અહિંસા, સહનશીલતા અને શાંતિના સંદેશદાતા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ સુરત શહેરમાં ભવ્ય રીતે ઉજવાઈ. શહેરના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખથી વધુ લાડુ વિતરણ કરીને મહાવીર સ્વામીના ધર્મસંદેશને જનજન સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરાયો હતો.
મહાસંઘ દ્વારા શહેરના અડાજણ, વર્ચ્યુઅલ શોપિંગ સેન્ટર, નવસારી બજાર, અઠવાગેટ, કતારગામ, અને વેસુ સહિતના અનેક સ્થાનોએ લાડુ વિતરણના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. સવારે આરંભાયેલા વિતરણ કાર્યમાં મહાસંઘના યુવાનો, સ્વયંસેવકો અને સદસ્યોએ ઉમંગભેર ભાગ લીધો.આ કાર્યક્રમ માત્ર લાડુ વિતરણ પૂરતો સીમિત નહોતો, પરંતુ તેમાં સાથે સાથે મહાવીર સ્વામીના જીવનચરિત્ર, તેમની અહિંસાના ઉપદેશો અને આધ્યાત્મિક મૂલ્યોનો પ્રસાર પણ કરવામાં આવ્યો હતો.
મહાસંઘના પ્રમુખે કહ્યું કે, આવી સેવાકાર્યની પાછળનું ઉદ્દેશ માત્ર પ્રસાદ વિતરણ નહીં, પણ સમાજમાં અહિંસા અને કરુણાનો સંદેશ પહોંચાડવો છે. યુવાન પેઢીમાં ધર્મપ્રેમ અને સંસ્કારનાં બીજ રોપવાનું કાર્ય અમે આજના દિવસથી કરીએ છીએ. શહેરના નાગરિકો દ્વારા આ આયોજનની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. અનેક પરિવારોના હૈયાને સ્પર્શતા આ કાર્યક્રમે મહાવીર જયંતિને ખરેખર ધર્મમય અને સેવા સંગઠિત બનાવ્યો.
