National

રવિવારે અનેક રાજ્યોએ એક પછી એક મફત રસીની જાહેરાત કરી

મુંબઈ : રવિવારે અનેક રાજ્યોએ મફત રસીઓ(FREE VACCINE)ની જાહેરાત કરી હતી. રાજસ્થાન (RAJASTHAN) અને મહારાષ્ટ્ર(MAHARASHTRA)ની સરકારોએ આજે જાહેરાત કરી છે કે તેઓ 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને મફત રસી આપશે. રાત્રે મોડેથી ઓડિશા સરકારની પણ મફત રસીની જાહેરાત આવી હતી. આ સાથે દેશના 15 જેટલા રાજ્યો મફત રસીની જાહેરાત કરી ચુક્યા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે આજે જાહેર કર્યું હતું કે રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને મફત રસી આપવામાં આવશે. રાજસ્થાન સરકાર આ માટે રૂ. 3000 કરોડ ખર્ચશે એમ તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના લોકોને કોરોના રસી મફત આપવામાં આવશે. કેબિનેટમંત્રી નવાબ મલિકે આ અંગે ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 18 વર્ષથી 45 વર્ષની વચ્ચેના લોકોના કોરોના રસી વિના મૂલ્યે આપવામાં આવશે. આ રાજ્ય સરકારની જવાબદારી છે કે તેઓ રસીકરણ અભિયાન કેવી રીતે અમલમાં મૂકે છે.

તેમણે કહ્યું કે, ભારત પાસે બે રસી છે. કૉવિશીલ્ડ રસી માટે દરો જાહેર કરવામાં આવ્યા હતા. આ રસી કેન્દ્ર સરકાર 150 રૂપિયામાં, રાજ્યને 400 રૂપિયામાં અને ખાનગી સંસ્થાઓને 600 રૂપિયામાં મળશે. ત્યારબાદ કૉવાક્સિને તેના નવા દરો બહાર પાડ્યા હતા. જેના અનુસાર રસી કેન્દ્રને 150 રૂપિયામાં, રાજ્ય સરકારને 600 રૂપિયામાં અને ખાનગી સંસ્થાઓને 1200 રૂપિયામાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આ કિંમતો યોગ્ય નથી. અમે કેબિનેટમાં ચર્ચા કરી છે કે, 18થી 45 વર્ષની વયના લોકોને મફત રસી આપવામાં આવશે. અમે ગ્લોબલ ટેન્ડરને આમંત્રણ આપીશું અને શક્ય તેટલા ઓછા ભાવે યોગ્ય રસી લઈશું.

અમે રસીના 14થી 15 કરોડ ડોઝ મેળવીને મહારાષ્ટ્રના લોકોને મફત રસી આપીશું. મહારાષ્ટ્રને કોરોના મુક્ત બનાવવા માટે અમે એક વ્યાપક રસીકરણ અભિયાન ચલાવીશું. રાજ્યમાં 18થી 45 વર્ષની વયના લોકોને મફત રસી મળશે. જ્યારે 45 વર્ષથી ઉપરના લોકોને પહેલાની જેમ કેન્દ્રની સપ્લાય હેઠળ રસીના ડોઝ આપવામાં આવશે.

Most Popular

To Top