National

ઓમિક્રોને સરકારની ઊંઘ હરામ કરી: તમિલનાડુમાં 33, કર્ણાટકમાં 12 કેસ મળ્યા, PM મોદીએ તાત્કાલિક બેઠક બોલાવી

નવી દિલ્હી : દેશમાં ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટની ઝડપે માત્ર 20 દિવસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઊંઘ હરામ કરી દીધી છે. આજે તમિલનાડુમાં (Tamil Nadu) ઓમિક્રોન વેરિઅન્ટના 33 કેસ એકસાથે મળી આવ્યા છે. દિલ્હીથી (Delhi) મહારાષ્ટ્ર (Maharashtra) સુધી 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રકારના 269 કેસ મળી આવ્યા છે. આમાં મહારાષ્ટ્ર 65 કેસ સાથે પ્રથમ અને દિલ્હી 64 કેસ સાથે બીજા ક્રમે છે. જેના કારણે ફરી એકવાર કોરોના વાયરસ (Corona virus) ઉભરી શકે છે. નાતાલ (Christmas) અને નવા વર્ષની રજાઓમાં મોટી સંખ્યામાં લોકો બહારગામ જાય અને તહેવારની ઉજવણી કરે તેવી પણ શક્યતા છે. આવી સ્થિતિમાં ઓમિક્રોન ફેલાવાનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. દરમિયાન ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદીએ દેશની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તેઓ રાજ્યોને લઈને કોઈ સલાહ આપી શકે છે. આ સિવાય દિલ્હી સરકાર દ્વારા પણ આજે ગાઈડલાઈન જારી કરવામાં આવી શકે છે.

  • દિલ્હીથી મહારાષ્ટ્ર સુધી 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના 269 કેસ મળી આવ્યા છે.
  • તમિલનાડુમાં એક સાથે 33 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મળ્યા બાદ કર્ણાટકમાં પણ સંકટ વધી ગયું
  • કર્ણાટકમાં ઓમિક્રોનના એક સાથે 12 કેસ મળ્યા બાદ કુલ કેસની સંખ્યા 34 પર પહોંચી
  • દેશભરમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 78, 291 પર પહોંચી

તમિલનાડુમાં એક સાથે 33 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મળ્યા બાદ કર્ણાટકમાં (Karnataka) પણ સંકટ વધી ગયું છે. રાજ્યમાં આ નવા પ્રકારના 12 કેસ એક સાથે મળી આવ્યા છે. ગુરુવારે તમિલનાડુમાં ઓમિક્રોન વેરિઅન્ટના એકસાથે 33 કેસ મળી આવ્યા છે. તેમાંથી 26 કેસ એકલા ચેન્નાઈમાં (Chennai) મળી આવ્યા છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 34 થઈ ગઈ છે. આ નવા વેરિઅન્ટના અત્યાર સુધીમાં દેશભરમાં 269 કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 7,495 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા માત્ર 6,960 રહી છે. આ સાથે દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 78,291 થઈ ગઈ છે. દરમિયાન દેશભરમાં 139.70 કરોડ કોરોના રસી આપવામાં આવી છે.

સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 104 લોકો સ્વસ્થ થયા છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 65 કેસ મળી આવ્યા છે, જ્યારે દિલ્હીમાં 64 કેસ મળી આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં બે કેસ મળી આવ્યા છે, જોકે બંને રિકવર થઈ ગયા છે.

પંજાબમાં રસી ન મુકાવી હોય તેને પગાર મળશે નહીં

પંજાબ સરકારે આદેશ આપ્યો છે કે જે સરકારી કર્મચારીઓ રસીકરણ પ્રમાણપત્ર નહીં બતાવે તેમને તેમનો પગાર નહીં મળે. કર્મચારીઓને રાજ્ય સરકારના માનવ સંસાધન પોર્ટલ પર તેમનું સંપૂર્ણ રસીકરણ અથવા કામચલાઉ રસીકરણ પ્રમાણપત્ર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ આ કરી શકતા નથી તો તેમને પગાર નહીં મળે.

દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષ પર જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ

ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ના આદેશ અનુસાર, આગામી આદેશો સુધી કોઈપણ હોટેલ, બાર અથવા રેસ્ટોરન્ટમાં 50 ટકા બેઠક ક્ષમતાને મંજૂરી આપવામાં આવશે. 

Most Popular

To Top