Business

એક દિન બિક જાયેગા માટી કે મોલ જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ….લા..લા..લ લ લા..!’

સાઈકલનાં પેડલ જોર અને જોશથી ચલાવતાં નિહાર આજે મૂડમાં હતો. કેમ ન હોય? આખરે આજે કેટલા દિવસોની ઇચ્છા પૂરી થઇ હતી. આજે એ પોતાના દાદાને બદલે ખુદ છાપાં વેચવા નીકળ્યો હતો. દાદા છેલ્લાં પંદર વર્ષથી રોજ સવારે ચાર વાગે ઊઠીને છાપાં લેવા જતા. એજન્ટ પાસેથી છાપાં લાવી પછી ઘરે ઘરે પહોંચતા કરે. એ પછી નવ- દસ વાગે ઘરે આવે ત્યારે થાકી ગયા હોય. પણ પગ વાળીને બેસે નહીં નિહારની મમ્મી કે દાદીએ બનાવેલાં ચા–નાસ્તો કરીને પાછા એજન્ટને ત્યાં જાય. દસેક વાગે બહારગામથી છાપાંની ગાડી આવે તેમાંથી મુંબઇનાં પેપર અને મેગેઝિન ઊતરે. તે લઇને જેના હોય તેને પહોંચતાં કરે. નિહાર ઘણી વાર કહે, ‘દાદા….દસ વાગે પેપર પસ્તી થઇ ગયું હોય કારણ કે ન્યૂઝ તો બધે જ આવી ગયા હોય પછી કાલે આપો કે આજે શું ફેર પડે?’

‘સવાલ વિશ્વાસનો છે દીકરા….સમાચારના વાસી થવા કે તાજા થવાનો નથી.’બસ દાદાનો આ જવાબ નિહારને બોલતો બંધ કરી દે. સવાલ છે તે વિશ્વાસનો જ છે ને! એટલે જ તો માત્ર ત્રીસ વર્ષની વયથી મા વિધવા જેવી જિંદગી જીવે છે અને પોતે છતે બાપે નબાપો છે. પપ્પાના આછાપાતળા વિચારથી પણ નિહારનું હૃદય હચમચી ગયું.. એણે એ વિચારને ત્યાં જ દબાવી દીધો અને દાદાએ આપેલું લિસ્ટ ચેક કરવા માંડ્યું.

ઋતુવન એ, બી,નાગનાથ વિન્ગ એબીસીડી, રોયલ પાર્ક વન ટુ ફાઇવ આટલામાં પેપર વહેંચી દીધા.  હવે બાકી રહ્યાં મહાલક્ષ્મી કોમ્પલેક્સ અને સન રેસિડન્સી.નિહારે સાઈકલ સન રેસિડન્સી તરફ વાળી અને એણે બીજા વિચાર કરવા માંડ્યા. દોઢ વર્ષથી આ મહામારી આવી છે પણ એના માટે તો એ આશીર્વાદરૂપ રહી છે. દાદા–દાદી હવે સિત્તેર પ્લસની ઉંમરે પહોંચ્યાં છે, પણ બન્નેએ મા સાથે ખભેખભો મિલાવીને સંઘર્ષ કર્યો છે. પોતાનો દીકરો, પોતાની વહુ રાધા અને પાંચ વર્ષના દીકરા નિહારને આમ રઝળાવીને જતો રહ્યો એની સજા ખુદ ભોગવે છે.

એવી તો કોઇ વાત ન હતી કે આમ ઘર છોડી જવું પડે. પણ જેને છોડવું જ હોય એને બહાનાં હજાર મળી રહે. એમ નિહારના પપ્પાએ લગ્નનાં સાત વર્ષ પછી, એક દીકરાના બાપ થયા પછી મા–બાપને કહી દીધું કે મને તમારી વહુ રાધા પસંદ નથી. એકના એક દીકરા માધવે સાવ આમ છટકબારી શોધીને વહુ–પૌત્રને રઝળાવી મૂકવાની વાત કરી એથી નિહારનાં દાદા–દાદીના તો હોંશ જ ઊડી ગયા. પણ રાધા ખાનદાન કુટુંબની હતી એણે બાજી સંભાળી લીધી.’તમે ચિંતા ન કરો…એને હું ગમતી ન હોઉં તો ભલે એમ..પણ આ ઘર છોડી હું મારા પિયર નહીં જાઉં. મારું ઘર આ જ છે અને રહેશે. એણે જવું હોય તો જાય…’રાધાના જવાબથી હવે આશ્ચર્ય પામવાનો વારો માધવનો હતો.’સારું…તું આ  ઘરમાં રહે..અમે ભાડે રહીશું.’

