નવી દિલ્હી: કોલકાતાના (Kolkata) રેડ રોડ ખાતે આયોજિત ઈદની (Eid) નમાજ પર આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેણીએ દેશના તમામ નાગરિકોને ઈદની શુભકામના પાઠવી હતી. તેમજ દેશમાં લાગુ પાડવામાં આવેલા કાયદાઓ CAA અને UCC વિશે મોટું નિવેદન પણ આપ્યું હતું.
મમતાએ કહ્યું કે, ‘આ ખુશીની ઈદ છે. આ શક્તિ આપવાની ઈદ છે. એક મહિના સુધી ઉપવાસ કરીને ઈદની ઉજવણી કરવી એ મોટી વાત છે… અમે દેશ માટે લોહી વહેવડાવવા તૈયાર છીએ પણ દેશ માટે અત્યાચાર સહન નહીં કરીએ. અમને યુનિફોર્મ સિવિલ કોડ સ્વીકાર્ય નથી. હું બધા ધર્મો વચ્ચે સુમેળ ઈચ્છું છું. તેમજ તમારી સલામતી ઇચ્છુ છું.’ આ સાથે જ મમતા બેનર્જીએ કહ્યું પશ્ચિમ બંગાળમાં અમે CAAનો પણ વિરોધ કરીશું.
પહેલી વાર મમતા બેનર્જીએ UCC પર TMCના વિચારો સ્પષ્ટ કર્યા છે. લોકસભા ચૂંટણીના મતદાન પહેલા તેમનું આ સ્ટેન્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે દર્શાવે છે કે, મમતા સરકાર બંગાળમાં મુસ્લિમોના મતોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે લોકસભાની ચૂંટણી પહેલા UCC સામે ઊભા રહેવા અને સ્ટેન્ડ લેવા માંગે છે.
મારું લોહી આપવા તૈયાર છું- મમતા
મમતા બેનર્જીએ કહ્યું, ‘અમે રોયલ બંગાળ ટાઈગર જેવા છીએ. હું દેશ માટે મારું લોહી આપવા તૈયાર છું… ચૂંટણી વખતે તમે મુસ્લિમ નેતાઓને બોલાવો છો અને તમને જે જોઈએ છે તે કહો છો. હું કહું છું કે તેમને કંઈ નથી જોઈતું, તેમને પ્રેમ જોઈએ છે… અમે યુસીસીને સ્વીકારીશું નહીં.. તમે મને જેલમાં મોકલી શકો છો.. પણ હું માનું છું કે મુદ્દે લાખ બુરા ચાહ ક્યા હોતા હે, વહીં હોતા હે જો મંજૂરે ખુદા હોતા હે.’
તેમણે કહ્યું કે ભાજપને કોઈએ વોટ ન આપવો જોઈએ. કારણકે કંઈ પણ થાય તો તેઓ કોર્ટમાં જતા રહે છે. અમારા લોકોને જામીન પણ નથી મળતા.. અમને ન્યાય જોઈએ છે.
અભિષેક બેનર્જીએ કહ્યું- ભારત કોઈના બાપનું નથી…
આ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ જનસભાને સંબોધતા કહ્યું, ‘આ માટીમાં દરેકનું લોહી સમાયેલું છે.. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી.. હિન્દુસ્તાન કોઈના બાપનું નથી.. આ ભાઈચારો અકબંધ રાખો.. સાંજ છે અને અંધારું છે એટલે સૂરજ નીકળવો જોઈએ, હવે ગમે તે થાય હવામાન બદલાવું જોઈએ.. જેઓ સમાજમાં તિરાડ પાડવા માગે છે અને હિંદુઓને મુસ્લિમો સાથે લડાવવા માગે છે.. તેમના વિસર્જન કે અંતિમ સંસ્કાર આવનારા દિવસોમાં થવા જોઈએ.’