Comments

અફઘાનિસ્તાન મુદ્દે ચીન પણ ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યું છે

તાલિબાને કાબુલ પર કબજો મેળવ્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ચીન સહિત કોઈ પણ દેશે ઔપચારિક રીતે અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતને સરકાર તરીકે માન્યતા આપી નથી અને અફઘાનિસ્તાનના તાજિકિસ્તાન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો સાથેના સંબંધો હજુ પણ સમસ્યારૂપ છે. અફઘાનિસ્તાનની વ્યૂહાત્મક ઉપયોગિતા અને ચીન માટે તેના વાણિજ્યિક મહત્ત્વ વિશે એક વર્ષ પહેલાં જે ઉત્સાહ અને અટકળો જોવા મળતી હતી તે છતાં, બેઇજિંગ તેના અફઘાનિસ્તાન સાથેના સંબંધોને લઈને અત્યંત સાવધ રહ્યું છે. રાજદ્વારી માન્યતા અને મોટા આર્થિક રોકાણ ટૂંક સમયમાં સંભવ નથી કારણ કે ઉઇગુર આતંકવાદીઓનો મુદ્દો અને અફઘાનિસ્તાનના ભવિષ્યની અનિશ્ચિતતા સૌથી મોટી અડચણો છે.

ગયા વર્ષે ઑગસ્ટમાં જ્યારે તાલિબાને કાબુલ પર કબજો જમાવ્યો ત્યારે ચીનની સૌથી મોટી ચિંતા અફઘાન શરણાર્થીઓ અને આતંકવાદીઓનો સંભવિત આઉટફ્લો હતી. ચીન-અફઘાનિસ્તાન બોર્ડરના વાખાન કોરિડોરના દુર્ગમ પ્રદેશને જોતાં તેઓ સીધા ચીનમાં દાખલ થવાની શક્યતા ન હોવા છતાં, ચીનને ડર એ હતો કે તેઓ તાજિકિસ્તાનના માર્ગે ચીનમાં ઘૂસી શકે છે. અગમચેતીના ભાગરૂપે ચીને તાજિકિસ્તાનને સુરક્ષા સહાય આપી તેની સાથે સહકાર વધાર્યો. પરંતુ તાજિકિસ્તાન માર્ગે તો આતંકવાદનો ખતરો ઊભો ના થયો તેના બદલે પાકિસ્તાનમાં ચીનનાં નાગરિકો સામેના હુમલાઓમાં વધારો થયો.

ગયા મહિને જ  કરાચીમાં ડેન્ટલ ક્લિનિકમાં એક ચીની વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી; ગયા એપ્રિલમાં, કરાચી કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ત્રણ ચીની શિક્ષકો માર્યા ગયા હતા. પાકિસ્તાનમાં ચીની નાગરિકો સામે વધી રહેલા સુરક્ષા ખતરા છતાં, અફઘાનિસ્તાન ચીન માટે સુરક્ષાને લઈને મોટો ખતરો છે જેની કારણ ઉઇગુર આતંકવાદીઓ છે જે અફઘાનિસ્તાનમાં મૂળ ધરાવે છે. ગયા વર્ષે, તાલિબાને ઘણી વાર કહ્યું હતું કે કોઈ પણ જૂથ અથવા વ્યક્તિને ચીન સહિત કોઈ પણ દેશ સામે હુમલા કરવા માટે અફઘાન વિસ્તારનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે.

આ યુએસ સાથે હસ્તાક્ષર કરાયેલ ૨૦૨૦ દોહા શાંતિ કરારમાં સ્વીકારવામાં આવેલી ઔપચારિક પ્રતિબદ્ધતા છે. જો કે દોહા કરાર છતાં તાલિબાન આતંકવાદીઓને દેશમાં આશ્રય આપી રહ્યું છે, જે થોડા સમય પહેલાં અલ-જવાહિરીના કિસ્સામાં સામે આવ્યું હતું. અફઘાનિસ્તાનમાં હજુ પણ ચીન જેને આતંકવાદીઓ ગણે છે તે ઉઇગુર વસે છે. જો કે તાલિબાનોએ તેમને ચીનની સરહદે આવેલા પ્રાંતોમાંથી હટાવી અફઘાનિસ્તાનના અંદરના ભાગમાં સ્થાનાંતરિત કર્યા છે. તેમ છતાં અફઘાનિસ્તાનમાં ઉઇગુરોની ઉપસ્થિતિ એ ચીન માટે ચિંતાનો વિષય છે. જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી ચીન અફઘાનિસ્તાનને રાજદ્વારી માન્યતા આપે એવું લાગતું નથી.

ભૂતકાળમાં ચીને પાકિસ્તાન દ્વારા તાલિબાન પર પ્રભાવ પાડવાની કોશિશ કરી હતી. ગયા વર્ષે તાલિબાનની જીતને ચીનના વધતા પ્રાદેશિક પ્રભાવ તરીકે જોવામાં આવતી હતી. પરંતુ ત્યાર બાદ તાલિબાન સાથેના પાકિસ્તાનના સંબંધો અને પાકિસ્તાન સાથેના ચીનના સંબંધો બંને તણાવ હેઠળ છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ની ધીમી પ્રગતિ, વધતાં નાણાંકીય બોજ તરીકેની પાકિસ્તાનની છાપ, ચીન વિરોધી આતંકવાદી હુમલાઓનું સ્થાન તેમજ યુએસ-ચીન વચ્ચે વ્યૂહાત્મક દાવપેચમાં અટવાયેલું ઇસ્લામાબાદ આ બધાનો પડઘો ચીન-પાકિસ્તાન સંબંધો પર પણ પડી રહ્યો છે.

અફઘાનિસ્તાનમાં ચીનના આર્થિક લાભો મુખ્ય હોવાનું કહેવાય છે. તાલિબાન સત્તા સંભાળે તે પહેલાં જ ચીનને રોકાણ અને વેપાર માટે સંકેતો મોકલી રહ્યું હતું. પરંતુ આયનાક કોપર ખાણ અને અમુ દરિયા ઓઇલ પ્રોજેક્ટ બંને લાંબા સમયથી અટવાયેલા ચાઇનીઝ પ્રોજેક્ટમાં કોઈ નક્કર પ્રગતિ નથી. અવરોધ મુખ્યત્વે ચીની બાજુથી છે. ઉઇગુર મુખ્ય મુદ્દો છે. આર્થિક મોરચે ચીનની ધીમી ગતિનું બીજું પરિબળ અફઘાન સરકાર અને રાષ્ટ્રના ભવિષ્યની અનિશ્ચિતતામાં રહેલું છે. પ્રાદેશિક સ્થિરતા, અસરકારક શાસન અને નીતિઘડતરના સંકેતો તેમજ આંતરરાષ્ટ્રીય માન્યતા વિના કોઈ પણ આર્થિક રોકાણ સુરક્ષાનાં જોખમો અને સંભવિત આર્થિક નુકસાન સહિતના પડકારોનો સામનો કરશે એ ચીન સારી રીતે જાણે છે. ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top