રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન રાજ્યના દરિયા કાંઠાથી 300 કિ.મી. દૂર છે, જેના પગલે રાજ્યના 72 તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક ઠેકાણે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
ડિપ્રેશનને પગલે આજે ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. જોકે 24 કલાકમાં સિસ્ટમ નબળી પડ્શે તેવી પણ ધારણા છે.
આજે તા. 1 નવેમ્બરને શનિવારે વહેલી સવારથી રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના ધંધુકામાં સવારે બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. ગઈકાલે મોડી રાતે રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં પાણી ભરાયા છે. ચોમાસામાં જોવા મળે તેમ નદીઓ બે કાંઠે વહી રહી છે. ગઈકાલના સવારના 6થી આજે સવારના 6 સુધી 141 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3.46 ઈંચ અને સૌથી ઓછો અરવલ્લીના બાયડમાં 1 મિમી વરસાદ પડ્યો છે.
શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા
સતત 6 દિવસથી ઉપરવાસમાં પડેલા કમોસમી વરસાદના પગલે ભાવનગરના શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક શરૂ છે. આજે સવારે 7.30 કલાકથી ઉપરવાસથી સતત પાણીની આવકમાં વધારો થતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. જિલ્લાનો શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક સામે 1800 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.