સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં આવેલી એક હોટલમાં મોટી દુર્ઘટના બની છે. રમતા રમતા પાણીમાં પડી જતાં દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. માતા-પિતા હોટલમાં જમી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. આ હોટલ પાલ વિસ્તારમાં પાણીવાળી હોટલ તરીકે જાણીતી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યોગી ચોક ખાતે શુભમ રેસિડેન્સીમાં રહેતા વિજય સાવલિયા ફેમિલી ગેટ ટુ ગેધરની પાર્ટીમાં પાલની હોટલ યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. હોટલના બેન્કવેટમાં પાર્ટી ચાલી રહી હતી. ત્યાં મહેમાનો જમી રહ્યાં હતાં. ત્યારે વિજયભાઈનો દોઢ વર્ષનો નાનો દીકરો ક્રિસીવ રમતા રમતા બેન્કવેટ હોલની બહાર નીકળી ગયો હતો. તે બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો હતો. લગભગ 15 મિનિટ સુધી બાળક પાણીમાં તરફડિયા મારતો રહ્યો હતો.
આ તરફ બેન્કવેટ હોલમાં કોઈને ખબર નહોતી કે બાળક ક્યાં છે. જ્યારે લાંબા સમય સુધી બાળક ન દેખાતા માતા-પિતા તથા સગાઓએ તેને શોધવાનું શરૂ કર્યું હતું. દરમિયાન બેન્કવેટ હોલની બહાર બેઠેલા એક કસ્ટમરની નજર બાળક પર પડી હતી. તેણે તાત્કાલિક લોકોને જાણ કરી હતી. હોટલ સ્ટાફ દોડી ગયો હતો. ક્રિસીવને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તે બેહોશ હતો. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો.
બાળકના અચાનક મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. માતા-પિતાના આંસુ અટકી રહ્યાં નહોતા.
બીજી તરફ હોટલના મેનેજર હસનભાઈ રાબડીએ કહ્યું કે બાળક વોટર પોન્ડમાં પડ્યો હતો. બહાર બેઠેલા કસ્ટમરે જાણ કરી હતી. તાત્કાલિક બહાર કાઢી, પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા.