મામલ્લાપૂરમ: ગુરૂવારથી (Thursday) અહીં શરૂ થઇ રહેલી 44મી ચેસ ઓલિમ્પિયાડમાં (Olympiad) કેટલીક ટોચની ટીમની ગેરહાજરીમાં ભારત (India) ટાઇટલના (Title) પ્રબળ દાવેદાર તરીકે પોતાનું અભિયાન (Expedition) આરંભશે. ચેસમાં ટોચની ટીમ રશિયા અને ચીન આ વખતે ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ નથી લઇ રહી. આ સ્થિતિમાં ભારત ઓપન અને મહિલા કેટેગરીમાં ત્રણ-ત્રણ ટીમ ઉતારશે. અહીં ચેસ ફિવર તેની ચરમસીમાએ પહોંચી ગયો છે અને બધાની નજર ભારતીય ટીમ પર મંડાયેલી છે.
પાંચવારનો વર્લ્ડ ચેમ્પિયન અને દિગ્ગજ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે ઓલિમ્પિયાડમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે અને તે આ વખતે ભારતીય ટીમોના મેન્ટર તરીકે ભૂમિકા ભજવશે. ચોક્કસપણે ભારતીય ટીમ તેના અનુભવનો પુરતો લાભ ઉઠાવવા માગશે. ભારતની એ ટીમને સ્ટાર ખેલાડીઓ ધરાવતી અમેરિકા પછી બીજો ક્રમ અપાયો છે. તો મેગનસ કાર્લસનની આગેવાની હેઠળનું નોર્વે અમેરિકા તેમજ અઝરબૈજાન સાથે ટાઇટલના દાવેદારમાં સામેલ છે.
ભારતની બી ટીમમાં યુવા ખેલાડીઓ સામેલ છે અને તેના કોચ આર બી રમેશ છે. ભારત-બી ટીમને 11મો ક્રમ અપાયો છે અને તેને ડાર્ક હોર્સ માનવામાં આવી રહી છે. ચેસ ઓલિમ્પિયાડમાં આ વખતે ઓપન કેટેગરીમાં વિક્રમી 188 ટીમ અને મહિલા કેટેગરીમાં 162 ટીમ ભાગ લેશે. તેમાં ભારતની છ ટીમો સામેલ છે. ભારતને યજમાન હોવાના કારણે વધારાની ટીમો ઉતારવાની તક મળી છે. રશિયા અને ચીનની ગેરહાજરીમાં ભારત માટે સ્થિતિ થોડી સરળ બની ગઇ છે. જો કે તેનાથી અન્ય ટીમોને પોતાની ચમક દાખવવાની તક મળશે.