ઝઘડિયા: ઝઘડિયામાં માત્ર ૨૪ કલાકમાં જ બે અલગ અલગ સ્થળે થયેલા અકસ્માતોમાં એકનું મોત તેમજ ૧૭ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની પહેલી ઘટનામાં ગોવાલી ગામે રહેતા હર્ષદભાઇ બાલુભાઈ પરમાર રાતના સાડા આઠ વાગ્યે નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યા હતા. તેઓ ગોવાલી ગામેથી પસાર થતા મુખ્ય માર્ગ પર રોડની સાઇડમાં ચાલતા જઇ રહ્યા હતા. એ વેળા ગોવાલી ગામનો રાકેશ અર્જુન વસાવા તેનું મોપેડ લઇને આવતાં હર્ષદભાઇ સાથે અકસ્માત કર્યો હતો. આથી હર્ષદભાઇને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. ઝઘડિયા પોલીસે મોપેડચાલક રાકેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતની બીજી ઘટનામાં શનિવારે ઝઘડિયા-રાજપારડી વચ્ચે મુખ્ય ધોરી માર્ગ પર નવા અવિધા-ખડોલી નજીક રોંગ સાઇડે આવતી એક લક્ઝરી બસ નં.(GJ-૦૬ AX-૭૦૧૩) એક ટેમ્પો નં.(GJ-૧૬ W-૯૧૫૦) સાથે અથડાતાં ગંભીર રીતે ઘવાયેલા ટેમ્પોચાલક ૫૫ વર્ષીય પ્રવીણ પરસોત્તમ પરમાર (રહે.,શુકલતીર્થ) ગંભીર રીતે ઘવાતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય ૧૫ બોરોસિલ કંપનીના નોકરિયાત અને ટેમ્પોમાં બેઠેલા મળી કુલ ૧૬ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં ભરૂચની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બાબતે રાજપારડી પોલીસે લક્ઝરી બસચાલક વિશાલ જિતેન્દ્ર મકવાણા (રહે.,રૂંઢ, તા.ઝઘડિયા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લક્ઝરી બસ અને ટેમ્પો વચ્ચેના અકસ્માતના ૧૬ ઇજાગ્રસ્ત
હિમાંશુ મહેશ વસાવા (ભાલોદ), વિમલ નટવર વસાવા (ઓરપટાર), પ્રવીણ રમણ પઢિયાર (ભાલોદ, નવા નગર), પ્રતાપસિંહ અર્જુનસિંહ ધરિયા (પ્રાંકડ), વિક્રમ ગણપત વસાવા (આંબાખાડી), દીપક ઉમેદ વસાવા (મોટા સોરવા), નરેન્દ્ર ગંભીર ગોહિલ (ઓરપટાર), રાકેશ રમેશ માછી (ભાલોદ,માછીવાડ), જયદીપ નરેન્દ્ર ઠાકોર (જૂના ટોઠીદારા), રીના બીપીન વસાવા(રાજપારડી), વિજય રમેશ વસાવા (રાજપારડી, કોતરડી ફળિયું), આરેફા અલ્તાફ શેખ (ભાલોદ નવી વસાહત), અજીત સુરેશ વસાવા (આંબાખાડી), હિરલ વિજય વસાવા (હરિપુરા), વિશાલ જિતેન્દ્ર મકવાણા (રૂંઢ ટેકરા ફળિયું) અને ધનસુખ મગન વસાવા (જૂના તવરા-ગોપાલનગર, તા.જિ.ભરૂચ)