રાજ્યમાં કોરોનાનો વધુ એક કેસ મળી આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યા 9 થઈ છે. અમદાવાદની 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ મળી આવી છે. યુવતીને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેણીને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતીને ઓક્સિજન પર રાખવામાં આવી છે.
હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડ બાદ ભારતમાં પણ કોરોનાના કેસ વધવા માંડ્યા છે. મુંબઈમાં 53 કેસ બાદ હવે ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા 9 પર પહોંચી છે. કોરોનાની નવી લહેરને પહોંચી વળવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરી લેવાઈ છે. રાજ્યની હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. ઓક્સિજન ટેન્ક, પીપીઈ કિટ, વેન્ટિલેટર, દવા સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રખાઈ છે. રાજકોટ સિવિલમાં 20 બેડનો આઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.
અમદાવાદમાં કેસ વધ્યા
અમદાવાદમાં અગાઉ કોરોનાના 8 કેસ નોંધાયા હતા. 20 વર્ષીય યુવતીની સાથે આ સંખ્યા 9 થઈ છે. તેને પગલે અમદાવાદનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.