સાયણ: ઓલપાડ તાલુકાના ઓરમા ગામે રોડ બાજુની ગટરમાં રિક્ષા પલટી મારતાં રિક્ષામાં સવારી કરી રહેલા મિત્ર રિક્ષા સાથે ગટરના પાણીમાં દબાતાં ગંભીર ઈજાગ્રસ્ત મિત્રનું ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું.
મૂળ સાગબારાનો વતની દીપક ધરમસિંગ વસાવા હાલ માંગરોળના ભાટકોલ ગામે રહી મજૂરીકામ કરે છે. દીપક ભાટકોલ ગામે રહેતા તેના મિત્ર ભીખા નટવર રાઠોડ સાથે ઘાસ કાપ્યા બાદ રિક્ષા નં.જીજે-૧૯,ડબ્લ્યૂબી-૪૧૮૮માં ઘાસચારો ભરી નાંખવા માટે ઓલપાડના વેલુક ગામે ગયો હતો. એ વખતે રિક્ષા ભીખાભાઇ હંકારી રહ્યો હતો અને બે મિત્ર દીપક તથા કમલેશ રિક્ષાની પાછળની સીટ ઉપર બેઠા હતા. ત્રણેય રાત્રે ઘાસચારો નાંખી રિક્ષા લઈ ઘરે આવી રહ્યા હતા.
એ વખતે રાત્રે ૯:૩૦ કલાકે ઓરમા રોડ ઉપર નવી આમેના મંઝીલની બાજુની જૂની મસ્જિદની સામે અચાનક દીપકને ખેંચ આવી હતી. જેથી રિક્ષાચાલક ભીખાભાઇએ પાછળ ફરીને જોતાં તેણે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતાં રિક્ષા રોડની બાજુની ગટરમાં પલટી ખાઈ જતાં દીપક રિક્ષાની નીચે પાણીમાં દબાઈ ગયો હતો. આ અકસ્માતમાં ઘાયલ દીપકને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બાબતે મૃતકની પત્ની જેની વસાવાએ રિક્ષાચાલક ભીખા નટવર રાઠોડ સામે ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.