ભારતની રાજધાની દિલ્હીનું નામ બદલવાની માંગણીએ ફરી એક વાર જોર પકડ્યું છે. આ વખતે ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરવાની માંગણી કરી છે. તેમણે જૂની દિલ્હી રેલવે સ્ટેશનનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ જંકશન કરવાની, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ એરપોર્ટ કરવાની અને દિલ્હીનાં મુખ્ય સ્થળોએ પાંડવોની ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ માંગણી કરી છે.
મહાભારત કાળ દરમિયાન જ્યારે ધૃતરાષ્ટ્રે પોતાના રાજ્યને પાંડવો અને કૌરવો વચ્ચે વહેંચી દીધું ત્યારે હસ્તિનાપુર કૌરવોના હાથમાં ગયું અને ખાંડવપ્રસ્થ પાંડવોને આપવામાં આવ્યું. ખાંડવપ્રસ્થમાં એક ગાઢ જંગલ હતું, જ્યાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો ન હતો. ભગવાન કૃષ્ણ અને વિશ્વકર્માની મદદથી પાંડવોએ તેને પોતાની રાજધાની બનાવી અને ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરી હતી. એવું કહેવાય છે કે મહાભારત કાળનું ઇન્દ્રપ્રસ્થ આજનું દિલ્હી છે, પરંતુ આનો પુરાવો શું છે? ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) હવે પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થને શોધી રહ્યું છે. દિલ્હીના જૂના કિલ્લામાં ટૂંક સમયમાં ખોદકામ શરૂ થશે. ASI એ તેની મંજૂરી આપી દીધી છે.
દિલ્હીના જૂના કિલ્લાનો ઇતિહાસ હુમાયું સાથે જોડાયેલો છે. આ એ જ કિલ્લો છે, જેનાં પગથિયાં પરથી હુમાયું પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે જ્યાં જૂનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો તે સ્થળ પાંડવોની રાજધાનીનું નગર ઇન્દ્રપ્રસ્થ હતું. હવે ASI તેનું ખોદકામ કરવા જઈ રહ્યું છે. જૂના કિલ્લાનું બાંધકામ વર્ષ ૧૫૩૩માં મુઘલ સમ્રાટ હુમાયું દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. શેરશાહ સૂરીએ ૧૫૪૦માં બાંધકામ ચાલુ રાખ્યું હતું અને હુમાયુંએ ૧૫૫૫માં બાંધકામ પૂર્ણ કર્યું હતું. ભારતની સ્વતંત્રતા પછી દિલ્હીના જૂના કિલ્લાનું ઇન્દ્રપ્રસ્થની શોધમાં છ વખત ખોદકામ કરવામાં આવ્યું છે.
ASI એ સૌ પ્રથમ ૧૯૫૪-૫૫ માં ખોદકામ શરૂ કર્યું હતું. ત્યાર બાદ ૧૯૬૯-૭૩, ૨૦૧૩-૧૪ અને ૨૦૧૭-૧૮ માં ખોદકામ કરવામાં આવ્યું હતું. છેલ્લું ખોદકામ ૨૦૨૩ માં કરવામાં આવ્યું હતું. આ વખતે કિલ્લાની અંદર ખોદકામ કરવામાં આવશે અને જો જરૂરી હોય તો અગાઉ ખોદકામ કરાયેલા વિસ્તારોને ફરીથી ખોલવામાં આવશે. દિલ્હીના જૂના કિલ્લામાં અગાઉ થયેલા ખોદકામમાં મૌર્ય, શુંગ, કુષાણ, ગુપ્ત, રાજપૂત, સલ્તનત અને મુઘલ કાળના અવશેષો મળી આવ્યા છે. જો કે, ASI પાંડવોના ઇન્દ્રપ્રસ્થની શોધ કરી રહ્યું છે, પરંતુ આના માટે હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
જૂના કિલ્લામાં અગાઉ થયેલા ખોદકામમાં કુંતી મંદિર સ્થળે ભગવાન વિષ્ણુની ૯૦૦ વર્ષ જૂની રાજપૂત યુગની પ્રતિમા મળી આવી હતી. અહીં ૧,૨૦૦ વર્ષ જૂની ગજલક્ષ્મીની પ્રતિમા અને ગણેશ પ્રતિમા પણ મળી આવી હતી, જેનાથી ઇતિહાસકારોને આશા છે કે અહીં ઇન્દ્રપ્રસ્થના પુરાવા પણ મળી શકે છે. ઇતિહાસકારો સૂચવે છે કે જૂનો કિલ્લો તે ટેકરા પર સ્થિત હોઈ શકે છે જ્યાં પાંડવોએ એક સમયે તેમની રાજધાની બનાવી હતી. ખોદકામમાં આ ટેકરામાંથી પુરાવા શોધવામાં આવશે.
ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકના શાસનકાળ દરમિયાન દિલ્હી કુરુ મહાજનપદનો ભાગ બન્યું. અશોકના શિલાલેખોમાં તેનો ઉલ્લેખ વેપારના કેન્દ્ર તરીકે કરવામાં આવ્યો છે. શુંગ કાળ દરમિયાન, દિલ્હીમાં બૌદ્ધ-પ્રભાવ વધ્યો હતો. એવું કહેવાય છે કે કુષાણ સમ્રાટ કનિષ્કે અહીં સિક્કા બનાવ્યા હતા. ગુપ્ત કાળ દરમિયાન, તેને યોગિનીપુરાણ કહેવામાં આવતું હતું અને તે એક સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું હતું. જૈન ગ્રંથોમાં દિલ્લીનો સૌથી પહેલો ઉલ્લેખ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન મંદિરો અને શિલ્પોના અવશેષો મળી આવ્યા છે. એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન દિલ્હીનું નામ ઇન્દ્રપ્રસ્થથી બદલીને દિલ્હી કરવામાં આવ્યું હતું.
મધ્યયુગ દરમિયાન દિલ્હી રાજપૂતોના શાસન હેઠળ રહ્યું હતું. પછી મુસ્લિમ શાસકોએ તેને પોતાની સલ્તનતની રાજધાની બનાવી હતી. તોમર રાજવંશ (ઇ.સ. ૭૩૬-૧૧૫૧) એ દિલ્હીની આસપાસ દિલ્લીકા નામનું શહેર સ્થાપ્યું હતું. અનંગપાલ તોમરે લાલ કોટ (દિલ્હીનો પહેલો કિલ્લો) બનાવ્યો હતો. દિલ્હીના વિકાસ અને રાજ્યની સરહદોના વિસ્તરણમાં પૃથ્વીરાજ ચૌહાણના મહત્ત્વપૂર્ણ યોગદાનનું વર્ણન પૃથ્વીરાજ રાસોમાં છે. પૃથ્વીરાજ ચૌહાણે વિદેશી આક્રમણકારોને ઘણી વખત હરાવ્યા હતા. મુહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબુદ્દીન ઐબકે ૧૨૦૬માં દિલ્હી પર હુમલો કર્યો અને કબજો કર્યો અને દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી. આ સમયગાળા દરમિયાન ઘણા શાસકોએ દિલ્હી પર શાસન કર્યું, જે દરમિયાન શહેરનું નામ ઘણી વખત બદલાયું હતું. કુતબુદ્દીન ઐબકે તેનું નામ લાલ કોટ રાખ્યું, અલાઉદ્દીન ખિલજીએ તેનું નામ સિરી રાખ્યું, ગિયાસુદ્દીન તુઘલકે તેનું નામ તુઘલકાબાદ રાખ્યું, મુહમ્મદ બિન તુઘલકે તેનું નામ જહાંપનાહ રાખ્યું અને ફિરોઝ શાહે તેનું નામ કોટલા રાખ્યું હતું. બાબરે ૧૫૨૬માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યાર બાદ મુઘલોએ આગ્રાને તેમની પ્રારંભિક રાજધાની બનાવી હતી, જ્યારે તેમણે દિલ્હીને બીજી રાજધાની તરીકે પસંદ કર્યું હતું. શહેનશાહ અકબરે ફત્તેહપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી હતી.
