SURAT

સુરત: રાત્રે માતાનું ધાવણ લીધા બાદ સવારે એક મહિનાનું બાળક ઉઠ્યું જ નહીં

સુરત: શહેરના ભટાર વિસ્તારમાં માતાના ધાવણ લીધા બાદ એક મહિનાના બાળકના મોતની આઘાતજનક ઘટના બની છે.

શહેરના ભટાર વિસ્તારના ખોડિયાર નગરમાં રહેતા યુપી વાસી શ્રમિક પરિવારના એક મહિનાના બાળકનું અચાનક મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાત્રિના સમયે માતાનું ધાવણ લીધા બાદ જમીન પર સુતેલા માળકના નાકમાંથી સવારે લોહી નીકળતું જોઈ પરિવાર ગભરાયું હતું. તાત્કાલિક બાળકને લઈ સિવિલ દોડ્યું હતું. જોકે, તબીબો સારવાર આપે તે પહેલાં જ બાળકનું મોત થઈ ચૂક્યું હતું.

રમાકાંત શુકલા (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે, તેઓ યુપીના રહેવાસી છે. ત્રણ મહિના જ સુરત રોજગારીની શોધમાં આવ્યા છે. ભટાર નજીક ખોડિયાર નગરમાં મકાન ભાડા પર લઈ નજીકમાં જ મારબલની દુકાનમાં છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે.

લગ્નના ત્રીજા વર્ષે ભગવાને બીજી વાર પિતા બનવાનું સુખ આપ્યું પણ એની ખુશી આપવાનું ભૂલી ગયો હોય એમ લાગે છે. એક માસનો પુત્ર ગણેશને આજે સવારે નાકમાંથી લોહી નીકળતા જોઈ આશ્ચર્ય થયો હતો. બાળક ઉંઘમાંથી નહીં ઉઠતા તેને તાત્કાલિક સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરાયો હતો. ગણેશને બે દિવસથી તાવ પણ આવતો હતો.

વધુમાં કહ્યું હતું કે, તેમનું પહેલું બાળક જન્મના 36 કલાકમાં જ મૃત્યુ પામ્યું હતું. ત્યારબાદ આ બીજું બાળક હતું એ પણ લગભગ 36 દિવસમાં જ મૃત્યુ પામ્યું છે. રાત્રે પત્નીએ ધાવણ કરાવ્યા બાદ આખું પરિવાર જમીન પર ચટાઈ પાથરી સુઈ ગયો હતો. ત્યારબાદ સવારે ઉઠતાની સાથે જ માસુમ ગણેશના નાકમાંથી લોહી નીકળતું જોઈ હોંશ ઉડી ગયા હતા. ખબર નહીં શુ થયું હશે પરંતુ વિધાતા એ પિતા બનવાનું સુખ લખ્યું છે. પણ એની ખુશી કેટલાક દિવસો પૂરતી જ આપી હોય એવું લાગે છે.

Most Popular

To Top