Madhya Gujarat

ખંડોળી સ્થિત જલારામ મંદિરે સવા લાખ લોકોએે દર્શન-મહાપ્રસાદીનો લાભ લીધો

કાલોલ : કારતક સુદ સાતમ એટલે સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામબાપાની જન્મજયંતિ તરીકે ઉજવાય છે. આ વર્ષે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતી નિમિત્તે ગુરુવારે કાલોલ તાલુકાના ખંડોળી ગામે આવેલા સુપ્રસિધ્ધ જલારામધામ મંદિર ખાતે હજારો ભાવિકોએ ઉપસ્થિત રહીને ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ખંડોળીધામ ખાતે આવેલું આ જલારામબાપાનું મંદિર કાલોલ, હાલોલ તેમજ સાવલી પંથકના અનેક ગામોના ભાવિક ભક્તોની આસ્થાનું ધામ છે. અહીં દર વર્ષે બાપાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને સદાવ્રતનું આયોજન કરવામાં આવે છે ત્યારે એક લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શન અને મહાપ્રસાદીનો લાભ લેતા હોય છે.

ગત વર્ષે કોરોના મહામારીને કારણે ૨૨૧મી જન્મજયંતિ સાદાઈ અને સિમિત ભાવિકો સાથે ઉજવવામાં આવી હતી. પરંતુ આ વર્ષે છુટછાટ મળતા સવા લાખથી વધારે ભાવિકોએ બાપાના દર્શન અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ વર્ષે મહાપ્રસાદીના આયોજન માટે ૪૦ મણની બૂંદી, ૧૨૫ મણ ચોખા, ૨૦ મણ દાળ, ૧૦૦ મણની શાકભાજી સાથે ૪૦ મણના ગાઠિયાનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો.જેનો સવા લાખ જેટલા ભક્તોએ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો અને મહાપ્રસાદીની વ્યવસ્થા માટે બે દિવસથી ખંડોળી, ગિરધરપુરી, ડેરોલગામ અને શામળદેવી સહિતના ગામોમાંથી યુવાનો અને સ્વયંસેવકોએ સેવાનો મહિમા દિપાવ્યો હતો.

Most Popular

To Top