૧૮૦૩માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દિલ્હી પર કબજો કર્યો. ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન બહાદુરશાહ ઝફરને દિલ્હીથી દેશનિકાલ કરવામાં આવ્યો. અંગ્રેજોએ કલકત્તાને પોતાની રાજધાની બનાવી હતી. દિલ્હીને ભારતની રાજધાની બનાવવાનો નિર્ણય ૧૯૧૧માં બ્રિટિશ શાસન દરમિયાન લેવામાં આવ્યો હતો, જ્યારે રાજા જ્યોર્જ પાંચમાએ દિલ્હી દરબાર દરમિયાન તેની જાહેરાત કરી હતી. નવી દિલ્હીના નિર્માણમાં ઘણો સમય લાગ્યો અને આખરે ૧૩ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ તત્કાલીન વાઈસરોય લોર્ડ ઇરવિન દ્વારા તેને ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી હતી. આ નિર્ણય દિલ્હીના ઐતિહાસિક મહત્ત્વ અને કેન્દ્રીય સ્થાનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. સ્વતંત્ર ભારતમાં પણ નવી દિલ્હી રાજધાની તરીકે ચાલુ રહી છે.
શમ્સ સિરાજ આફિફના ૧૪મી સદીના પુસ્તક તારીખ-એ-ફિરુઝશાહીમાં જણાવાયું છે કે ઇન્દ્રપ્રસ્થ એક પરગણાનું મુખ્ય મથક હતું. પશ્ચિમ દિલ્હીના નારાયણ ગામથી મળી આવેલા ૧૪મી સદીના શિલાલેખમાં પણ ઇન્દ્રપ્રસ્થનો ઉલ્લેખ છે. અબુલ ફઝલ તેના ૧૬મી સદીના પુસ્તક આઈન-એ-અકબરીમાં જણાવે છે કે હુમાયુંનો કિલ્લો એ જ સ્થળે બનાવવામાં આવ્યો હતો જ્યાં એક સમયે પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થ હતી. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘દિલ્હી અને તેનો પ્રદેશ’ પણ સ્વીકારે છે કે જૂનો કિલ્લો યમુનાના કિનારે સ્થિત હતો.
કિલ્લાની ઉત્તર અને પશ્ચિમ બાજુઓ પરના ઊંડા ખાડાઓ સૂચવે છે કે આ કિલ્લાઓ નદી સાથે એક પહોળી ખાઈને જોડાયેલા હતા અને કિલ્લા સુધી પહોંચવા માટે એક કોઝ વે દ્વારા કિલ્લાને મુખ્ય ભૂમિ સાથે જોડવામાં આવતો હતો. જૂનો કિલ્લો એક પ્રાચીન ટેકરા પર સ્થિત છે, જે કદાચ મહાભારતના ઇન્દ્રપ્રસ્થ શહેરનાં ખંડેરોને છુપાવે છે. સોળમી સદીના જૂના કિલ્લા નીચે પરીક્ષણ ખોદકામ ૧૯૫૪-૫૫ અને ૧૯૬૯-૧૯૭૩માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના ભૂતપૂર્વ મહાનિર્દેશક પ્રોફેસર બી.બી. લાલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. નવીનતમ ખોદકામ ૨૦૧૭-૨૦૧૮માં વસંતકુમાર સ્વર્ણકર દ્વારા દેખરેખ રાખવામાં આવ્યું હતું, જે હવે ASI આગ્રા સર્કલના અધિક્ષક પુરાતત્ત્વવિદ્ છે. આ ખોદકામમાં અગાઉના ખોદકામ જેવા જ પુરાવા મળ્યા હતા.
પુરાણા કિલ્લા ખાતેના ત્રણેય ખોદકામમાં ટેરાકોટા રમકડાં અને બારીક ભૂરા રંગના માટીકામના ટુકડા મળી આવ્યા છે, જેમાં સામાન્ય રીતે કાળા રંગમાં સરળ ચિત્રો હોય છે. પુરાતત્ત્વવિદોમાં બ્રાઉન પેઇન્ટેડ વેર તરીકે ઓળખાતાં આ માટીકામ ઇ.સ. પૂર્વે ૧૦૦૦ ના છે. મહાભારતની વાર્તા સાથે સંકળાયેલાં અનેક સ્થળોએ સમાન લાક્ષણિકતાઓ ધરાવતા માટીકામ અગાઉ મળી આવ્યા હોવાથી તેઓ ઇ.સ. પૂર્વેનાં હોવાનું માનવામાં આવે છે. અહીં તેમની શોધથી એવી દંતકથા મજબૂત થઈ છે કે મહાભારતના પ્રખ્યાત પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થ પુરાણા કિલ્લાના સ્થળે હતી. હવે ખોદકામમાં વધુ પુરાવા મળવાની આશા રાખવામાં આવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.