‘ના…હું અને તારાં મમ્મી, અમે રાધા સાથે જ રહીશું. તારી સાથે નહીં આવીએ.’ નિહારના દાદાએ દીકરાના નિર્ણયને ફગાવીને પોતાનો ફેંસલો સંભળાવી દીધો. માધવને પોતે પોતાનાં માતા–પિતાનું એકનું એક સંતાન હોવાથી વહેમ હતો કે એનાં માતા–પિતા તો એનો જ સાથ આપશે. પોતે ગમે તે કરે પણ એનો સાથ નહીં છોડે. પણ આજે એમણે સ્પષ્ટ રીતે રાધાને સપોર્ટ આપ્યો એટલે એનો અહમ્ ઘવાયો. પહેરેલે કપડે એણે ઘર છોડયું અને જતાં જતાં ય ઝેરીલા બોલ બોલતો ગયો, ‘મને આમ એકલો પાડી દો છો ને તો તમે સુખી નહીં થાવ. કાલની આવેલી વહુ માટે મને રઝળાવી દીધો. ભગવાન બધું  જુએ જ છે.’ બસ  એ દિવસે પગ પછાડાતો ઘર બહાર નીકળી ગયો તે ગયો. પછી કદી ય એ ઘરે આવ્યો નહીં. નિહાર ત્યારે પાંચ વર્ષનો હતો, આજે અઢાર વર્ષનો થયો પણ કદી બાપને જોયો નથી.

માધવને ગયે બે–ચાર વર્ષ થયાં એટલે નિહારનાં દાદા–દાદીએ રાધાને બીજા લગ્ન કરવા બહુ કહ્યું પણ રાધા માની નહીં.’ના…મારે હવે લગ્ન નથી કરવા. એકમાં ઠરી નહીં તો બીજામાં તો શું ઠરીશ?”બેટા..અમે કાલ સવારે ન હોઈએ તો…તારું કોણ?’ નિહારની દાદી એને સજાવવાની કોશિશ કરતાં.’મારે નિહાર છે ને…પછી શું કામ ચિંતા કરો છો?’બસ તે દિવસથી નિહારના દાદાએ રિટાયર્ડ લાઇફને બાજુ પર મૂકીને પેપરની એજન્સી લીધી. પોતે રિટાયર્ડ સરકારી કર્મચારી હતા એટલે પેન્શન સારું આવતું પણ કાલ સવારે વહુને નિહારને ભણાવવા માટે વધુ પૈસાની જરૂર પડી તો કામ આવે એટલે પેપરનું કામ શરૂ કર્યું.

રાધાએ ઘરે રહીને ટયુશન ચાલુ કર્યાં અને રાધાના સાસુ સિલાઇનું નાનુંમોટું કામ કરતાં થયાં. નિહાર દસ વર્ષનો થયો ત્યાં તો ત્રણય જણની કમાણીથી ઠીક ઠીક બચત થઇ એટલે  ઘરમાં ઉપરનો માળ લઇને ભાડાની આવક ચાલુ કરી દીધી. બસ તે દિવસથી રાધાએ સાસુને કામ છોડાવી દીધું. રાધાએ તો સસરાને પણ હવે પેપર એજન્સી બંધ કરીને શાંતિથી પગ વાળી ઘરે બેસવા બહુ કહ્યું પણ સસરા માન્યા નહીં.

‘બેટા..હવે તો નિહાર એજન્સી સંભાળવા જેવડો થશે ત્યારે જ પેપર છૂટશે.’  ગયા વર્ષે નિહારે હજુ  બારમા ધોરણ સાયન્સની પરીક્ષા આપી હતી અને પૂરા દેશમાં કોરોનાને કારણે લોકડાઉન થયું. પ્રેક્ટિકલની એક્ઝામ પણ માંડ માંડ થઇ.  રિઝલ્ટ પણ મોડું મોડું આવ્યું પણ નિહાર સરસ માર્કસ સાથે પાસ થયો. જિલ્લાની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજમાં એડમિશન મળી ગયું પણ કોરોનાના કારણે કોલેજ તો ઓનલાઇન જ ચાલુ થઇ હતી. વળી કોલેજનો સમય ચારથી પાંચ કલાકનો બપોરના રહેતો. એટલે પછી નિહારે એની મમ્મી રાધા પાસે પ્રસ્તાવ મૂક્યો, ‘હવે દાદાને રિટાયર્ડ કરવાનો સમય આવી ગયો છે, હું સવારના સમયમાં ફ્રી જ હોઉં છું, તો પછી એમનું કામ સંભાળી લઉં તો કેવું?’

રાધા દીકરાનો પ્રસ્તાવ સાંભળીને ખુશ થઇ ગઇ. દીકરો મોટો થયો તેમ સમજદાર પણ થયો છે, બસ એક માને માટે ગર્વ લેવાની આનાથી મોટી ઘટના બીજી કઇ હોય? ‘ચોક્કસ બેટા!’ દાદાએ ખુશી ખુશી નિહારની વાત વધાવી લીધી. ‘જો બેટા…હમણાં થોડા દિવસ હું તારી સાથે રહીને બધું શીખવી દઇશ. પછી તું જાતે કરજે.’ બીજે દિવસે સવારે ચાર વાગે ઊઠીને દાદાની સાઈકલ પર પેપરના બંડલ મૂકયાં ને દાદા ગાતાં હતાં તે જ ગીત ગણગણાવ્યું એક દિન બિક જાયેગા માટી કે મોલ જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ….લા..લા..લ લ લા..!’

Most Popular

To Top