.જેથી કરીને આવા જે બનાવો બની રહ્યા છે.એની ઉપર થોડા પ્રમાણમાં અંકુશ આવે.