રાજયમાં એક તરફ આજે શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ગીર ગઢડામાં થોરડી ગામે આજે એક શિક્ષકે ગળે ફાંસો ખાઈને આપધાત કરી લેતા ભરે ચકચાર મચી જવા પામી હતી. મરતાં પહેલા આ શિક્ષકે પોતાની દિકરીને વોટસએપ પર સ્યુસાઇડ નોટ પણ મોકલી આપી હતી. જેમાં બે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને એક પ્રિન્સિપલ દ્વારા રૂપિયા માંગવા ઉપરાંત માનિસક રીતે ત્રાસ પણ આપ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો છે.
આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા ધનિષ્ઠ તપાસ શરૂ કરી દેવાઈ છે.ગીરગઢડાના થોરડી ગામે શાળાના રૂમમાં પંખે લટકીને શિક્ષક ધનશ્યામભાઈ અમરેલિયાએ પંખા સાથે દોરડું બાંધીને આપધાત કરી લીધો હતો. આ ઘટના અંગે શાળાના સ્ટાફનું ધ્યાન જતાં તુરંત જ પોલીસને જાણ કરવામા આવી હતી.
પોલીસને તપાસ દરમ્યાન મૃતક શિક્ષક દ્વારા લખવામાં આવેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવતા તે કબ્જે લેવાઈ છે. આ સ્યુસાઇડ નોટમાં મૃતક દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે તેમની પાસેથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા પ્રિન્સિપલ દ્વારા મોટી રકમ માંગવામા આવતી હતી. જેના કારણે આ અંતિમ પગલું ભર્યુ હોવાનું સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યુ છે. મૃતકની દિકરીએ પણ પોલીસ સમક્ષ નિવેદન આપીને તેણીના પિતાને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, તેમ જણાવ્યું છે. મૃતકે મરતાં પહેલા સ્યુસાઇડ નોટ પુત્રીને જ વોટસ અપ કરી હતી.