Business

ડોનબાસ પ્રદેશ પર! યુદ્ધ શરૂ થયું યુક્રેન માટે, શાંતિવાર્તા આવીને અટકી

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અલાસ્કામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની પહેલી બેઠક પછી આખા મામલાએ હવે નવી દિશા પકડી છે. પુતિને શાંતિ કરાર માટે ત્રણ મુખ્ય શરતો મૂકી છે. તે ઇચ્છે છે કે યુક્રેન આખો ડોનબાસ પ્રદેશ છોડી દે, નાટોમાં જોડાવાની તેની મહત્વાકાંક્ષા છોડી દે, તટસ્થ રહે અને તેની ભૂમિ પર પશ્ચિમી સૈનિકોની તહેનાતીની મંજૂરી ન આપે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જૂન 2024ની તેમની જૂની માગણીઓને કંઈક અંશે થોડી ઘટાડી દીધી છે. અગાઉ તેઓ ઇચ્છતા હતા કે યુક્રેન ચારેય પ્રાંતો (ડોનબાસના ડોનેટ્સક અને લુહાન્સ્ક, તેમજ ખેરસોન અને ઝાપોરિઝિયા) રશિયાને સોંપી દે, પરંતુ હવે વાત ફક્ત ડોનબાસ પર આવીને અટકી છે.


આ ઉપરાંત રશિયા વર્તમાન ઝાપોરિઝિયા અને ખેરસોન મોરચા પર લડાઈ બંધ કરવા તૈયાર છે. પુતિન ખારકીવ, સુમી અને ડિનિપ્રોપેટ્રોવસ્કના કેટલાક ભાગોમાંથી પીછેહઠ કરવા માટે પણ સંમત થઈ શકે છે. જો કે, યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પુતિનની શરતો નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે, ડોનબાસને છોડી દેવું શક્ય નથી. આ અમારા દેશના અસ્તિત્વ અને સૌથી મજબૂત સંરક્ષણ રેખાનો પ્રશ્ન છે. યુક્રેનના બંધારણમાં નાટો સભ્યપદ એક વ્યૂહાત્મક ધ્યેય છે અને કિવ માને છે કે તે તેની સૌથી મજબૂત સુરક્ષા ગેરંટી છે. 18મી ઑગસ્ટના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસ ખાતે મળ્યા હતા. તેમની સાથે ઘણાં યુરોપિયન નેતાઓ પણ હાજર હતા. ટ્રમ્પ અને ઝેલેન્સ્કીએ લગભગ 40 મિનિટ સુધી વાત કરી અને નિર્ણય લીધો હતો કે રશિયા અને યુક્રેન વચ્ચે સીધી વાતચીત થશે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, હું પુતિન સાથે સીધી વાત કરવા તૈયાર છું, પરંતુ યુક્રેનિયન જમીન છોડવાના કોઈપણ પ્રસ્તાવને સ્વીકારશે નહીં.
આખી કહાનીને ભૌગોલિક અને વ્યૂહાત્મક દૃષ્ટિએ સમજીએ તો, હાલ સીઝફાયર કરાવવા માટે રશિયા, યુક્રેન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપના નેતાઓ એકઠા થયા છે ત્યારે યુદ્ધની મુખ્ય યુદ્ધભૂમિ રહેલા યુક્રેનના ‘ડોનબાસ’ પ્રદેશ પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનના આ પૂર્વીય ઔદ્યોગિક પ્રદેશ પર કબજો જમાવવા માગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી આ માગને સ્પષ્ટપણે નકારી ચુક્યા છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે આખરે રશિયાને ડોનબાસ પ્રદેશ પ્રત્યે આવો મોહ શા માટે છે?
ડોનબાસ શું છે,કોનું નિયંત્રણ છે? :
ત્રણ વર્ષ પહેલા શરૂ થયેલા યુદ્ધમાં રશિયા યુક્રેનના ચાર પ્રદેશો પર કબજો જમાવવામાં સફળ રહ્યું છે. તેમાં ડોનબાસનો સમાવેશ કરતા બે પ્રદેશો લુહાન્સ્ક અને ડોનેત્સક તથા ઝાપોરિઝ્ઝિયા અને ખેરસનનો સમાવેશ થાય છે. રશિયાએ આ પ્રદેશોમાં અનિયમિત ચૂંટણીઓ યોજી, તેમને જોડી લેવાની ઘોષણા કરી હતી, જેને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ગેરકાયદે ઠેરવવામાં આવી હતી. રશિયા સમગ્ર લુહાન્સ્ક પર અને ડોનેત્સકના લગભગ 75 % ભાગ પર નિયંત્રણ ધરાવે છે. યુક્રેનિયન સેનાએ ડોનેત્સકના કેટલાક ભાગો પર નિયંત્રણ જાળવી રાખ્યું છે.
સવાલ થાય કે રશિયાની ડોનબાસ પ્રત્યે આટલી ચાહત કેમ?: એક તો, ડોનબાસનું ‘મારિયુપોલ’ બંદર એઝોવ સાગર પર આવેલું છે. મારિયુપોલ થઈને જ કાળા સમુદ્ર સુધી પહોંચી શકાતું હોવાથી રશિયા માટે આ બંદર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી રશિયા અને યુક્રેન બંને આ પ્રદેશનો કબજો ઈચ્છે છે. બીજું, ડોનબાસમાં રશિયન ભાષા બોલનારી વસ્તીની સંખ્યા નોંધપાત્ર છે, તેથી રશિયા એવો દાવો કરે છે કે તે રશિયન-ભાષી લોકોને રક્ષણ આપવા માટે આ વિસ્તારમાં કાર્યવાહી કરી રહ્યું છે. આ પ્રદેશ સોવિયેત યુગની પૌરાણિક કથાઓમાં પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેથી આ પ્રદેશને રશિયામાં ભેળવી દઈને પુતિન એને આ યુદ્ધમાં રશિયાની જીતનું પ્રતીક બનાવવા માગે છે. અને સૌથી મહત્વનું – ડોનબાસ યુક્રેનનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં ખનિજ સંસાધનોનો મોટો ભંડાર છે. ભૂતકાળમાં હતો એના કરતાં હાલમાં આ ભંડાર ઓછો જરૂર થયો છે, તેમ છતાં હજુ અહીંના પેટાળમાં પુષ્કળ ખનીજો ઉપલબ્ધ છે. ઉપરાંત અહીંની જમીન ખેતી માટે ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે.
યુક્રેનની સરકાર અને ત્યાંની જનતા ડોનબાસ પર તેમના દાવાને લઈને અત્યંત મક્કમ છે. આંતરરાષ્ટ્રીય કાયદા અને ઐતિહાસિક સંદર્ભના આધારે જોઈએ તો ડોનબાસ પર રશિયાના દાવા શંકાસ્પદ અને નિરાધાર ગણાય છે. રશિયન-નિયંત્રિત પ્રદેશોમાં થયેલી માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓને કારણે યુક્રેનિયનો વધુ જમીન છોડવા માટે તૈયાર નથી.
રશિયા દાવો કરે છે કે યુક્રેન 500 વર્ષ સુધી રશિયાનો ભાગ હતો, તેથી યુક્રેનના રશિયન-ભાષી લોકો તેમની સાથે જોડાવા માંગે છે, પરંતુ અભ્યાસો કહે છે કે યુક્રેનમાં રહેતા બહુમતી રશિયન-ભાષીઓ પોતાને યુક્રેનિયન જ ગણે છે, અને તેમને રશિયન સુરક્ષાની કોઈ જરૂર હોવાનું કહેતા નથી.

Most Popular

To Top