ૐ અને પરમાત્માની અભિવ્યક્તિ

વેદ પ્રમાણે પરમાત્મા નિર્ગુણ, નિરાકાર છે. તો ચાલો પ્રથમ સમજીએ નિર્ગુણ, નિરાકાર પરમાત્માને શાસ્ત્રોના પ્રમાણો દ્વારા.
(પ્રમાણ:૧-ગીતા-૭.૧૩) “ત્રણ ગુણોથી મોહ પામેલું જગત મને ગુણોથી રહિત (ગુણાતીત) જાણતું નથી.”
(પ્રમાણ:૨-ગીતા-૧૩.૧૫) “ પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે. છતા તેઓ ઇન્દ્રિય રહિત છે. તેઓ સર્વ જીવોનું પાલન કરનારા હોવા છતા અનાસક્ત છે.”
(પ્રમાણ:૩-ગીતા-૧૪.૧૯) “સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય કોઈ કર્તા નથી. અને પરમાત્મા આ ત્રણ ગુણોથી પર છે.”
(પ્રમાણ: ૪-બ્રહ્મસંહિતા-૫.૩૩) “પરમાત્મા અદ્વૈત, નાશ ન થાય તેવા, અનાદિ અનંત રૂપ છે.”
(પ્રમાણ:૫-કૈવલ્ય ઉપ.-૧.૬) “પરમાત્મા અચિંત્ય, અવ્યક્ત, અનંતરૂપ, પ્રશાંત, અમૃત, અનાદિ, એક જ, નિરાકાર, અદભુત છે.”
હવે સવાલ એ છે કે પરમાત્મા અકર્તા, અવ્યક્ત, અદ્વૈત હોય તો પછી આ સૃષ્ટિની રચના કરે છે કોણ? છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે માત્ર એક તત્વ અનંત, શાશ્વત, અપરિવર્તનશીલ, સર્વસ્વરૂપ છે. તેમાંથી જ સઘળું પ્રગટ થાય છે અને એમાં જ લય થાય છે. જ્ઞાનીઓ, ઋષીઓ તેને એક તત્વ તરીકે જ ઓળખે છે. “એકમ સત વિપ્રા બહુધા વદાંતિ” 
ઘણા સંપ્રદાયો અને ઘણા વિવેચકો એમ સમજાવે છે કે આ સૃષ્ટિની રચના પરમાત્મા દ્વારા થઇ. જો પરમાત્મા આ સૃષ્ટિના કર્તા હોય તો શું વેદોના ઉપર જણાવેલા વિશેષણો ખોટા, કે જેમાં પરમાત્માને અકર્તા કહ્યા છે? વળી કર્તા માટે વેદમાં ચાર દોષ બતાવ્યા છે.

૧. નૈધુર્ણ: (નિર્દયપણું) : એટલે કે જીવોને ઉત્પન્ન કરી તેને ભય, નિંદ્રા, રોગ, પીડા વગેરે આપી, દુઃખમાં નાખી નિર્દયપણું કર્યું.
૨. વૈષમ્ય: (વિષમ ભાવ) : એકને નિર્બળ, બીજા ને બળવાન બનાવ્યો, એક ને રાજા બીજાને રંક. વગેરે.
૩. કૃત નાશ: (કર્મ નાશ) : જયારે પ્રલય થાય ત્યારે પાપી અને પુણ્યશાળી બધા જ નાશ પામે. અહી સારા કર્મોનું ફળ પણ નાશ પામે.
૪. અભ્યાગમ: (કર્મો કર્યા વગર ફળ) : પહેલી શ્રુષ્ટિ બની ત્યારે પહેલીવાર જન્મેલા જીવોએ કર્મ ન કર્યા હોવા છતા કોઈને માણસ, કોઈને પશુ બનાવ્યા વગેરે.
જો આ ચાર દોષ લાગતા હોય તો વેદમાં જે પરમાત્મા માટે દર્શાવેલ ‘નિર્દોષ’ પ્રમાણ છે તે ખોટું?

પરમાત્માના નિર્ગુણ, નિરાકાર અથવા અપ્રગટ સ્વરૂપને અને પ્રગટ સ્વરૂપ અથવા સગુણને સમજવા માટે જ આપણે અહી પરમાત્મામાંથી નીકળતા ‘બીજ’ દ્વારા સમજુતી કેળવી છે, કે જે આકૃતિમાં બતાવી છે. હમણાં ટૂંકી સમજણથી માની લો કે નિરાકાર ‘પરમાત્મા’માંથી સૃષ્ટિ રચવાની કુદરતી પ્રક્રિયાના ભાગરૂપે એક ‘બીજ’ છુટું પડે છે. સમજી લો કે પાણીના ઘડામાંથી એક ટીપું પડે છે અથવા ઝાડ પરથી એક બીજ પડે છે. આ એ જ ‘બીજ’ છે કે જયારે આ અગાઉની સૃષ્ટિ સમેટાઈ ત્યારે પરમાત્મામાં ‘બીજ રૂપે’ સમાયું હતું. આ એ જ બીજ છે કે જે, ‘મહાકલ્પ’ના પ્રલય વખતે પરમાત્મામાં ગુણોની સાથે સમાયું હતું. પરમાત્મા નિર્દોષ છે. પરંતુ બધા દોષ આ બીજમાં છે. આ સમજુતી માટે થોડા શાસ્ત્રોના પ્રમાણ સમજીએ. (પ્રમાણ:૧- ગીતા- ૯.૭)  “હે કુંતીપુત્ર, ‘કલ્પ’ ના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને બીજા ‘કલ્પ’ ના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુન: ઉત્પન્ન કરું છું” (પ્રમાણ:૨- ગીતા-૯.૧૮) “ હું સર્જન તથા પ્રલય, સર્વનો આશ્રય તથા અવિનાશી બીજ છું.”

(પ્રમાણ:૩ -ગીતા -૧૦.૪૧) “ સમગ્ર સત્ય, ઐશ્વર્ય,સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એકમાત્ર અંશથી અભિવ્યક્ત થાય છે.” (પ્રમાણ:૪ -કૈવલ્ય ઉપનિષદ-૧૩,૧૪) “સુષુપ્તિ કાળે સઘળા જીવો વિલીન થઇ જાય છે અને તે જ જીવો પૂર્વજન્મના કરેલા કર્મ અનુસાર જાગ્રત અવસ્થામાં આવે છે.” (પ્રમાણ:૫- તૈતરીય ઉપનિષદ ૩.૧.૧) “જેમાંથી આ સમગ્ર જગતનો જન્મ થયો છે, જેના વડે આ સમગ્ર જગત અસ્તિત્વ ધરાવી રહ્યું છે અને જેમાં પ્રલયકાળે આ સર્વ જીવો અને જગત પ્રવેશ કરે છે એનું તું જ્ઞાન પ્રાપ્ત કર. એનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કર. એ જે તત્વ છે તે જ બ્રહ્મ છે.” અહી “કલ્પ”, “અવિનાશી બીજ”, “સુષુપ્તિ કાળ” વગેરે થોડા અઘરા શબ્દો છે જે ‘સમય’ અથવા ‘કાળ’ માટે વપરાયા છે. કાળની થોડીઘણી પણ સમજણ વગર આખી સૃષ્ટિ રચના અને પ્રલય વગેરેને નહિ સમજી શકાય. આવતા લેખમાં કાળને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી..     ક્રમશ…

Most Popular

To Top