ભીખમાં આઝાદી (Freedom) મળી હતી, ખરી આઝાદી તો 2014માં નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન (PM) બન્યા ત્યાર બાદ મળી છે તેવું નિવેદન કરીને વિવાદમાં સપડાયેલી અભિનેત્રી કંગના રાણાવત (Kangana Ranaut) પર ચારે તરફથી ટીકાનો વરસાદ થઈ રહ્યો છે. પ્રજા અને નેતાઓ અભિનેત્રી પાસેથી પદ્મશ્રી (Padma Shree) પરત લઈ લેવાની માંગણી કરી રહ્યાં છે ત્યારે આજે બે દિવસ બાદ અભિનેત્રીએ (Actress) પોતાનું મૌન તોડ્યું છે. તે હજુ પણ પોતાના ભીખમાં આઝાદી..ના નિવેદનને વળગી રહી છે અને ખુલ્લી ચેલેન્જ આપી છે.
અભિનેત્રીએ કહ્યું કે, જો તે ખોટી સાબિત થશે તો જાતે જ પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત આપી દેશે. કંગના રાણાવતે પોતાના બચાવમાં જે તર્ક આપ્યો છે, તે પણ ચોંકાવનારો છે. અભિનેત્રીએ કહ્યું કે, અસલી આઝાદી તો 2014માં મોદી સરકાર સત્તામાં આી ત્યાર બાદ મળી છે. 1947માં આઝાદી ભીખમાં મળી હતી. આ નિવેદન બાદ કંગનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે પોતાના નિવેદનનો બચાવ કરતા અભિનેત્રીએ કહ્યું કે, 1857માં આઝાદી માટે લડાઈ લડવામાં આવી હતી. તે યુદ્ધમાં સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકરે ભાગ લીધો હતો. તેઓએ પોતાનું યોગદાન આપ્યું હતું, પરંતુ 1947માં આઝાદી માટે કયું યુદ્ધ લડવામાં આવ્યું હતું? મને આ વિશે કોઈ જ જાણકારી નથી. કોઈને માહિતી હોય તો મને આપે. જો હું ખોટી સાબિત થઈશ તો હું માફી માંગીશ અને પદ્મશ્રી પણ પરત કરી દઈશ. પોતાના કંગનાએ આ નિવેદન ઈન્સ્ટાગ્રામની સ્ટોરીઝ પર શેર કર્યુ છે. જેમાં કંગનાએ એક પુસ્તકના કેટલાંક અંશ પણ મુક્યા છે. આ પુસ્તક જસ્ટ ટુ સેટ ધ રેકોર્ડર્સ સ્ટ્રેટ છે.
દરમિયાન દેશભરમાં કંગના રાણાવતનો વિરોધ ચાલુ છે. કંગનાના નિવેદન સામે રાજકારણીઓ અને અન્ય ઘણા લોકો વાંધો ઉઠાવી રહ્યાં છે. દિલ્હીમાં બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂરે ગુરુવારે આ અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું છે કે સ્વતંત્રતા સેનાનીનો પુત્ર હોવાને કારણે અને આઝાદી માટે લડનાર પરિવારમાંથી આવતો હોવાથી હું કંગનાના નિવેદનને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનનું અપમાન માનું છું. હું ઈચ્છું છું કે ભારતીય ન્યાય પ્રણાલી આ મામલાને પોતાની રીતે ધ્યાને લે. શુક્રવારે પીટીઆઈ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે તેણે વ્યક્તિગત સ્તરે ટ્વીટ કરીને આ વિરોધ વ્યક્ત કર્યો છે. તે જ સમયે, મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પણ કંગનાના નિવેદનને ખોટું ગણાવ્યું છે. શુક્રવારે ઈન્દોરમાં કંગનાનું પૂતળું બાળી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.