Dakshin Gujarat

જમવા બાબતે ઝઘડતા પુત્રને સમજાવવા ગયેલા ગણપત વસાવાની કુહાડીથી હત્યા

ઓલપાડ તાલુકાના શેરડી ગામે એક શ્રમજીવી પરિવારના બે ભાઇઓને જમવા બાબતે ઝઘડો થયો હતો. આ બબાલમાં બંને પુત્રોને છોડાવવા વચ્ચે પડેલા બાપને નાના પુત્રએ માથામાં કુહાડી મારતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડ તાલુકાના શેરડી ગામના ચોક ફળિયામાં એક શ્રમજીવી પરિવારના આધેડ ગણપત કાળીદાસ વસાવા (ઉં.વ.50) તેના પરિવાર સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. ગત મંગળવારે રાત્રે ૧૦ કલાકે તેમના મોટા પુત્ર કિશને નાના ભાઈ વિક્રમ ઉર્ફે ભલીયાને કહ્યું હતું કે, તું નાનો એટલે તને પિતા સારી રીતે ખવડાવે છે અને મને સારું ખવડાવતા નથી. જેથી બંને ભાઈએ સારું જમવા બાબતે

ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો. જેથી તેમના પિતા ગણપત વસાવા છોડાવવા વચ્ચે પડી ઝઘડો ન કરવાની સલાહ આપતા હતા. એ સમયે નાના પુત્રએ બાપને જણાવ્યું કે, તું અમારી લડાઈમાં કેમ વચ્ચે પડે છે? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાંથી કુહાડી લાવી બાપને માથામાં જમણી તરફ કુહાડીનો ઘા મારી ઢીકામુક્કીનો માર મારી ગાળો આપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ બબાલમાં ગણપત વસાવાને માથામાં ગંભીર અને જીવલેણ ઇજા થતાં તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે આરોપી પુત્રની માતા કુસુમબેન વસાવાએ ગત બુધવાર,તા.૨ના રોજ મોડી રાતે ઓલપાડ પોલીસ મથકમાં વિક્રમ ઉર્ફે ભલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એ.બી.મોરી કરી રહ્યા છે.

Most Popular

To Top