નવી દિલ્હી: દેશમાં કોરોનાનો (Corona) નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron variant)નો ખતરો વધતો જાય છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મુક્યો છે. ત્યારે દેશમાં ઓમિક્રોનના કેસ 400ને પાર પહોંચી ગયા છે. તેથી કેન્દ્ર સરકારે 25 ડિસેમ્બરથી નવા વર્ષ સુધી તહેવારો પર પ્રતિબંધ મુકી દીધો છે અને રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે કોરોનાની ગાઈડલાઈનનું (Corona guidelines) કડક પાલન કરવામાં આવે. હાલમાં કેન્દ્ર સરકારે ઓમિક્રોનના ખતરાથી બચવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 10 રાજ્યોની યાદી બનાવી છે અને આ 10 રાજ્યોમાં કેન્દ્ર સરકાર સ્પેશિયલ ટીમ મોકલશે.
દેશના આ 10 રાજ્યોમાં રસીકરણ ખૂબ જ ધીમું, ટીમ મોકલાશે
સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ 10 રાજ્યોમાં કેન્દ્રમાંથી ટીમ મોકલવામાં આવશે. કારણ કે આ રાજ્યમાં રસીકરણની પ્રકિયા ખૂબ જ ધીમી થઈ રહી છે. કેટલાક રાજ્યોમાં ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં મલ્ટી-ડિસિપ્લિમરી કેન્દ્રીય ટીમોને માકલવામાં આવશે.
10 રાજ્યોએ નવા વર્ષ પહેલાં પ્રતિબંધો જાહેર કર્યા
કોરોના સંક્રમણ પર કેન્દ્ર સરકારે રાજ્યસરકારને ચેતવણી આપી હતી અને ત્યાર બાદ 10 રાજ્યોએ નવા વર્ષ પહેલાં પ્રતિબંધો જાહેર કર્યા હતા. કડકાઈ કરતાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા જેવા રાજ્યોએ નાઈટ કર્ફ્યુ લગાવ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઓડિશામાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. બીજી બાજુ તેલંગાણાના એક ગામે ઓમિક્રોનના જોખમને જોતા જાતે જ 10 દિવસનું લોકડાઉન લગાવ્યું છે. મધ્ય પ્રદેશમાં 37 દિવસ બાદ ફરીથી રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે. રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લોકોની અવર જવર પર પ્રતિબંધ રહેશે.
સરકારે કહ્યું હતું કે જિમ, કોચિંગ, થિએટર, સિનેમા હૉલ, સ્વિમિંગ પૂરમાં રસીના બંને ડોઝ મૂકાવ્યા હોય તેવા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ પ્રવેશ મળશે. રાજસ્થાનમાં બીજી લહેર બાદથી જ રાત્રી કર્ફયુ ચાલી રહ્યો છે જો કે કેસ ઓછા થયા બાદ સખતી ઓછી કરાઈ હતી પણ હવે ઓમિક્રોનના જોખમને જોતા સરકાર સતર્ક થઈ ગઈ છે અને આ અંગે બેઠક ચાલી રહી છે. યુપીમાં 25 ડિસેમ્બરથી રાત્રી કર્ફ્યુના આદેશ આપ્યા છે. નોઈડા અને લખનઉમાં યોગી સરકારે 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી છે. દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોનના વધતા કેસોને કારણે ચિંતાઓ વધી રહી છે.
11 રાજ્યોમાં સરેરાશ રસીકરણ દર ઓછો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 415 કેસ મળી આવ્યા છે. જેમાંથી 115 સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નવા પ્રકારના 108 કેસની પુષ્ટિ થઈ છે. આ પછી દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ રાજ્યોની વિગતો જાહેર કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યો સાથે બેઠક યોજવામાં આવી છે અને તેમને રસીકરણની ગતિ ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે દેશની 89 ટકા પુખ્ત વસ્તી અને 61 ટકા વસ્તી માટે કોરોના રસીના પ્રથમ ડોઝ બંને મળ્યા છે પરંતુ 11 રાજ્યો એવા છે જ્યાં રસીકરણનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો છે. નોંધનીય છે કે દેશમાં 140 કરોડ રસી આપવામાં આવી છે. તેમાંથી 83.29 કરોડને પ્રથમ ડોઝ અને 57 કરોડ બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે.