Business

એક વાર સૂઈ ગયા પછી શું ખબર પડે કે આપણે કોના સપનામાં જઈશું! વાતની વાત

બે જુદી જુદી કોલેજના ગુજરાતી ભાષાના પ્રોફેસરો મારા બાંકડે ચા પીવા આવ્યા હતાં. એ મારે બાંકડે આવે ત્યારે વાત તો ખુબ કરે પણ મને એમાંથી સમજાય બહુ ઓછું. આજે પણ એ બન્નેએ ચા પીતા વાતો શરુ કરી અને મેં વિચાર્યું : વાત તો આ લોકો ગુજરાતીમાં જ કરે છે- સમજાય કેમ નહિ ! અને મેં કાન સરવા કરી સાંભળવા માંડ્યું :એક પ્રોફેસર : અહીં ચા સારી મળે છે. બીજા પ્રોફેસર : હું તો એટલે સુધી કહીશ કે અહીં જ ચા સારી મળે છે…પહેલા પ્રોફેસર : સરસ. ચા સારી મળે છે એમ હું જ કહું છું એવું નથી ત્યારે ! મને આ બધું સાંભળી તમ્મર આવવા માંડ્યા, આ બન્ને એક જ વાક્ય જુદી જુદી રીતે કેમ બોલતા હશે ? એટલામાં બીજા પ્રોફેસર બોલ્યા : વળી અહીં ચા જ સારી મળે છે એવું પણ નથી…હું ગૂંચવાયો – હું તો ચા વિના કશું વેચતો નથી તો અહીં બીજું શું સારું મળતું હશે ! એટલામાં પહેલા પ્રોફેસરે કહ્યું : ઉપરાંત ચા તો સારી જ મળે છે.બીજા પ્રોફેસરે કહ્યું : હા, ચા સારી મળે જ છે…

પહેલા પ્રોફેસર માથું ધુણાવી બોલ્યા : હા, સહમત, અહીં ચા સારી મળે છે જ…. બન્ને ખુશ થઇ ચાના પૈસા ચૂકવી ચાલતા થયા. હું દરેક વાક્ય મનમાં ફરી ફરી બોલીને સમજવા કોશિશ કરવા માંડ્યો. એટલામાં રોજિંદી ગ્રાહક લૈલા આવી. મેં એને એ બધી વાત સંભળાવી , એ ખુબ હસી પછી બોલી – ‘તમારી ચાના ફેન છે એ લોકો, ખુશ થાઓ.. મેં પૂછ્યું ‘એ તો સમજ્યા પણ ‘અહીં અહીં ચા જ સારી મળે છે એવું પણ નથી…’ એટલે ?’લૈલાએ કહ્યું ‘એટલે અહીંનું વાતાવરણ સારું છે, બેસીને ચા પીવાની મઝા આવે છે એમ…!’મેં વિચારમાં પડી જતા કહ્યું ‘પણ આવું કંઈ એ લોકો નથી બોલ્યા!’લૈલાએ કહ્યું ‘ભાષાના શિક્ષકો છે એટલે ઓછા શબ્દોમાં વધુ વાત કરી લે…’લૈલા એ કહ્યું તો ખરું જ હશે એમ મેં માની લીધું.

થોડી વારે બીજા બે જણ આવ્યા. આ બે જણ પહેલી વાર મારા બાંકડે આવ્યા હતા. ચા ઓર્ડર કરી એક જણે બીજાને કહ્યું ‘શું જાણવા જેવું ?’ ‘આપણે ઘણા વખતે આમ મળ્યા…’ કહેતા બીજા ભાઈએ પોતાના હાથ રૂમાલથી પસીનો લૂછતાં ઉમેર્યું ‘ખુબ ગરમી થાય છે …’ ‘આપણે મળ્યા એટલે ગરમી થાય છે?’ પહેલા ભાઈએ આશ્ચર્યથી પૂછ્યું. મને પણ આ સાંભળી વિચિત્ર લાગ્યું. બીજા ભાઈએ ચોખવટ કરી : ‘ના, બન્ને જુદી વાત છે. આપણે ઘણા દિવસે આમ ઓફિસ બહાર મળ્યા એ એક વાત અને આજે બહુ ગરમી છે એ બીજી વાત’‘પણ તો પછી તમે સાથે કેમ બોલ્યા?’

