૨૩મી એપ્રિલ, ૨૦૨૫નાં ચર્ચાપત્ર વિભાગમાં ’સોનાનો મોહ શા માટે?’શીર્ષક હેઠળના ચર્ચાપત્રની રજૂઆતનો વિરોધ કરવાનો હેતુ નથી જ. પણ સોનાનાં ઘરેણાંની ઉપયોગીતા વિષે આ ચર્ચાપત્રીનાં વાંચવામાં કેટલીક વાતો આવી છે તે રજૂ છે. સોનાનો સીધો સંબંધ માનસિક સ્વાસ્થ્ય સાથે છે. અવસાદ કે નિરાશા અથવા ડિપ્રેશનની હોમીયોપેથીમાં મુખ્ય દવા જ ઓરમમેટ છે. જે સોનાનું લેટિન નામ છે. ઘરેણાંનો અન્ય હેતુ એકયુપંચર અને એક્યૂપ્રેશરનો પણ હોય છે, જો ચોકસાઈથી કરવામાં આવે તો. અને ચર્ચાપત્રીએ નકલી ઘરેણાં પહેરવાની સલાહ આપી છે તેમાં ઘણી ધાતુ નકલી ઘરેણાં કાયમ પહેરવામાં આવે તો ડિપ્રેશન પણ પેદા કરી શકે છે માટે એવી ધાતુ વિચારીને પસંદ કરવી જરૂરી છે. અને ચોરનાર કે છીનવનાર જો અસલી-નકલીની ઓળખ નહીં કરી શકે તો ચોરી સાથે ઇજાની શક્યતા પણ રહે જ.
ઘરેણાં પહેરીને ગીચ વસ્તીમાં ભૂલેચૂકે મહિલાઓ જાય તો રાજેન્દ્ર કર્ણિકની ચર્ચાપત્રમાંની સલાહ પ્રમાણે ચાલવાનો રસ્તો વાહન વ્યવહારની ઊલટી દિશાનો પકડવો, જેથી બાઇક પર આવતા ચોરથી દૂર રહેવાની શક્યતા વધી જાય. સાડીનાં છેડાથી, કે દુપટ્ટા વડે કે સ્કાફ વડે કાન અને ગળાનાં ભાગ ઢંકાઈ જાય તે રીતે માથું ઢાંકવું યોગ્ય રહેશે. અહીં એક વાત જરૂરી કે ઘરેણાં વધુ પડતું પ્રદર્શન કે સામાજિક સ્ટેટ્સ વધારવા કે છવાઈ જવાનાં હેતુથી પહેરવા એ ક્યારેક રેકી કરનારાઓને ઘર સુધી ખેંચી જવાનું અને જે અન્ય મહિલાઓ આવી મહિલાઓને જોઈને પોતાનો દેખાદેખી થી પેદા થયેલો શોખ પૂરો નહીં કરી શકે તે ક્યાં તો મનમાં ડિપ્રેશનની લાગણી અનુભવે છે.
સુરત – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.