નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે તા. 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે ઉંધો પડ્યો છે. ભારતીય ટોપ ઓર્ડર ઓસ્ટ્રેલિયન બોલિંગ એટેક સામે સદંતર ફેઈલ સાબિત થયું હતું. ભારત પહેલી ઈનિંગમાં 150 રન પર ઓલઆઉટ થયું હતું. પહેલાં દિવસે ફાસ્ટ બોલરોનો આતંક જોવા મળ્યો હતો. બંને ટીમના ફાસ્ટ બોલરોએ કુલ 17 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ સારી રહી નહોતી. ઓસ્ટ્રેલિયાએ તેના બંને ઓપનર બેટ્સમેનની વિકેટ 19 રન પર ગુમાવી હતી. ત્યાર બાદ બેટિંગ પર ઉતરેલો સ્ટીવ સ્મિથ પણ પહેલી જ બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. ભારતીય કેપ્ટન ફાસ્ટ બોલર બુમરાહે ઓસ્ટ્રેલિયન ટોપ ઓર્ડરને નેસ્તનાબૂદ કર્યુ હતું. બુમરાહે પહેલી 3 વિકેટ ઝડપી હતી.
ત્યાર બાદ ડેબ્યુટન્ટ હર્ષિત રાણાએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. રાણાએ ટ્રેવિસ હેડને બોલ્ડ કરી તેના ટેસ્ટ કેરિયરની પહેલી શાનદાર વિકેટ મેળવી હતી. ત્યાર બાદ માર્શ અને લાબુશેન આઉટ થયા હતા. બંને સિરાજનો શિકાર બન્યા હતા. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ પણ 3 રન બનાવી બુમરાહનો શિકાર બન્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 59 રનમાં 7 વિકેટ ગુમાવી છે. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 67 પર 7 હતો. એલીસ કેરી અને સ્ટાર્ક રમતમાં છે. બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
આ અગાઉ ભારત તરફથી સૌથી વધુ રન ડેબ્યુટન્ટ નીતિશ કુમાર રેડ્ડીએ 41 અને રિષભ પંતે 37 રન બનાવ્યા હતા. કે.એલ. રાહુલે 27 રન બનાવ્યા હતા. તે સિવાય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યા નહોતા. ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનો યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડીક્કલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. પડીક્કલ 23 બોલ રમી 0 પર આઉટ થયો હતો. કોહલીએ શરૂઆત સારી કરી હતી પરંતુ તે 5 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ પંતે સ્થિત સાચવવાનો પ્રયાસ કર્યો હતો.
કોહલીના આઉટ થયા બાદ પંતનો સાથ આપવા સુંદર આવ્યો હતો. વોશિંગ્ટન સુંદર (4) રન બનાવીને મિશેલ માર્શના બોલ પર વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, મિશેલ માર્શ અને પેટ કમિન્સે વિકેટ લીધી હતી.
સુંદરના આઉટ થયા બાદ ડેબ્યુટન્ટ નીતિશ કુમાર રેડ્ડીએ ઋષભ પંતનો સાથ આપ્યો હતો. બંને બેટ્સમેનોએ નિડર બેટિંગ કરી કેટલાંક ક્લાસિક શોટ્સ રમ્યા હતા. બંને વચ્ચે 50 પ્લસની પાર્ટનરશીપ થઈ હતી. એવું લાગતું હતું કે આ જોડી ભારતને સન્માનજનક સ્કોર પર પહોંચાડશે ત્યારે પંત આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પંતને પેવેલિયન ભેગો કર્યો હતો. પંત આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 121 હતો. ત્યાર બાદ મેદાનમાં ઉતરેલા ડેબ્યુટન્ટ હર્ષિત રાણા અને કેપ્ટન બુમરાહ પણ આઉટ થયા હતા.
નોંધનીય છે કે, ભારતીય ટીમે છેલ્લાં બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ ‘મહાસિરીઝ’માં કુલ 5 મેચો રમાવાની છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું.