દેલાડ: ઓલપાડ (Olpad) તાલુકાના સાયણ ટાઉનમાં ફરી તસ્કરો પેધા પડ્યા છે. સાયણ (Sayan) ટાઉનમાં ત્રણ અજાણ્યા તસ્કરોએ ગોથાણ રેલવે સ્ટેશન (Railway Station) માસ્તરના બંધ ફ્લેટને (Flat) નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં, હિરાની વીંટી મળી કુલ રૂપિયા ૩.૫૫ લાખની મત્તાની ચોરી (Stealing) કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો દસ્તાવેજી આધાર-પુરાવાઓ પણ લઈ ગયા હતા. આ મામલે સ્ટેશન માસ્તરે CCTV કેમેરાની ફૂટેજ સાથે ઓલપાડ પોલીસ મથકમાં (Police Station) ફરિયાદ નોંધાવી છે.
મુળ બિહાર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના વતની અભિષેક દેવનારાયણ મહેતા હાલ ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં ગોથાણ રોડ પર ઓમ નગર સોસાયટીમાં વિભુ વિલા એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૧૦૪ માં ભાડેથી રહે છે. તેઓ ગોથાણ રેલવે સ્ટેશન માસ્તર તરીકે નોકરી કરે છે. તેમની પત્ની છેલ્લા બે માસથી પિયર ગઈ છે. ગત તા.૨૩ સપ્ટેમ્બરના રોજ રાત્રે અભિષેકભાઈ કીમ રેલ્વે સ્ટેશન ખાતે ફરજ ઉપર હોવાથી તેમનો ફ્લેટ બંધ હતો. ત્રણ તસ્કરોએ તેમના ફ્લેટને નિશાન બનાવી દરવાજાનું તાળુ તોડી રૂ. ૩,૫૫,૪૨૫ની મત્તા સહિત જરૂરી દસ્તાવેજી પુરાવાઓની ચોરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અભિષેક મહેતાને રૂમના માલિકે જાણ કરી હતી. તેમણે ચોરીની ઘટનાના CCTV કેમેરાની ફૂટેજ સાથે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેની તપાસ ઓલપાડ પોલીસ મથકના પીઆઇ એમ.બી.તોમર કરી રહ્યા છે.
કડોદરામાં ત્રણ વર્ષ પહેલા ધાપ મારનાર ચોર અંકલેશ્વરના બાકરોલ ગામમાંથી પકડાયો
અંકલેશ્વર: ભરૂચ એલસીબીએ પલસાણા તાલુકાના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વરના બાકરોલ ગામના કામધેનું એસ્ટેટમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં કોમ્બિંગના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પલસાણાના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અંકલેશ્વરના બાકરોલ નેશનલ હાઇવે ઉપર આવેલા કામધેનું એસ્ટેટમાં ફરી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી અને મૂળ અંકલેશ્વરના ગડખોલ ગામના આર.કે.નગર અને હાલ ઉમરવાડા રેલવે ફાટક પાસે રહેતો ઘરફોડ ચોર રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો અને પોલીસે જેની પુછપરછ કરતા તેણે ત્રણ વર્ષ પહેલા પોતાના બે મિત્રો સાથે કડોદરા વિસ્તારમાં દુકાનને નિશાન બનાવી કોપર વાયર અને બાઈકની ચોરી કરી હતી જેમાં અગાઉ તેના બે મિત્રોની ધરપકડ થઇ હતી જેઓએ તેનું નામ આપ્યું હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે તેને ઝડપી અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.