Sports

ભારતીય શૂટર્સ નિશાન ચૂક્યા, ઓલિમ્પિકના પહેલાં દિવસે ભારતને નિરાશા હાથ લાગી

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે. આજે તા. 27 જુલાઈને ઓલિમ્પિકના પહેલાં દિવસે ભારતીય શૂટરો પાસેથી મેડલની અપેક્ષા હતી પરંતુ નિરાશા હાથ લાગી છે. 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બંને ભારતીય જોડી ફાઈનલ માટે પણ ક્વોલિફાઈ કરી શકી ન હતી. ઈલાવેનિલ વાલારિવન અને સંદીપ સિંહ 12માં સ્થાને રહ્યા. રમિતા જિંદાલ અને અર્જુન બબુતાએ છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. રમિતા-અર્જુને એકંદરે 628.7 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે ઈલાવેનિલ-સંદીપ 626.3 અંક મેળવી શક્યા હતા.

10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં માત્ર ટોપ-4 ટીમો મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ હતી. આ ઈવેન્ટની ફાઈનલ 27મી જુલાઈએ જ યોજાવાની છે. ધ્યાનમાં રાખો કે ભારત માટે આજે આ એકમાત્ર મેડલ ઇવેન્ટ હતી. ઓલિમ્પિક ગેમ્સના પહેલા દિવસે ભારત તરફથી મેડલ જીતવાનો રેકોર્ડ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુના નામે છે. ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020ના પહેલા દિવસે સિલ્વર મેડલ જીત્યો હતો.

10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ભારતીય શૂટરોનું પ્રદર્શન
રમિતા જિંદાલઃ પહેલી શ્રેણી – 104.6, બીજી શ્રેણી- 104.4, ત્રીજી શ્રેણી – 105.5, કુલ: 314.5 પોઇન્ટ
અર્જુન બબુતાઃ પ્રથમ શ્રેણી104.1, બીજી શ્રેણી – 106.2, ત્રીજી શ્રેણી – 103.9, કુલ: 314.2 પોઈન્ટ
ઈલાવેનિલ વાલારિવાનઃ પ્રથમ શ્રેણી- 103.4, બીજી શ્રેણી – 104.7, ત્રીજી શ્રેણી – 104.5, કુલ: 312.6 પોઈન્ટ

અત્યાર સુધી શૂટિંગમાં ભારતના ચાર મેડલ જીત્યા છે
ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં કુલ 4 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. છેલ્લી બે ઓલિમ્પિકમાં ખાતું ખાલી રહ્યું હતું, જેના કારણે રેકોર્ડ 21 સભ્યોની ભારતીય ટીમ પર અપેક્ષાઓનું વધારાનું દબાણ વધ્યું હતું. નેશનલ શૂટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NRAI) એ ટીમની પસંદગીમાં વર્તમાન ફોર્મને પ્રાધાન્ય આપ્યું છે. મનુ ભાકર, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, અંજુમ મૌદગીલ અને ઈલાવેનિલ વાલારિવાનને બાદ કરતાં અન્ય તમામ શૂટર્સ પહેલી વાર ઓલિમ્પિકમાં રમી રહ્યાં છે.

Most Popular

To Top