SURAT

સુરતમાં ઠંડીમાં ઠૂઠવાઈ જતા એકનું મોત, ઠંડા પવનના કારણે લોકો દિવસે પણ ગરમ કપડાં પહેરવા મજબૂર

સુરત: શહેરમાં અઠવાડિયાથી ઠંડી જોર પકડી રહી છે અને પારો સડસડાટ ઘટી રહ્યો છે. ગઈકાલે પારો ત્રણ ડિગ્રી ગગડ્યા બાદ આજે વધુ દોઢ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ શહેરમાં કડકડતી ઠંડીનું આગમન થયું છે. આજે તાપમાન 14.4 ડિગ્રી સુધી ગગડી ગયું, જે શિયાળાના શરૂઆતના દિવસોમાં જ ભારે ઠંડી દર્શાવે છે.

હવામાન ખાતાના અહેવાલ મુજબ આવનારા દિવસોમાં ઠંડી વધુ આક્રમક બનવાની સંભાવના છે. આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું પરંતુ ઠંડા પવનના કારણે લોકો દિવસ દરમિયાન પણ ગરમ કપડાં પહેરવા મજબૂર બન્યા હતા. રાત્રે તાપમાનમાં વધુ ઘટાડો થવાના કારણે લોકોએ તાપણાંની મજા માણી હતી.

હવામાન નિષ્ણાતોના મતે તાપમાન આ રીતે ગગડવા સાથે શિયાળો જામશે અને આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. આ સાથે જ આરોગ્ય નિષ્ણાતોએ લોકોને ઠંડીથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે. આજે શહેરમાં 4 કિમીની ઝડપે ઉત્તર-પૂર્વના પવન ફુંકાયા હતા.

પાલનપુર જકાતનાકા આધેડની જકડાઈ ગયેલી લાશ મળી
પાલનપુર જકાતનાકા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે. મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં લોખંડના ગાર્ડન વચ્ચે એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ સંપૂર્ણ જકડાઈ ગયેલો હતો. આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડાયો હતો. હાલ તો આ આધેડનું મોત દારૂના નશામાં આખી રાત બહાર હોવાથી ઠંડીમાં ઠુંઠવાઈ જવાના કારણે થયું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સૂર્યવંશ એપાર્ટમેન્ટમાં સંતોષ બાબુ થુલે (ઉં.વ.૪૯) પરિવાર સાથે રહેતા હતા. સંતોષ હાલ કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરતા નહતા. અને હાલ બેકાર જીવન જીવી રહ્યા હતા. આ સાથે સંતોષને દારૂ પીવાની કુટેવ હતી. ક્યારેક ક્યારેક ઘરેથી નીકળી ગયા બાદ બે-ત્રણ દિવસે પરત આવતા હતા.

ગતરોજ સવારે સંતોષ ઘરેથી દારૂના નશામાં નીકળી ગયો હતો. ત્યારબાદ પાલનપુર જકાતનાકા ખાતે આવેલી સરોજી નાયડુ શાક માર્કેટની સામે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચી ગયા હતા. એક દિવસ થઈ ગયો હોવા છતાં પણ સંતોષ ઘરે ન આવતા પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન આજે સવારે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં લોખંડના ગડર વચ્ચેથી સંતોષનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા.

દરમિયાન અહીં તપાસ કરવા આવતા પુત્રીએ પિતાને ઓળખી બતાવ્યા હતા. ત્યાં મેટ્રોની કામગીરી કરવા આવેલા લોકોએ ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલા ૧૦૮ના તબીબ દ્વારા આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે દારૂના નશામાં હતા અને ત્યાં આખી રાત પડી રહેવાના કારણે ઠંડીથી મોત થયું હોવાની અમને પણ શંકા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આધેડના મોતનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.

છેલ્લા 8 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં નોંધાયેલા સૌથી ઠંડા દિવસ
વર્ષ તાપમાન (તારીખ)

  • 2017 14.8 (24)
  • 2018 10.6 (27)
  • 2019 13.8 (30)
  • 2020 9.8 (29)
  • 2021 10.0 (14)
  • 2022 12.0 (24)
  • 2023 13.6 (25)
  • 2024 14.4 (9)

Most Popular

To Top