SURAT

‘સુરતીલાલાઓને બીજો નંબર નહી ચાલે, આવતા વર્ષે પહેલો પાક્કો’: સી.આર. પાટીલે પાનો ચઢાવ્યો

સુરત: (Surat) અટલ બિહારી વાજપેયીના (Atal Bihari Vajpayee) જન્મજયંતિ નિમિત્તે ભાજપ (BJP) દ્વારા સુશાસન સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત સફાઈ કામદારોનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ (CR Patil) હાજર રહ્યા હતા. જેઓએ સુરતને આ વર્ષે સ્વચ્છતામાં બીજો ક્રમાંક અપાવવા બદલ સુરત મનપાના તમામ સફાઈ કામદારોનો આભાર માન્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કચરા ફેંકનારાઓના કારણે સુરતનો સતત બે વર્ષ 14 મો ક્રમાંક આવ્યો હતો. સફાઈ કામદારોને નતમસ્તક પ્રણામ કરીને પાટીલે સુરતીઓની મજા લીધી હતી કે, ‘‘સુરતીલાલાઓને બીજો નંબર નહી ચાલે… આવતા વર્ષે સ્વચ્છતામાં પહેલો પાક્કો.’’

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરતના સફાઈ કામદારોને પાનો ચઢાવ્યો
  • સુરત પહેલા ગંદકી માટે જ જાણીતું હતું. પણ હવે સ્વચ્છતામાં સુરત શહેરની ગણના થાય છે.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્લેગ પહેલાનું સુરત યાદ કરીએ તો સુરત શહેરમાં ગટરના ગંદા પાણી વહેતા હતા. જ્યા ને ત્યાં કચરાના ઢગ હતા. ક્યારેય સુરત શહેર પણ સ્વચ્છતામાં ક્રમાંક લાવે તે વાતની પણ કોઈ કલ્પના કરી શકતું ન હતું. સુરત પહેલા ગંદકી માટે જ જાણીતું હતું. પણ હવે સ્વચ્છતામાં સુરત શહેરની ગણના થાય છે. અને હવે સુરત શહેરનો દરેક ક્ષેત્રે સુરતે હરણફાળ પ્રગતિ કરી છે. દેશમાં મુંબઈ બાદ સુરત શહેરમાં સૌથી વધુ લોકો રોજગાર માટે આવે છે. સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે જો સફાઈ કામદારો જવાબદારી નહી ઉપાડે તો શહેરની શું હાલત થાય તે વિચારી શકાય તેમ નથી.

ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને (Dr. Babasaheb Ambedkar) યાદ કરતા, સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ દેશમાં ઘણા મહાન પુરૂષો છે. વિશ્વના સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરે સૌથી મજબુત બંધારણ બનાવ્યું છે. ઘણા દેશમાં લોકશાહી આવી અને તુટી પણ આપણા દેશમાં લોકશાહી મજબુત બનતી ગઈ. ડો. બાબાસાહેબની દુરંદેશી અને પ્લાનીંગને ધ્યાનમાં રાખી બંધારણ બનાવ્યું હતું. આપણા બંધારણમાં કોઈ સુધારાની જરૂર પડી નથી.

મોદીએ લાલકિલ્લા પરથી સફાઈની વાત કરી ત્યારે ઘણા લોકો હસતા હતા: પાટીલ

દેશના વડાપ્રધાન બન્યા બાદ સૌ પ્રથમવાર વડાપ્રધાન મોદીએ (PM MODI) લાલ કિલ્લા પરથી દેશમાં સફાઈની વાત કરી હતી. જે-તે સમયે લોકો વડાપ્રધાનની સફાઈની વાત પર હસતા હતા. હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા જોઈ વિરોધ પક્ષ પણ હાંસી ઉડાડતા હતા. પરંતુ આજે લોકોને ઝાડુ લઈને સફાઈ કરવામાં બિલકુલ પણ શરમ આવતી નથી. વડાપ્રધાને દેશને સંદેશ આપ્યો હતો કે, સફાઈ કામદાર નાની વ્યકિત નથી અને તેનું કામ પણ નાનું નથી. આજે દેશભરમાં સફાઈ ઝુંબેશ ચલાવી સ્વચ્છતાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top