કીમ: (Kim) ઓલપાડ (Olpad) તાલુકાની બોલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Election) ગ્રામજનોએ બહિષ્કાર (Boycott) કર્યો હતો. અનુસૂચિત જાતિનો કેટેગરીના વોર્ડમાં એકપણ મતદાર ન હોવા છતાં ફરીવાર એ જ બેઠક ફળવાતાં સ્થાનિકથી લઈ ચૂંટણી આયોગ સુધી રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતાં સરપંચ સહિત તમામ આઠ વોર્ડમાં ચૂંટણી બહિષ્કાર કરાયો છે.
- એક જ વોર્ડમાં બીજીવાર એ જ કેટેગરીની બેઠકની ફાળવણી થતાં બહિષ્કાર
- પુરાવા સાથે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી
- ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ ૮ વોર્ડના સભ્યએ એકપણ ઉમેદવારપત્રક ફોર્મ નહીં ભરી બહિષ્કાર કર્યો
ગ્રામ પંચાયત ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો પણ છેલ્લો દિવસ છે. ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. ત્યારે ઓલપાડ તાલુકાના બોલાવ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામમાં એક હજારથી વધુ વસતી છે. ગામમાં કુલ મતદાર ૮૧૦ જેટલા છે. જેમાં જનરલ કેટેગરી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનો સમાવેશ થાય છે. ગત ટર્મમાં ગ્રામ પંચાયતના વોર્ડ નં.૪માં એસ.સી. બેઠક ફાળવવામાં આવી હતી. ગત ટર્મમાં આ વોર્ડની બેઠક ખાલી રાખવામાં આવી હતી. ત્યારબાદ આ વર્ષે પણ ઉપરોક્ત વોર્ડમાં એ જ બેઠક ફાળવાતાં આ વર્ષની ગ્રામ પંચાયત સરપંચ સહિત ગ્રામ સભ્યની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામ પંચાયતથી લઈ મામલતદાર, ધારાસભ્ય, કલેક્ટર, ચૂંટણી આયોગ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં ગ્રામ પંચાયતના તમામ ૮ વોર્ડ માટે એકપણ ઉમેદવારોએ પત્રક ફોર્મ ભર્યું ન હતું. અને તમામ ગ્રામજનોએ એકસૂરે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
વોર્ડમાં એકપણ અનુસૂચિત જાતિની વ્યક્તિ રહેતી નથી : દિલીપસિંહ ભરથાણીયા
અમારા વોર્ડમાં એકપણ અનુસૂચિત જાતિની વ્યક્તિ રહેતી નથી. છતાં અનુસૂચિત જાતિની સભ્ય સીટ આવી છે. એ શાના આધારે આવી. બીજું મામલતદાર, કલેક્ટર, પ્રાંત અધિકારી, ચૂંટણી અધિકારીને પૂરતા પુરાવા મૂક્યા છે. છતાં આ બાબતનું નિરાકરણ તેઓ લાવ્યા નથી.
રોટેશન પદ્ધતિથી સીટ ફાળવણી થવી જોઈએ : મનીષ વરાછીયા
રોટેશન પદ્ધતિથી જે સીટ ફાળવવી જોઈએ એ ફાળવાઈ નથી. બે ટર્મથી એ જ સીટ ફાળવવામાં આવી છે. અમે આ બાબતના પુરાવા અધિકારીઓ સામે પણ રજૂ કર્યા છે. કોઈ નિરાકરણ નહીં આવતાં અસંતોષની લાગણી ઊભી થઇ છે. જેની ત્રણ મહિનાથી સક્ષમ અધિકારીઓને રજૂઆત કરી હતી, પણ કોઈ નક્કર કામગીરી થઈ નથી.