‘અરે! બોલ્યો તો ? એમાં શું આભ તૂટી પડ્યું ?’ ‘આભ જ તૂટી પડે છે દર વખતે, તમે કોઈ પણ બે જુદી વાતો એક સાથે આમ ન બોલો…’ ‘હવે તમે આરોપ મુકો છો…’ ‘હા બોલવામાં ધ્યાન રાખો!’ ‘મેં કોઈ બેજવાબદાર વાત નથી કરી…’ ‘આમ કહી તમે જવાબદારી માંથી છટકી નહિ શકો -’  ‘કેવી જવાબદારી?’ ‘તમે તો આસાનીથી કહી દીધું કે બન્ને જુદી વાત છે – મારો મુદ્દો એ છે કે જો બન્ને વાત જુદી છે તો એક સાથે શું કામ કહો છો?’  ‘અરે! આ તો અજબ દાદાગીરી છે !’

‘દાદાગીરી નથી, આ તમારી આડીબાજી છે…’ ‘આડીબાજી’ એ ભાઈએ ખુબ નવાઈ પામી પૂછ્યું. નવાઈ તો મને પણ લાગી હતી. વાત ક્યાંથી ક્યાં જઈ રહી હતી ! મેં બંનેને ચા આપી. ચાનો ઘૂંટ લેતા પહેલા ભાઈ બોલ્યા ‘આવું તમે અગાઉ પણ કર્યું છે’‘કેવું?’ ‘બે જુદી જુદી વાતોને એક સાથે કહીને ગેરસમજ ઉભી કરવાનું કામ’ ‘મેં એવું ક્યારેય નથી કર્યું…’ ‘પરમ દિવસે જ હું ઓફિસે આવતા પંદર મિનિટ મોડો પડ્યો ત્યારે તમે શું કહેલું ?’ ‘શું કહેલું!’ ‘તમે મને કહેલું કે કેમ મોડા પડ્યા? બોસ બહુ અપસેટ છે ! હું ટેન્સ થઇ ગયેલો પછી બોસ સાથે વાત થઇ ત્યારે ખબર પડી કે તમારી કોઈ ભૂલને કારણે બોસ અપસેટ હતા અને એટલા અપસેટ હતા કે હું મોડો પડ્યો છુ એ પણ એમણે નોટિસ નહોતું કર્યું !’

‘એમ?’ ‘શું એમ? – તમે બન્ને વાત સાથે કરી જેનો અર્થ થાય કે હું મોડો પડ્યો એટલે બોસ અપસેટ હતા…’ ‘તમે બી શું યાર નાની નાની વાતોને ઇશ્યુ બનાવો છો ! તમારા લગ્ન નથી થયા હજી ?’ ‘લગ્ન થયા હોત તો ઇશ્યુ ન બનાવત?’ પેલા ભાઈએ ચાના પૈસા ચુકવતા પૂછ્યું. ‘ના એ બંને વાત જુદી છે!’ પેલા ભાઈએ ફરી ચોખવટ કરી… ‘તો સાથે મિક્સ શું કામ કરો છો?’ પહેલા ભાઈએ અકળાતા પૂછ્યું…. આમ વાત કરતા બન્ને ચાલ્યા ગયા અને મને નવું જ્ઞાન મળ્યું. પહેલા બે પ્રોફેસરોની વાતો પરથી ખબર પડી કે ‘જ’ જેવા અક્ષરને આગળ પાછળ કરવાથી એક જ વાક્ય કેવી રીતે જુદા જુદા અર્થ આપી શકે. અને આ બે જણની વાત પરથી સમજાયું કે બે જુદી જુદી વાત એક સાથે મુકવાથી કેવી ગેરસમજ થાય ! મેં લૈલા તરફ જોયું. ત્યારે જ રાંઝા આવી લૈલા પાસે બેઠો. મેં એ બંનેને ચા આપી.

