લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણી મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીને ઘેર્યા હતા. શુક્રવારે રાહુલે સોશિયલ મીડિયા X પર લખ્યું કે જો તમે દેશના પીએમને અદાણી મુદ્દે પ્રશ્નો પૂછો છો, તો તેઓ ચૂપ રહે છે. વિદેશમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે તેને વ્યક્તિગત બાબત ગણાવી. થયું એવું કે પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન પત્રકારોએ વડાપ્રધાન મોદીને પૂછ્યું હતું કે શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ગૌતમ અદાણીના કેસ પર કોઈ ચર્ચા થઈ હતી? આના જવાબમાં પીએમએ કહ્યું કે અમારી વચ્ચે આવી કોઈ અંગત બાબતો પર વાતચીત થઈ નથી.

પત્રકારોના સવાલ પણ વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમારી પરંપરાઓ અને સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમની છે. અમે આખી દુનિયાને અમારો પરિવાર માનીએ છીએ. હું દરેક ભારતીયને પોતાનો માનું છું. બીજી વાત એ છે કે આવી અંગત બાબતો માટે બંને દેશોના વડાઓ ન તો મળે છે, ન બેસે છે, ન તો વાત કરે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે રાષ્ટ્રાધ્યક્ષ આવી બાબતો પર વાત કરતા નથી.
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદને ઉકેલવામાં મદદ કરવાની ઓફર કરી છે. પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું કે તે તેના પડોશી દેશો સાથેના કોઈપણ મુદ્દાને ફક્ત દ્વિપક્ષીય રીતે જ ઉકેલશે. હકીકતમાં વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે હું ભારત તરફ જોઉં છું, સરહદ પર અથડામણો થઈ રહી છે જે ખૂબ હિંસક છે. જો હું કોઈપણ રીતે મદદ કરી શકું તો મને ખુશી થશે, કારણ કે આ બંધ થવાની જરૂર છે.
ટ્રમ્પે અમેરિકા-ચીન સંબંધો પર પણ વાત કરી
આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે મને લાગે છે કે ચીન સાથે આપણા ખૂબ સારા સંબંધો રહેશે. કોવિડ આવ્યો ત્યાં સુધી મારા રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સારા સંબંધ હતા… ચીન દુનિયાનો ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે.
ટ્રમ્પની ઓફરનો ભારતે જવાબ આપ્યો
ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ ઓફરને નમ્રતાપૂર્વક નકારી કાઢી. આ અંગે બોલતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત તેના તમામ મુદ્દાઓ સીધી વાતચીત દ્વારા ઉકેલે છે. તેમણે કહ્યું કે અમે હંમેશા અમારા પડોશી દેશો સાથેના કોઈપણ મુદ્દાઓના ઉકેલ માટે દ્વિપક્ષીય અભિગમ અપનાવ્યો છે.
