સાયણ: (Sayan) ઓલપાડના મોર ગામના (Village) દરિયાકાંઠે કાદવમાં ફસાયેલ વ્હેલ (Whale) માછલીને બોટ દ્વારા ખેંચીને દરિયાઈ ભરતીના પાણીમાં છોડવામાં આવી હતી. આશરે ૩ ટન વજન ધરાવતી ૨૨ ફૂટ લાંબી વ્હેલને ખેંચી પાણીમાં તરતી મુકવામાં સરકારી તંત્ર અને ગામના માછીમારોની (Fisherman) 24 કલાકની મહેનત બાદ સોમવારે બપોરના સમયે સફળતા મળી હતી. પરંતુ કુદરત ને કંઈક બીજુ મંજુર હતુ. મોડી સાંજે મૃત હાલતમા વ્હેલ માછલી દરિયા કિનારે તણાઈ આવી હતી.
- ઓલપાડના મોર ગામે દરિયાકાંઠે તળાઈ આવેલી વ્હેલ માછલીનુ અંતે મોત નીંપજયુ
- મોડી સાંજે મૃત હાલતમા વ્હેલ માછલી દરિયા કિનારે તણાઈ આવી હતી
- વન વિભાગ અધિકારીઓએ જેસીબી દ્વારા 10 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો ખાડો ખોદી વ્હેલને દફનાવી
- ખાડામાં 250 થી 300 કિલો મીઠું નાંખી વ્હેલ માછલીને દફનાવી દીધી
મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના છેવાડાના મોર ગામના દરિયાકાંઠે રવિવારે દરિયાઈ ભરતીના પાણીમાં આશરે ૩ ટન જેટલું વજન ધરાવતી ૨૨ ફૂટ લાંબી વ્હેલ માછલી ખેંચાઇ આવી હતી. જો કે ભરતીના પાણી ઓસરી જતા આ વ્હેલ માછલી કાદવમાં ફસાઈ ગઈ હતી. રવિવારે મોડી સાંજે વ્હેલ માછલી ફસાઈ ગઈ હોવાની જાણ થતાં મોર અને નજીકના જીણોદ ગ્રામજનોના ટોળેટોળાં દરિયાકિનારે ઉમટી પડ્યા હતા.
કાદવમાં ફસાયેલ આ વ્હેલ જીવતી જણાતા ગ્રામજનો અને માછીમારોએ સરકારી તંત્રને જાણ કરી હતી. જેથી ઘટના સ્થળે આવેલ પોલીસ સહિત વન અને મત્સ્ય વિભાગના કર્મીઓની ટીમે મોડી રાત્રે માછીમારોની મદદથી વ્હેલને જીવંતદાન આપ્યું હતું. રવિવારની મોડી રાત્રે ગ્રામજનોની મદદથી ઘટનાસ્થળે જેસીબી મશીનથી મોટો ખાડો ખોદાવી એન્જીન મશીન દ્વારા ખાડામાં પાણી ભર્યું હતું અને વ્હેલ માછલીને ઈન્જેકશન દ્વારા ઓક્સિજન પણ આપતા તેને સોમવારે બપોર સુધી જીવંતદાન મળ્યું હતું. જેને ફરી બોટની મદદથી પાણીમાં છોડી દેવામાં આવી હતી.
જોકે મોડી સાંજે વન વિભાગના અધિકારીઓ દરિયા કિનારે તપાસ કરવા ગયા તો ત્યાં વ્હેલ માછલી મૃત હાલતમાં તણાઈને દરિયાકિનારે આવી ગઈ હતી. આથી વન વિભાગ અધિકારીઓએ જેસીબી દ્વારા 10 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો ખાડો ખોદી ખાડામાં 250 થી 300 કિલો મીઠું નાંખી વ્હેલ માછલીને દફનાવી દીધી હતી.