એટલામાં એક યુવાન છોકરા છોકરીનું એક જોડું આવ્યું. છોકરાએ બે કોફી ઓર્ડર કરી. કોફી બનાવતા મેં વિચાર્યું : આ બન્ને પ્રેમી હશે ? શું વાત કરશે ? કદાચ આ બન્નેની વાત તો સમજાય એવી હશે! ‘મારા મનમાં શું છે એ કહું?’ છોકરાએ પૂછ્યું. ‘ના…’ છોકરીએ ટૂંકમાં જવાબ આપ્યો. ‘કેમ?’ ‘શું કેમ?’ ‘કેમ ન કહું?’ ‘કહેવું જ હોય તો પૂછ્યું કેમ?’ ‘પૂછ્યું એ ન ગમ્યુ?’ ‘બહુ ગમ્યું’ ‘શું બહુ ગમ્યું?’ છોકરાએ નવાઈ પામી પૂછ્યું. ‘એ જ કે તારા મનની વાત સાંભળવા તું જબરદસ્તી નથી કરી રહ્યો…’ ‘તો મારા મનની વાત તારે નથી સાંભળવી?’ છોકરાએ નિરાશ થઇ પૂછ્યું. મેં બન્નેને કોફી આપી. કોફી નો પ્યાલો ઉંચકતા છોકરી બોલી ‘તેં કહેલું કે આપણે કોફી પીશું…’ ‘પણ કોફી પીતા વાત તો થઇ શકે ને ?’ ‘એવું કંઈ નથી, ચુપચાપ પણ કોફી પી શકાય’ ‘પણ મારે કહેવું છે… મારે કહેવું છે કે તું રોજ મારા સપનામાં આવે છે…’ છોકરાએ હિમ્મત કરી કહી જ નાખ્યું. પણ છોકરીએ પછી જે જવાબ આપ્યો એ અણધાર્યો હતો. છોકરીએ કહ્યું ‘રાતના ઊંઘ આવી જાય પછી કંઈ ભાન નથી રહેતું…’

‘કઈ વાતનું ભાન નથી રહેતું ?’ છોકરાએ મૂંઝાઈને પૂછ્યું ‘ઊંઘમાં તમે ક્યાં ક્યાં ભટકો એનું ઠેકાણું ન હોય…’ ‘તું ઊંઘમાં ભટકે છે? ‘ છોકરાએ અચરજ સાથે પૂછ્યું ‘તેં જ તો કહ્યું – હું તારા સપનામાં આવું છું !’ ‘એટલે?’ છોકરો મૂંઝાઈ ગયો. ‘એકવાર સુઈ ગયા પછી શું ખબર પડે કે આપણે કોના સપનામાં જઈશું!’ ‘એક મિનિટ…’ છોકરાએ કહ્યું ‘તું સુઈ જાય કે જાગતી રહે…- મારા સપનામાં તું આવે છે એ વાત સાવ જુદી છે – ‘‘એમ?’ છોકરીએ પૂછ્યું. ‘હાસ્તો – તું કઈ નક્કી કરીને મારા સપનામાં થોડી આવી શકે?’ ‘સરસ, મારે પણ એ જ કહેવું હતું કે તારા સપનામાં હું આવું એ કંઈ મારી જવાબદારી નથી…’ છોકરો ગૂંચવાઇ છોકરીને જોઈ રહ્યો.

છોકરીએ કોફીનો ખાલી પ્યાલો ટેબલ પર મૂકી કહ્યું ‘કોફી પીવાઈ ગઈ’ છોકરો બેટિંગ કરવા માંગતો હતો પણ છોકરી એને દરેક બોલ પર ક્લીન બોલ્ડ કરી રહી હતી… છોકરાએ ચુપચાપ કોફીના પૈસા ચૂકવ્યા અને ‘પણ હું એમ કહેતો હતો કે…’ બોલતા ફરી કોશિશ કરવા માંડી…. વાત કરતા એ બન્ને ચાલ્યા ગયા પણ છોકરો પોતાની વાત કહેવામાં સફળ થશે એમ લાગતું નહોતું.  મારી નજર ક્યારના ચુપચાપ બેઠેલા લૈલા રાંઝા પર ગઈ અને મને એક મુદ્દાની વાત સમજાઈ : વાત કરવી જ હોય તો બોલવાની જરૂર નથી પડતી અને બોલીએ તો વાત થઇ જ શકે એ જરૂરી નથી!

Most Popular

To Top