Vadodara

નવરાત્રીની પહેલી રાતે જ રંગ જામ્યો

વડોદરા: ઉસ્તવ પ્રિય વડોદરા મા શરૂ થયેલ ભક્તિ શક્તિ પર્વના પ્રથમ દિવસે ગરબા રસીકો ગરબા મેદાનોમા ઉમટી પડ્યા હતા. યુવક યુવતી ઓ રગબેરંગી ચણિયાચોળી, ઘરેણા, ઝભ્ભા, કુરતા પહેરી ને ગરબા મેદાનોમા આવી પહોંચ્યા હતા. ગરબા ના ઢોલ અને સંગીત વાગતા જ ગરબે ઘુમનારા યુવક યુવતીઓ ના પગ થિરાકવા લાગ્યા હતા. પ્રથમ દિવસ હોવા છતાં ગરબા રસીકો મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા જ્યારે કેટલાક મેદાનો મા પ્રથમ દિવસે પાંખી હાજરી પણ જોવા મળી હતી.નવરાત્રિ પર્વનો શુભારંભ થયો છે.અને નવ દિવસ માટે વડોદરાવાસીઓ હવે ગરબામય બની જશે.

વડોદરાના ગરબા દેશ વિદેશ મા પોતાની આગવી ઓળખ ધરાવે છે અને વડોદરાના લોકોનો ગરબા રમવાનો ક્રેઝ પણ જાણીતો છે.વડોદરામાં મોટા, મધ્યમકદના અને નાના મળીને ૮૦ જેટલા ગરબા મહોત્સવોનુ આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં બે લાખ કરતા વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમશે તેવો અંદાજ છે.આ પૈકીના એક લાખ કરતા વધારે ખેલૈયાઓ તો શહેરના મુખ્ય ત્રણ મોટા ગરબા મહોત્સવોમાં ગરબા રમતા જોવા મળશે તેવો અંદાજ છે. સાંજ પડતા જ ગરબા મેદાનો પર ધમધમાટ જોવા મળ્યો હતો.અને મનમોહક લાઈટ ડેકોરેશનની રોશની થી ગરબા મેદાનો ઝળહળી ઉઠ્યા હતા.

વડોદરાવાસીઓએ ગરબા માટેની તૈયારીઓ તો છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ કરી દીધી હતી.જેના કારણે બજારોમાં પણ ચણિયાચોળી, ઘરેણા, ઝભ્ભા, કુરતા સહિતનીવસ્તુઓની છેલ્લા કેટલાક દિવસોથી ધૂમ ખરીદી જોવા મળી હતી.ચણિયાચોળી માટેના મુખ્ય માર્કેટ ગણાતા નવાબજાર અને મંગળબજાર વિસ્તારમાં તો પગ મુકવાની જગ્યા ના મળે તેવી સ્થિતિ હતી અને નવરાત્રિની પૂર્વ સંધ્યાએ તો જોરદાર ઘરાકીના કારણે દુકાનો મોડી રાત સુધી ખુલ્લી જોવા મળી હતી.
શહેરના ગરબા ગ્રાઉન્ડો પર નવ દિવસ સુધી ગરબાના સુર તાલનો સંગમ થશે .

ગરબા રમનારાની સાથે સાથે ગરબા જોનારાઓની પણ ભારે ભીડ જામશે. શહેરમાં રાત્રે બે વાગ્યા સુધી અવર જવરનો માહોલ રહેશે. વડોદરા પોલીસે પણ ગરબાને ધ્યાનમાં રાખીને અસમાજિક તત્વો અટકચાળુ ના કરે તે માટે શી ટીમને ગરબા મહોત્સવોમાં તૈનાત કરવાનુ આયોજન કર્યુ છે.હાર્ટ એટેકના કિસ્સા પણ વધી રહ્યા હોવાથી ગરબા સ્થળો પર ઈમરજન્સી મેડિકલ ટીમો પણ તૈનાત જોવામાં આવી હતી.

અંબા માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ
સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં હિન્દુ સંસ્કૃતિનો લાંબો પર્વ એટલે નવરાત્રિનું ખૂબ અનેરું મહત્વ છે. ત્યારે આજે આસો સુદ નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજના દિવસથી આવનાર નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે. આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ આદ્યશક્તિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરનું ઐતિહાસિક અને જૂનું ઘડિયાળી પોળ ખાતે આવેલ અંબા માતાના મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મા આદ્યશક્તિના દર્શનનો લ્હાવો લઇ માઈભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી.

માંડવી નીચે બિરાજમાન મા મેલડી
આજથી શરુ આસો નવરાત્રીના પ્રથમ દિવસના માંડવીની માં મેલડી ના શણગાર કરવામાં આવ્યો છે. માં મેલડીના દર્શન કરવા માટે ભગતો ઉગડા પગે આવીને માં ના દર્શન કરે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તોમાં મેલડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવલી નવરાત્રી માંડવીની માં મેલડી સૌ માઇભકતોના ઘરમાં સુખ સમૃદ્ધિ સૌભાગ્ય લાવે તેવી મનોકામના કરવામાં આવી હતી.

પ્રથમ નવરાત્રિના દિવસે બહુચરાજી માતાજી મંદિરે માઈ ભક્તોની ભારે ભીડ
વડોદરા શહેરમાં આશરે 300 વર્ષ પૌરાણિક મંદિર આવેલ કારેલીબાગ બહુચરાજી મંદિરમાં સવારે 6 થી રાત્રિ ના 10 કલાક સુધી ખુલ્લું રહેશે અને આઠમના દિવસે સવારે 6 થી રાત્રિના 12 કલાક સુધી ખુલ્લુ રહેશે આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં આવનાર ભક્તો માટે તમામ સુવિધા કરવામાં આવી છે અને મંદિરને રંગરોગન અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ મંદિરમાં નવરાત્રિ દરમિયાન હજારો ભગતો માં ના દર્શન કરવાં આવતા હોય છે એ ભગતોને મુશ્કેલીઓ ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. બહુચરમાં ની માનતા કરતા હોય છે અને જો માનતા પૂર્ણ થાય તો કૂકડાની બાધા કરતા હોય છે. અને ભગતો માં ને નાળિયેર અને ચૂંદડી અર્પણ કરવામાં આવે છે. આવનાર તમામ ભગતોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તો એ બહુચર માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Most Popular

To Top