હાલમાં સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમ વિશે ઘણી ટીકા ટિપ્પણી સાંભળવા મળી અને અખબારોમાં સમાચારો પણ પ્રસિદ્ધ થયા. પરંતુ આ કાર્યક્રમના સકારાત્મક પાસા તરફ બહુ ઓછું ધ્યાન ગયું હોય એવું લાગ્યું. હા માન્યું કે મોટાભાગની શાળાઓમાં આ કાર્યક્રમ ઔપચારિક રીતે ઉજવાય ગયો પરંતુ અંતરિયાળ વિસ્તારની અને ભૌતિક સુવિધાઓની અગવડ ધરાવતી શાળાઓમાં જ્યારે અધિકારી વર્ગ ગયો અને સાચી પરિસ્થિતિથી અવગત થયા અને જે સંવેદનશીલ અધિકારીઓ હતા તેઓએ શાળાને મદદ કરવાની ખાતરી આપતા જણાવ્યું કે સત્તાની રુએ શાળા માટે જે કંઈપણ શક્ય હશે તે તેઓ કરશે. કમ સે કમ એવી શાળાઓ માટે તો આ પ્રવેશોત્સવ ઔપચારિક ન જ રહ્યો કહેવાય. અધિકારીઓએ આપેલ મદદ કરવાની ખાતરીથી જો કોઈ એક શાળાની કાયાપલટ થાય તો પણ સરકારશ્રી દ્વારા યોજાયેલ આ પ્રવેશોત્સવ સફળ થયેલો ગણાય એવું માનવામાં કોઈ સંદેહ ન હોય શકે.
જહાંગીરાબાદ, સુરત- ચંદ્રકાન્ત પી સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભાષા-ઓરમાયું વર્તન, ભાષાવિદોની ચુપ્પી
ભાષા કોઈ પણ સંસ્કૃતિનું સુરક્ષા કવચ છે. ભાષાનું અંધકારમય ભવિષ્ય તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાને ખાલસા કરી દે છે. આ વાત સુપેરે સમજતા ભાષાપ્રેમીઓ અને સંસ્કૃતિપ્રેમીઓએ ગુજરાતમાં ‘ગુજરાતી ભાષા બચાવો’ અભિયાન આદર્યું તો ખરું પણ ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા જેવો ઘાટ સર્જાયો છે. કેમ કે ગુજરાત પ્રશાસનમાં જ ફરજ બજાવનાર વહીવટી અધિકારીઓની ભરતી પરીક્ષાઓમાં પ્રાદેશિક ભાષા ગુજરાતી અને વહીવટી ભાષા અંગ્રેજીના મહત્ત્વને નગણ્ય કરી દીધું. ભાષા તો માનવીના વિચારો, લાગણીઓ અને સંવેદનાઓની અભિવ્યક્તિનું અસરકારક માધ્યમ છે. તેમાં માત્ર પાસ જ થવાનું અને તે પણ માત્ર પચીસ ટકા ગુણથી! તર્ક ગળે ઉતરે ખરો? માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ તેત્રીસ ટકા ગુણથી પાસ થવાય છે. માત્ર અને માંડ પાસ થયેલા પ્રશાસનની ભાષા સમજી શકશે ખરા? આવા અધિકારીઓની ભાષા સજ્જતા કેટલી? ભાષાની આટલી અવગણના અને અવમાનના છતાં ઠેકેદારો મૌન કેમ?ભાષાપ્રેમ સગવડિયો કેમ?
મહેસાણા- વસંતકુમાર એમ.બારોટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.