સુરત(Surat): બે વર્ષથી કોરોના(Corona)નાં નિયંત્રણોના કારણે લોકો દિવાળી(Diwali)માં ફરવા(Vacation) જઈ શક્યા ન હતા. આ વખતે કોઈ પણ પ્રતિબંધો ન હોવાના કારણે લોકો ફરવા જવા માટે બુકિંગ કરાવી રહ્યા છે. આ વખતે દિવાળી પર આશરે 1 લાખ સુરતીઓ દેશ-વિદેશમાં ફરવા જવાના છે. તેમાં સુરતીઓ 475 કરોડ રૂપિયા ખર્ચ કરી નાંખશે. દેશમાં સૌથી વધુ કાશ્મીર અને વિદેશમાં સૌથી વધુ થાઈલેન્ડ, સિંગાપોર જવાનું પસંદ કરી રહ્યા છે. કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થતાં વધુ લોકો કાશ્મીર જવા માંગે છે. કારણ ત્યાંથી કલમ-370 દૂર થઈ તે દરમિયાન જ કોરોના આવતાં લોકો જઈ શક્યા ન હતા.
- કોરોના પૂર્વેના વર્ષ કરતાં પણ દિવાળી પ્રવાસમાં ઉછાળો
- કેટલાક પોતાની રીતે જશે તો કેટલાકના બીજા શહેરમાંથી બુકિંગ થશે તે જોતા આંકડો અઢી લાખને પાર થશે
- દેશમાં પહેલી પસંદ કાશ્મીર અને વિદેશમાં થાઈલેન્ડ, સિંગાપોર
ટૂર-ટ્રાવેલ એસોસિએશન સાથે જોડાયેલા મોહન ચકલાસિયાએ જણાવ્યું હતું કે, બે વર્ષથી દેશ અને વિદેશમાં કોરોનાના કારણે નિયંત્રણો હતાં. તેથી લોકો ભરવા જઈ શક્યા ન હતા. આ વખતે કોઈપણ નિયંત્રણ ન હોવાથી લોકો ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. આ વખતે સુરતમાંથી આશરે એક લાખ લોકો ફરવા જનાર છે. ભારતમાં સૌથી વધુ કાશ્મીરમાં ફરવા માટે જનાર છે. ત્યાર બાદ ઉત્તરાંચલ, હિમાચલ પ્રદેશ, ગોવા, કેરળ, દાર્જિલિંગ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તામિલનાડુ જવાનું પસંદ કરી રહ્યા છે. વિદેશમાં સૌથી વધુ પસંદગી થાઈલેન્ડ પર ઉતારી છે. ઉપરાંત સિંગાપોર, ઇન્ડોનેશિયા, મલેશિયા જવાનું પસંદ કરી રહ્યા છે. આ વખતે કમ્બોડિયાનો પણ ક્રેઝ જોવા મળ્યો છે. કમ્બોડિયાનું પણ બહુ બુકિંગ મળ્યું છે. ઉપરાંત શ્રીલંકા માટે પણ બહુ ઇન્કવાયરી આવી છે. મિડલ ઇસ્ટમાં દુબઈ સૌથી ઉપરાંત ઇસ્તમ્બુલ માટે પણ બહુ બુકિંગ છે. એક લાખ લોકોમાંથી 70 હજાર લોકો ભારતમાં અને 30 હજાર લોકો વિદેશમાં ફરવા જનાર છે. તેમાં લોકો 475 કરોડ રૂપિયાનો ખર્ચ કરે એવી સંભાવના છે. વિદેશમાં એક દિવસનો એક વ્યક્તિનો ખર્ચ 8થી 9 હજાર રૂપિયા છે. જ્યારે દેશમાં એક વ્યક્તિનો એક દિવસનો ખર્ચ 3થી 4 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. સામાન્ય રીતે દિવસમાં 8થી 10 દિવસમાં માટે લોકો ફરવા જતા હોય છે. આ જે વાત છે તે તો માત્ર સુરતના ટ્રાવેલ એજન્ટ થકી થયેલા બુકિંગની વાત છે. એટલું જ નહીં ઓનલાઇન પોર્ટલ ઉપરથી બુકિંગ કરાવવાની સંખ્યા ખૂબ મોટી છે. તો સંખ્યાબંધ પરિવાર એવા છે કે, જેમણે બીજા શહેરમાં રહેતા તેમના સંબંધીઓ અથવા તો મિત્રો સાથે ટુરનું આયોજન કર્યું છે એટલે તેમની ટુર ત્યાંથી શરૂ થશે આમ સુરતથી દિવાળીમાં ટુર કરનારાઓનો સાચો આંકડો તો અઢીલાખને પાર થઇ જાય તેમ છે.
અમેરિકા-યુરોપ લોકોની પસંદગી, પરંતુ વિઝાના ઇસ્યુ
લોકો અમેરિકા અને યુરોપ પણ ફરવા જવા માંગે છે, પરંતુ ત્યાં વિઝાનો ઇસ્યુ આવે છે. વિઝા નથી મળતા, તેથી લોકો તે દેશોમાં ફરવા જઈ શકતા નથી. જો અમેરિકા-યુરોપના વિઝા મળતે તો ત્યાં પણ હજારો લોકો ફરવા જાય એવું છે. આ વખતે કમ્બોડિયાનો ક્રેઝ બહુ જોવા મળ્યો છે. આ પહેલાં આટલો ક્રેઝ ક્યારેય જોવા મળ્યો ન હતો. શ્રીલંકામાં રાજકીય માહોલ સારો નથી. છતાં લોકો ત્યાં જવાનું પસંદ કરી રહ્યા છે.
વર્ષ-2018 કરતાં પણ આ વખતે લોકો વધુ ફરવા જશે
છેલ્લાં બે વર્ષથી કોરોના નિયંત્રણોના કારણે લોકો બહાર નીકળ્યા ન હતા. આ વખતે નિયંત્રણો ન હોવાના કારણે લોકો બહાર ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સ્થિતિ તો એવી આવી ગઈ છે કે, આ પહેલા 2018માં જેટલા લોકો દેશ-વિદેશમાં ફરવા ગયા હતા, તેના કરતાં પણ વધુ લોકો આ વખતે ફરવા જવાના છે.